રાજકોટ જિલ્લામાં ૪૬૭, ભાવનગરમાં ૩૨૨, જામનગર જિલ્લામાં ૨૩૪, મોરબીમાં ૯૦ સહિત કુલ કેસનો આંક ૧૫૦૦ની નજીક
સૌરાષ્ટ્રભરમાં કોરોના કહેર વધતો દેખાઈ રહ્યો છે. ગઈ કાલે કુલ કેસનો આંક ૧૫૦૦ની નજીક પહોંચતા સૌરાષ્ટ્રમાં દર મિનિટે કોરોનાનો કેસ નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ સિટીમાં ૨ અને ભાવનગર સિટીમાં પણ ૨ દર્દીઓના મોત નિપજતા ચિંતાનો વ્યાપ વધ્યો છે.
સૌરાષ્ટ્રમાં ગઈ કાલે કુલ ૧૪૪૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં એપી સેન્ટર તરીકે ઉભરેલા રાજકોટ જિલ્લામાં કુલ ૪૬૭ લોકો કોરોનાની ઝપટે ચડ્યા છે. જેમાં શહેરમાં વધુ ૩૬૭ કેસ પોઝિટિવ નોંધાયા છે તો ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૯૪ લોકો કોરોના વાયરસમાં ઝકડાયા છે. તો બીજી તરફ કોરોનાએ હાહાકાર મચાવતા શહેરમાં વધુ ૨ દર્દીઓના ભોગ લીધા છે. શહેરમાં હાલ કુલ ૪૬,૪૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં હાલ ૨૪૨૯ એક્ટિવ કેસ છે.
રાજકોટમાં હાલ કોરોના વોરિયર્સ પણ વાયરસની ઝપટે ચડી રહ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબો બાદ હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. તો બીજી તરફ એરપોર્ટ રોડ પર આવેલી સરસ્વતી શાળાના બે વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થયા છે.
તો બીજી તરફ ભાવનગર જિલ્લામાં પણ કોરોના કહેર વરસાવી રહ્યો છે. ગઈ કાલે એક દિવસમાં શહેરમાં ૩૨૨ સહિત જિલ્લામાં કુલ ૩૭૬ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓના સારવારમાં મોત નિપજ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ ૨૩,૫૦૦ કેસ મળ્યા છે અને તે પૈકી ૨૧,૫૩૭ દર્દીઓ કોરોનામુક્ત થયા છે. તો ભાવનગર શહેરમાં આજે પાંચ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.
જામનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા ૧૯૪ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. શહેરમાં ૧૬૨ કોરોના કેસ આવ્યા જિલ્લામાં હવે ૩૨ કોરોના પોઝિટિવ કેસ આવ્યા જયારે એક્ટિવ સંખ્યા વધીને ૧૧૦૦ થી વધુ પર પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.
મોરબીમાં રવિવારે ૯૦ દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ૨૯ દર્દીમાં શહેરમાં ૫૮, ગ્રામ્યમાં ૨૨ દર્દી પોઝિટિવ આવ્યા હતા. અન્ય તાલુકાની સ્થિતિ જોઈએ તો વાંકાનેરમાં ૩, ગ્રામ્ય વિસ્તારોમાં ૪ કેસ આવ્યા હતા, હળવદ ગ્રામ્યમાં ૧ કેસ, ટંકારામાં ૨ દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ૨૯ દર્દી ડિસ્ચાર્જ થયા હતા, ૨૯ દર્દીમાં મોરબીના ૨૬, વાંકાનેરના ૨, હળવદના ૧ દર્દી સ્વસ્થ થયા હતા. જિલ્લામાં કોરોનાની સ્થિતિ જોઈએ તો કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૦૦ની નજીક પહોંચી છે.
તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ગીર સોમનાથમાં ૮૩ કેસ, દેવભૂમિ દ્વારકામાં જિલ્લા પોલીસવડા સહિત ૫૫ કેસ, જૂનાગઢ જિલ્લામાં ૫૨ કેસ, પોરબંદર-બોટાદમાં ૧-૧ કેસ સામે આવતા કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે.