યુગ એ વિશ્વના અણમોલ ખજાના જેવી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તરફથી મનુષ્ય જાતિને મળેલી સૌથી સંસ્કૃતિ અને અમૂલ્ય ભેટ છે. પણ દુઃખદ વાત એ છે કે આજે સાચા અર્થમાં યોગ શું છે તે ઘણા લોકોને ખ્યાલ જ નથી હોતો. યોગ ને લઈને લોકોમાં ઘણી ભ્રામક માન્યતાઓ છે.
આજે સામાન્ય જનસમાજમાં યોગ પ્રત્યે વિવિધ ભ્રામક માન્યતાઓ જોવા મળે છે જેમાંની મુખ્ય ભ્રામક માન્યતાઓ આ છે :
(૧) યોગ એક ચિકિસ્તા પદ્ધતિ છે
યોગ એ કોઈ ચિકિત્સા પદ્ધતિ નથી. કારણ કે બીમાર લોકોની સારવાર માટે તેનો ઉદ્ભવ થયો જ ન હોતો. છતાં યોગના વિવિધ અભ્યાસમાં સારવાર કરવાની તાકાત પણ છુપાયેલી છે. નિયમિત તેમજ યોગ્ય રીતે કરેલ યોગાભ્યાસ વિવિધ દેહધાર્મિક ક્રિયા સંબંધી અથવા મનોશારીરિક વ્યાધિની સારવારમાં ખૂબ જ અસરકર્તા છે. યોગાભ્યાસ દ્વારા વ્યક્તિત્વના મનોમયકોશ પર નિયંત્રણ મેળવી બધી જ પ્રકારની વ્યાધિ પર નિયમન પ્રાપ્ત કરી શકાય છે. યોગની વિશેષતાઓને કારણે આપણે માત્ર તેને ચિકિત્સા પદ્ધતિ માનીએ તો યોગની વ્યાપક્તા અને વિશાળતાને આપણે સંકુચિત કરી નાખીએ છીએ.
(૨) યોગ સૌંદર્યવર્ધક સાધન છે
વિશેષ કરીને બહેનોમાં આજે યોગની લોકપ્રિયતા વધવાનું મુખ્ય કારણ એ છે કે યોગાભ્યાસથી સૌંદર્ય વધે છે, શરીર સુડોળ બને છે. પરંતુ સાચા અર્થમાં યોગના અભ્યાસમાં શરીરના બાહ્ય સૌંદર્યને વધારવા કરતા વ્યક્તિત્વના આંતરિક સૌંદર્ય વધારવા ઉપર વિશેષ ભાર આપવામાં આવે છે. માત્ર બહારના દેખાવ સાથે તેને કોઇ સંબંધ નથી. યોગમાં આસન, પ્રાણાયામ જેવા શારીરિક અભ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ સાથે સાથે મનુષ્ય વ્યક્તિત્વના બધા જ પાસાઓ જેવા કે શરીર, શ્વાસ, મન, બુદ્ધિ અને છેલ્લે ચેતનાના વિકાસનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.
(૩) યોગ એક ધર્મ છે
ઘણા લોકો એમ માને છે કે યોગ એક ધર્મ છે. તેના અભ્યાસ માટે કોઈ ચોક્કસ પ્રકારના ધર્મ છે. તેના અભ્યાસ માટે કોઈ ચોક્કસ પ્રકારના ક્રિયાકાંડ કરવા જરૂરી છે પરંતુ હકીકતમાં તો યોગ એક માનવધર્મ છે. દુનિયાના બધા પ્રાચીન ધર્મોમાં યોગ એક મહત્ત્વનો હિસ્સો છે. કોઈ પણ સંપ્રદાય કે ધર્મના લોકો પોતાના જ સંપ્રદાય કે ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને યોગનો અભ્યાસ વ્યવસ્થિત રીતે કરી શકે છે. યોગાભ્યાસ દ્વારા વ્યક્તિના આંતરિક વ્યક્તિત્વનો વિકાસ થતા તે આત્મસાક્ષાત્કાર તરફ જાય છે. આના માટે કોઈ વિશેષ પ્રકારના દુઃખ, મર્યાદા, પૂર્વગ્રહો, અંધશ્રદ્ધાથી અળગા થઈને તેની ઉપર ઊઠીને એક સ્વાધીન અવસ્થા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે, અર્થાત્ યોગ કોઈ વિશેષ ધર્મ માટે નથી.
(૪) યોગ અમુક સિદ્ધિ પ્રાપ્ત કરવાનું સાધન છે
એ સત્ય છે કે નિયમિત તથા યોગ્ય રીતે યોગાભ્યાસ દ્વારા કેટલીક એવી શક્તિઓ પ્રાપ્ત થાય છે, જે સામાન્ય દૃષ્ટિમાં ચમત્કાર ગણી શકાય. પરંતુ યોગ કોઇ ચમત્કાર નથી. પરંતુ યોગ એક સુવ્યવસ્થિત વિજ્ઞાન છે. યોગમાં એવું કંઈ નથી જેની વૈજ્ઞાનિક રીતે વ્યાખ્યા ન કરી શકાય. યોગનું અંતિમ લક્ષ્ય કોઈ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવાનું નથી. જે માત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આતુર છે, તે ક્યારેય યોગનો ગદન અને સાચો અભ્યાસ નથી કરી શકતા.
(૫) યોગ ગૃહસ્થ જીવન માટે નથી
યોગનું નામ સાંભળતા જ આપણા મનમાં એક યોગી મહારાજ કે સંન્યાસીનું ચિત્ર આવી જાય છે, જેમણે મસ્તક પર જટા, લાંબી દાઢી, હાથમાં કમંડળ તથા ભગવા વસ્ત્રો ધારણ કરેલા હોય તથા જંગલમાં ફરતા હોય. સાચા અર્થમાં યોગની સાથે આવા બાહ્ય દેખાવોને કોઈ સંબંધ નથી. યોગ તો વ્યક્તિના આંતરિક વ્યક્તિત્વના હકારાત્મક પરિવર્તન લાવવા માગે છે. યોગાભ્યાસ માટે જંગલમાં જવું કે ઉપરોક્ત વેશ ધારણ કરવો ફરજિયાત નથી.
(૬) યોગ એ કસરત છે
યોગ વિશે એવી એક માન્યતા છે કે યોગ એક પ્રકારની કસરત છે. કસરત શારીરિક હલનચલન દ્વારા કરવામાં આવે છે. જ્યારે યોગને કસરતના રૂપમાં સમજીએ તો યોગની વ્યાપ્તિને સંકીર્ણ કરી દઈએ છીએ. દા.ત. આસન અને પ્રાણાયામ જેવા અભ્યાસને શારીરિક રૂપમાં લઈ શકાય, પરંતુ યોગમાં અન્ય ઘણા અભ્યાસ છે જે શારીરિક કરતાં વધારે માનસિક છે. દા.ત. ધારણા, ધ્યાન, સમાધિ વગેરે. આથી યોગને માત્ર કસરતના રૂપમાં વિચારવાનું એ ભ્રામક માન્યતા જ છે.
યોગના સાચા સ્વરૂપને ઓળખવા માટે આવી ભ્રામક માન્યતાઓમાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે યોગવિદ્યા એક જીવંતવિદ્યા છે.