લોકોની અનેક રજુઆતો છતાં નિરાકરણ નહીં: પાણીની લીકેજ લાઈનોને કારણે ગટરનાં પાણી ભળી જવાના પ્રશ્ર્નો ઉદભવ્યા.
ધોરાજીમાં પાણીની લીકેજ લાઈનોને કારણે લોકો અનેક સમસ્યાઓ વેઠી રહ્યા છે. લીકેજ લાઈનોને કારણે રોજનાં હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે અને સમગ્ર શહેરમાં મોટાભાગના તાજેતરમાં થયેલા મેટલીંગ રસ્તા પર પાણીની લાઈનો તુટવાના બનાવોની હારમાળા સર્જાઈ છે.
શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પાણીની લાઈનો તુટવાથી અને ભુગર્ભ ગટરની લાઈનોના પાણી એક-મેકમાં ભળી જવાના બનાવો છાશવારે બને છે. થોડા દિવસ પૂર્વે વોર્ડ નં.૬માં અત્યંત ડફોળુ અને ગંધાતું પાણી અટવાઈ ગયું હતું જેમાં ગટરના પાણી ભળી ગયા હતા.
પાણીની લીકેજ લાઈનોને કારણે પાણીના વેડફાટની સાથે છેવાડાના વિસ્તારમાં ઓછા ફોસેથી પાણી મળવાની પણ સમસ્યા ઉદભવે છે. ધોરાજીમાં રોડ-રસ્તાના કામો બાદ લાઈનો તુટવાના અસંખ્ય બનાવો બન્યા છે ત્યારે પાણીની લાઈનમાં કોન્ટ્રાકટરો અને રોડ-રસ્તાના કોન્ટ્રાકટરો જુદા-જુદા ટેકનીકલ કારણો દર્શાવી એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે ત્યારે નગરપાલિકાના વોટર વર્કસ સમિતિનાં ચેરમેને સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટરોની નબળી કામગીરીને કારણે સમસ્યા સર્જાઈ છે.
બીજી તરફ ધોરાજી શહેરમાં ૧૭ કરોડના ખર્ચે પીવાના પાણીની નવી ડિસ્ટ્રીબ્યુશન લાઈન નખાઈ છે. જેમાં અણઘડ અને આયોજન વિનાનું કામ થયું હોવાની એ લાઈનમાં પાણી વિતરણ થયું કેટલું સફળ રહે તે શંકાસ્પદ છે. નવી ડિસ્ટ્રીબ્યુશન લાઈનનો હજુ હાઈડ્રો ટેસ્ટ કરાયો નથી. હાલ ૧૭ કરોડ જેવી રકમની નવી લાઈનો શહેરમાં બિછાવી દેવાઈ છે પરંતુ તેમાંથી પાણીનું ટીપું નળ વાટે ટપકશે કે ૧૭ કરોડ પાણીમાં જશે તેના પર સવાલો ઉઠી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,