નવરાત્રીને વેલકમ કરવા ફકત ચિલ્ડ્રન કલબના સભ્યો માટે ભવ્ય આયોજન: ૧૦૦ થી વધુ ઇનામો અપાશે

સરગમ ચિલ્ડ્રન કલબના ઉપક્રમે ચિલ્ડ્રન કલબના ૪૫૦૦ બાળસભ્યો માટે નવરાત્રીની પૂર્વ સંઘ્યાએ બાળકો માટે વિનામૂલ્યે વન-ડે દાંડીયા રાસ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

સરગમ ચિલ્ડ્રન કલબના તમામ બાળસભ્યો માટે તા. ૯-૧૦ ને મંગળવારે સાંજે ૬ થી ૮ કલાકે વન-ડે દાંડીયારાસનું ડો. યાજ્ઞીક રોડ પર ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિને આવકારવા યોજવામાં આવેલા આ વન-ડે દાંડીયારાસમાં વેલડ્રેસ અને પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઇનામો આપવામાં આવશે. વાલીઓએ પોતાના બાળકોને સાંજે ૫.૪૫ કલાકે મુકવા તથા રાત્રે ૮ કલાકે તેડવા અચુક આવી જવું.

વન-ડે દાંડીયારાસમાં મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઇ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રાના સથવારે ગાયક કલાકારો હેમંત પંડયા, ગીતાંજલી જેધે, નિલેશ પંડયા સોનલ ગઢવી, ગુજરાતી અને હિન્દી ફિલ્મી ગીતોની ધુમ મચાવશે.

જેમાં તમામ બાળસભ્યોએ પોતાનું આઇકાર્ડ પીનઅપ કરીને આવવાનું રહેશે. આઇકાર્ડ વિના જોવા કે રમવા માટે પ્રવેશ મળશે નહીં. તેમજ ગેસ્ટને રમવા માટે કોઇપણ સંજોગોમાં પ્રવેશ મળશે નહીં. આ કાર્યક્રમ ફકત ચિલ્ડ્રન  કલબના સભ્યો માટે જ  છે. જો વાલીઓએ રાસ જોવા માટે પ્રવેશ મેળવવો હોય તો રૂ ૧૦ ની એન્ટ્રી ટીકીટ લેવાની રહેશે.

દાંડીયારાસ સ્પર્ધામાં આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે. જેમાં ઉમર વર્ષ ૬ થી ૧૦ અને ૧૧ થી ૧૪ એમ ગર્લ્સ તેમજ બોયઝ એ રીતે અલગ અલગ ચાર ગ્રુપમાં ઇનામો આપવામાં આવશે. પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ વગેરે જેવા ૧૦૦ થી વધુ ઇનામો મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે.

આ દાંડીયારાસ સ્પર્ધામાં તમામ બાળકોએ નવરાત્રીને અનુલક્ષીને ટ્રેડીશ્નલ ડ્રેસ પહેરી ને સમયસર પહોંચી જવા યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા નવરાત્રી દરમ્યાની તા. ૧૦ થી ૧૮ સુધી નવ દિવસ નાગર બોડીંગના ગ્રાઉન્ડમાં કનૈયાનંદ રાસોત્વનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવા માટે સરગમ કલબના તમામ વિભાગમાંથી ફોર્મ મળી શકશે.

કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.