મોબાઇલ ફોન પર કોઈ નોટિફિકેશન પરની એક ક્લિક પણ આપણો વ્યક્તિગત ડેટા ઇન્ટરનેટ પર વહેતો કરી શકે છે
એપલ કંપની એ તાજેતરમાં જ પોતાના એપ સ્ટોર પરની એપ કઈ પ્રકારનો યુઝર ડેટા એક્સેસ કરી શકશે તેની માહિતી દર્શાવવાનું શરૂ કરી દીધું છે
ધિસ એપ વુડ લાઇક ટુ એક્સૈસ.. આવું વાક્ય તમે ઘણી વખત વાંચ્યું હશે. જ્યારે આપણે કોઈ પણ એપ માં લોગિન કરીએ ત્યારે તરત જ આ સૂચના પર આપણે યસ બટન દબાવીએ છીએ. આપણાં માથી ઘણા આ વાંચ્યા વગર જ આગળ નીકળી જતાં હોય છે. પરંતુ આ કંસેંટ ઓપ્શન ઘણો જ મહત્વનો છે. જો આ ઓપ્શન વાંચ્યા વિના જ આપણે આગળ જઈશું તો કોઈ અનાધિકૃત એપ આપણાં ડેટા નો દુરુપયોગ પણ કરી શકે છે.
આપણે રોજીદા જીવન માં ન જાણે કેટલી મોબાઇલ ફોન એપ કે વેબસાઇટ ખોલતા હોઈએ છીએ. દરેક એપ માં કોઈ ના કોઈ રીતે ડેટા ની આપ-લે થતી હોય છે. રોજ અસંખ્ય વખત ક્લિક થતી સોશિયલ મીડિયા એપ્સ થી લઈ ને વેબસાઇટ માં ભરાતા ફોર્મ સુધી દરેક જગ્યાએ આપણો વ્યક્તિગત ડેટા શેર થાય છે. ફેસબુક અને ગૂગલ ના જંગી વપરાશ થી હવે અલગ અલગ વેબસાઇટ માં ગૂગલ અકાઉંટ દ્વારા લોગિન કરવાનો એક વિકલ્પ આવી ગયો છે. જ્યારે આપણે કોઈ પણ વેબસાઇટ માં પોતાનું અકાઉંટ બનાવીએ છીએ ત્યારે ગૂગલ આપણી પરવાનગી થી આપણો ડેટા તે વેબસાઇટ સાથે શેર કરે છે. પરંતુ મોટા ભાગ ના લોકો આ સાઇન અપ બટન સાથે આવતું કંસેંટ પેજ અવગણી કાઢે છે. જો કદાચ આપણે કોઈ દિવસ આપણાં ફેસબુક ના સેટિંગ્સ માં જઈ ને જોઈએ તો તેમાં આપણે જે એપ્સ કે વેબસાઇટ સાથે ડેટા શેર કરવાની પરવાનગી આપી છે તેનું લિસ્ટ જોઈ શકાય છે. આપણે જો આ લિસ્ટ પર એક નજર નાખીશું તો જોવા મળશે કે રોજીંદી દિનચર્યા માં વપરાતી ન જાણે કેટલી વેબસાઇટ અને એપ આપણાં ડેટા ને મેળવી શકે છે. કોઈ વેબસાઇટ કે એપ ના વપરાશ પછી તેને એક્સૈસ આપવાનું બંધ કરવાની ટેવ આપણાં માથી કોઈએ વિકસાવી જ નથી. આ જ કારણે આપણો ડેટા સદાય ને માટે આ લાખો એપ્સ માં હરતો ફરતો રહે છે. જો આપણે આપણાં સોશિયલ મીડિયા માં વ્યતીત થતો થોડો સમય મોબાઇલ ના સેટિંગ્સ માં એક નજર નાખવા માં ફાળવીએ તો જોવા મળશે કે ના જાણે કેટલી એપ ને આપણે આપણો લોકેશન ડેટા આપ્યો છે. વપરાશ પૂર્ણ થતાં આપણે તેને આ એક્સૈસ આપવાનું બંધ જ નથી કર્યું.
આંકડાઓ મુજબ, ભારત માં આશરે ૬૯૬ મિલિયન(જાન્યુઆરી ૨૦૨૦ સુધી) ઇન્ટરનેટ વપરાશકર્તા છે. આશરે ૪૪૮ મિલિયન મોબાઇલ ફોનથી ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે. ભારત દેશ સોશિયલ મીડિયા માટે વિશ્વ નો બીજો સૌથી મોટો વપરાશકર્તા છે. આ ઉપભોગતા ની સંખ્યા લગભગ ૪૦૦ મિલિયન(જાન્યુઆરી ૨૦૨૦ સુધી) ને પાર છે. આ દરેક ઇન્ટરનેટ વપરાશ માં કોઈ ને કોઈ માધ્યમ થી આપણો વ્યક્તિગત ડેટા શેર થાય છે. જો આ ડેટા ને સુરક્ષિત ન રાખવા માં આવે તો કરોડો લોકો ની વ્યક્તિગત માહિતી જોખમ માં આવી શકે છે. વેબસાઇટ ખૂલતાં ની સાથે જ આવતો નોટિફિકેશન નો વિકલ્પ પણ આપના ડેટા ને એક્સૈસ કરી શકે છે. અજાણતા મોબાઇલ ફોન પર કોઈ નોટિફિકેશન પર ની એક ક્લિક પણ આપણો વ્યક્તિગત ડેટા ઇન્ટરનેટ પર વહેતો કરી શકે છે. એક ભારતીય રોજ આશરે ૪ થી ૫ કલાક નો સ્ક્રીન ટાઇમ ગાળે છે. આ સ્ક્રીન ટાઇમ દરમિયાન ઇન્ટરનેટ થી સંકળાયેલી દરેક એક્ટિવિટીમાં આપણો વ્યક્તિગત ડેટા વપરાય છે.
આપણાં ડેટા ને સુરક્ષિત રાખવા ની વાત નવી નથી. ઘણા દેશો આના પર કાયદાઓ બનાવી ચૂક્યા છે. ભારત માં પણ આના પર એક સુરક્ષિત કાયદો રચવાની પ્રક્રિયા ચાલુ છે. જેને અનુલક્ષી ને ૨૦૧૯ માં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ લોકસભા માં પ્રસ્તુત કરવા માં આવ્યું હતું. વાસ્તવમાં ડેટા ને સુરક્ષિત કરવાની કવાયત સૌપ્રથમ જર્મની માં થઈ હતી. જર્મની ના એક રાજ્ય હેસ(Hesse)માં ડેટા પ્રોટેક્શન એક્ટ ની જોગવાઈ થઈ હતી. જે વખત જતાં ૧૯૭૭ માં જર્મન ફેડરલ ડેટા પ્રોટેક્શન એક્ટ માં પરિવર્તિત થયો. ત્યાર બાદ ૧૯૯૫ થી યુરોપ, અમેરિકા અને બીજા દેશો માં અલગ અલગ રીતે ડેટા પ્રોટેક્શન વિશે ના કાયદાઓ ની જોગવાઈ થયેલી છે. ડેટા પ્રાઇવસી ને એક મૂળભૂત હક તરીકે અંકિત કરવાની પણ કવાયતો થઈ છે. જેમ જેમ ડિજિટલાઇઝેશન વિકસતું ગયું તેમ ડેટા ને સુરક્ષિત કરવું વધુ ને વધુ જટિલ થતું ગયું. આ જરૂરિયાત ને પહોચી વળવા અલગ અલગ પ્રકાર ના એંક્રિપ્શન ની પધ્ધતિઓ વિકસતી ગઈ. આજે વ્હાટ્સએપ પર એન્ડ ટુ એન્ડ એંક્રિપ્શન વિશે આપણે જાણીએ છીએ.
જસ્ટિસ બી એન ક્રિષ્ના કમિટી ના રિપોર્ટ માં પર્સનલ ડેટા વિશે ની સ્પષ્ટતા કરવા માં આવી છે. જે ડેટા થી કોઈ પણ પ્રકારે વ્યક્તિ ની ઓળખ થઈ શક્તિ હોય તેને પર્સનલ ડેટા તરીકે વ્યાખ્યાઇત કરવામાં આવે છે. પરંતુ આ જ રિપોર્ટ માં ડેટા સાઇન્સ ના વિકાસ થી વ્યક્તિ ના પર્સનલ ડેટા ની વ્યાખ્યા બહોળી કરવાની જરૂરિયાત નો ઉલ્લેખ છે. આજે ડેટા સાઇન્સ ની મદદ થી આપણી ઇન્ટરનેટ પર ની બધી જ ક્રિયાઓ નો અભ્યાસ કરવા માં આવે છે. આ અભ્યાસ આપણને આપણી પસંદ અને જરૂરિયાલક્ષી માહિતી પૂરી પાળવા માટે વપરાય છે. કોઈ એક જ જગ્યાએ બે અલગ અલગ મોબાઇલ ફોન માં જો કોઈ એક વિષય ને ગૂગલ પર સર્ચ કરવા માં આવે તો બંને મોબાઇલ માં અલગ અલગ રિઝલ્ટસ જોવા મળશે. આ વિશેષ સુવિધા ડેટા સાઇન્સ ને આભારી છે. તમારા ફોન માં તમારી જરૂરિયાત અને પસંદગી મુજબ ના પરિણામો તમને પહેલા પીરસવા માં આવશે. તમે જોયું હશે કે તમે જો કોઈ વસ્તુ ઓનલાઇન ખરીદવા માટે સર્ચ કરશો તો ત્યાર બાદ તમને તેને લક્ષી જાહેરાતો દેખાવાની શરૂ થઈ જશે. આ સુવિધા પણ ડેટા સાઇન્સ ને આભારી છે.
ઇન્ટરનેટ ના માધ્યમ થી આખી દુનિયા કનેક્ટેડ થઈ છે. પરિણામે દરેક વ્યક્તિ નો ડેટા ઇન્ટરનેટ ના ક્લાઉડ સર્વર માં સ્ટોર થાય છે. આપણી પાસે એક ટીક માર્ક કે બટન ની મદદ થી પરવાનગી લઈ ને આ ડેટા ના જાણે કેટલે સર્વર માં પોતાની મુસાફરી કરે છે. આ દરેક ડેટા ને એકઠો કરી ને તેના પર રિસર્ચ તથા સર્વે થાય છે. ડેટા સાઇન્સ ના માધ્યમ થી આ ડેટા રિસર્ચ પહેલા કરતાં સહેલું બન્યું છે. હવે કરોડો લોકો નો વિશાળ ડેટાનું બિગ ડેટા, મશીન લર્નિંગ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ના માધ્યમ થી પૃથ્થકરણ થાય છે. આ વિશ્લેષણ નો ઉપયોગ ઉપભોક્તા વિશે ના અનુમાનો તથા આગાહીઓ માટે થાય છે. ડેટા સાઇન્સ પહેલા આ વિશ્લેષણ સર્વે દ્વારા થતાં હતા. પરંતુ તે વ્યક્તિગત પસંદગી તથા જરૂરિયાત ને પહોચી વળે તેટલા અસરકારક નહોતા.
જેમ જેમ ટેક્નોલોજી નો વિકાસ થાય છે તેમ તેને વાપરતા લોકો એ પણ વિકસવું પડે છે. જો આપણે આધુનિક સુવિધાઓ નો લાભ લેવો હોય તો તેના વપરાશ માટે ની અમુક બાબતો ને પણ જીવન માં ઉતારવી જરૂરી છે. ડેટા પ્રાઇવસી વિશે જાગૃતિ વધવાથી હવે દરેક કંપનીઓ પોતે પ્રદાન કરતી એપ્સ તથા સોફ્ટવેર માં ડેટા ની સુરક્ષા પ્રત્યે સજાગ થઈ છે. થોડા સમય થી તમે નોંધ્યું હશે કે કોઈ પણ વેબસાઇટ ખોલતા ની સાથે જ એક કૂકી એક્સૈપ્ટ કરવા માટે નો ઓપ્શન મૂકવામાં આવે છે. કૂકી એક એવું માધ્યમ છે જે વેબસાઇટ કે કોઈ પણ ઓનલાઇન પ્લેટફોર્મ પર તમારા શેર કરેલા ડેટા જેમકે યુઝરનેમ તથા પાસવર્ડ ને ટેક્સ્ટ ફાઇલ ના રૂપે સર્વર માં સ્ટોર કરે છે. આ ડેટા એંક્રીપ્ટ તો થાય જ છે પરંતુ તે જો તમારી પરવાનગી વિના સ્ટોર કરવા માં આવે તો ડેટા પ્રાઇવસી ની વિરુદ્ધ છે. એપલ કંપની એ તાજેતરમાં જ પોતાના એપ સ્ટોર પર ની એપ કઈ પ્રકારનો યુઝર ડેટા એક્સૈસ કરી શકશે તેની માહિતી દર્શાવવાનું શરૂ કરી દીધું છે.
વિવિધ આઇટી ક્ષેત્રે કાર્યરત કોંપનીઓ પણ હવે યુસર્સ ના વ્યક્તિગત ડેટા ને સુરક્ષિત કરવા માટે આગળ વધ્યા છે. પરંતુ અમુક એવા પણ સાઇબર સ્કેમ છે જે આપણાં ડેટા ને હેક કરી તેનો દુરુપયોગ કરવા કાર્યરત છે. કોઈ પણ અજાણી વેબસાઇટ કે એપ ને આ પરમિશન આપવી જોખમકારક નિવડી શકે છે. આપણાં વ્યક્તિગત ડેટા ને સુરક્ષિત કરવાની જવાબદારી ફક્ત સરકાર તથા ખાનગી કંપનીઓ ની જ નથી; આપણે પણ રોજબરોજ ની ટેવો માં સુધાર લાવવા ની જરૂર છે. આપણે પ્રાઇવસી પોલિસી નું ભલે આખું ડોકયુમેંટ ના વાંચીએ, પરંતુ આઇ એક્સૈપ્ટ પર ટીક કરતાં પહેલા એક ઉપરથી નજર તો કરી જ શકીએ. આપણાં મોબાઇલ ફોન માં આપણો વ્યક્તિગત ડેટા ક્યાં શેર થાય છે તેના પર થોડા સમયે એક દ્રષ્ટિ પડી જાય તો પણ ઘણું કરી શકાય. ડેટા શેર કરતાં પહેલા બિલકુલ અવગણાતા પેજ પર થી એક વસ્તુ શીખવા જેવી છે. તેમાં લખેલા આઇ કંસેંટ ને એક વચન માં બદલી શકાય જેમ કે આઇ કંસેંટ ટૂ ડેટા પ્રોટેક્શન !
નિકેત ભટ્ટ
Writer.niketgmail.com
કોલમ – સ્ટેટસ: ઓનલાઇન
વાંચકો પોતાના ટેક્નોલોજી, ગેજેટ્સ તથા સોફ્ટવેર વિશે ના સવાલો ઈમેલ દ્વારા મોકલી શકે છે. દર મંગળવારે તથા શુક્રવારે શ્રેષ્ઠ સવાલો ના જવાબ નામ સાથે સ્ટેટસ : ઓનલાઇન કોલમ માં પ્રકાશિત થશે. વાંચકો ને નમ્ર વિનંતી કે સવાલો પોતાની સ્પષ્ટ માહિતી સાથે abatakmediahousegmail.com પર ઈમેલ કરે. વાંચકો પોતાના સવાલો અબતક મીડિયા ના ઓનલાઇન વેબસાઇટ પર પણ સ્ટેટસ : ઓનલાઇન કોલમ ના આર્ટિક્લ નીચે કમેંટ કરી શકે છે.