ફેસબૂક અને ગૂગલને સરેરાશ ૩૩ ટકા જેટલો જીઓનો હિસ્સો વેંચ્યા છતાં ૧૦ દિવસ પહેલા સાતમાં ક્રમે રહેલા અંબાણી હવે ટોચના ધનાઢયોમાં પાંચમા ક્રમે

રિલાયન્સ દ્વારા માત્ર થોડા વર્ષો પહેલા શરૂ  કરાયેલી ટેલીકોમ કંપની જિયોની પાંખ પ્રસરી ચૂકી છે. દુરંદેશીથી મુકેશ અંબાણીએ લીધેલા પગલાના મીઠા ફળ રિલાયન્સ ચાખી રહી છે. એક સમયે આખા દેશને વિનામુલ્યે અથવા તો નજીવા દરે શ્રેષ્ઠ સર્વિસ આપનાર જિયો ફડચામાં જશે તેવું સામાન્ય માણસ વિચારતો હતો. પરંતુ રિલાયન્સ જિયોએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તે સમયે લીધેલા પગલા હવે ફળદાયી છે. રિલાયન્સ જિયોમાંથી તબક્કાવાર હિસ્સા વેંચવામાં આવ્યા હતા. હિસ્સો વેંચવાના કારણે કંપનીની આવક ઘટશે તેવું કેટલાકનું માનવું હતું પરંતુ હવે તો કંપનીની આવકમાં મસમોટો વધારો જોવા મળી રહ્યો છે. એમ કહી શકાય કે, માલ વેંચીને પણ મિલકતને વધારવાની પધ્ધતિ વેપારીઓએ મુકેશ અંબાણીએ પાસેથી શીખવી જોઈએ.

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનરની યાદી મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી રૂ . ૫.૫૯ લાખ કરોડ (૭૫ અબજ ડોલર)ની સંપત્તિ સાથે વિશ્વના પાંચમાં સૌથી વધુ ધનિક વ્યક્તિ બન્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ . ૨,૦૦૪ના સર્વોચ્ચ સ્તરે પહોચતા મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં રૂ . ૨૩,૮૫૮ કરોડ (૩.૨ અબજ ડોલર)નો વધારો થયો છે. ફોર્બ્સની યાદી મુજબ ૨૨ જુલાઈના રોજ વિશ્વમાં સૌથી વધુ વધારો મુકેશ અંબાણીની નેટવર્થમાં થયો છે. રિલાયન્સે ફેસબુક અને ગુગલ સહિતની કંપનીઓને જિયોમાંથી કેટલોક હિસ્સો આપ્યો હતો. છતાં પણ કંપનીના નેટવર્થમાં ઘણો વધારો થઈ રહ્યો છે.

માર્ચથી લઈને આજ સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં ૮૦%નો વધારો થયો છે. માર્ચમાં શેરનો ભાવ રૂ . ૧,૧૧૨.૪૫ હતો જે આજે ૨૨ જુલાઈએ રૂ. ૨૦૦૪.૧૦ પર બંધ આવ્યો હતો. આજના દિવસે શેરનો ભાવ રૂ . ૨૦૧૦ની ઐતિહાસિક સપાટીએ પહોચ્યો હતો.

મુકેશ અંબાણી બુધવારે વિશ્વના પાંચમાં સૌથી વધુ અમીર વ્યક્તિ બન્યા છે. આ સ્થાન તેમને એક સપ્તાહ પહેલા જ મળી ગયું હોત, પણ જયારે ૧૫ જુલાઈએ કંપનીની વાર્ષિક સાધારણ સભા મળી ત્યારબાદ એક જ દિવસમાં કંપનીનો શેર ૬% તૂટી જતાં તેમની સંપત્તિમાં ૨ અબજ ડોલર (અંદાજે રૂ .૧૪,૯૦૦ કરોડ)નો ઘટાડો થયો હતો. આ કારણોથી તેઓ એક સપ્તાહ આ સ્થાન પર પહોચ્યા હતા.

આ વર્ષે માર્ચમાં રિલાયન્સના શેર્સમાં લગભગ ૫૦%નો ઘટાડો થયો હતો અને ત્યાર બાદ કંપનીએ તેના ડિજીટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સની હિસ્સેદારી વેચીને લગભગ ૧૫ અબજ ડોલર જેટલું ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. આના કારણે કંપનીના શેર્સ પણ ઘણા વધ્યા હતા જેનો ફાયદો મુકેશ અંબાણીને થયો હતો. જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુક, સિલ્વરલેક સહિત ૧૦ પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓએ રોકાણ કરેલું છે. એક વર્ષમાં અંબાણીની સંપત્તિ ૯.૬૪ અબજ ડોલર વધી છે.

  • એમેઝોનના સીઈઓએ એક જ દિવસમાં રૂ.૧ લાખ કરોડ રળ્યા!

01 20

અમેઝોનના સીઈઓ અને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેજોસની સંપત્તિમાં સોમવારે એક જ દિવસમાં ૧૩ અબજ ડોલર (અંદાજે રૂ.૧ લાખ કરોડ)નો વધારો થયો હતો. આ પહેલીવાર છે જયારે કોઈની સંપત્તિમાં એક જ દિવસમાં આટલો મોટો વધારો થયો હોય. સોમવારે અમેઝોનના શેરમાં ૭.૯%નો વધારો થયો જે ડિસેમ્બર ૨૦૧૮ પછીનો સૌથી મોટો ઉછાળો છે. એક તરફ કોરોના મહામારીનો ભય વ્યાપક છે, કોરોનાના કારણે લોકો એકબીજા તરફ અસ્પૃશ્ય બન્યા છે. જેથી કોરોનાને કારણે લોકો ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા છે. ઓનલાઈન શોપિંગમાં આ વર્ષમાં લગભગ ૭૩%નો વધારો થયો છે. જેના પરિણામે ઈ-કોમર્સ કંપનીઓ

ચલાવતા ધંધાર્થીઓની સંપતિમાં દિનબદિન વધારો થતો જાય છે. આ વર્ષમાં બેજોસની સંપત્તિમાં સતત વધારો થયો છે. સોમવારે થયેલા વધારાની સાથે જ બેજોસની સંપત્તિ ૧૮૯.૩ અબજ ડોલર (આશરે રૂ. ૧૪ લાખ કરોડ) થઇ ગઈ છે. કોવિડના કારણે અમેરિકા સહિત આખુ વિશ્ર્વ મંદીમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે બેજોસની સંપત્તિ વધાવી એ મહત્વપૂર્ણ બની રહે છે. તાજેતરના આંકડા મુજબ એક્સોન મોબિલ કોર્પ, નાઈકી અને મેકડોનાલ્ડની કુલ માર્કેટ વેલ્યુએશન કરતાં પણ જેફ બેજોસની વેલ્થ વધુ છે.

  • કોરોનાના બહાના નીચે ડિજિટલી વશીકરણ વિશ્ર્વને બદલી નાખશે!

કોરોના મહામારીએ સોશિયલ ડિસ્ટન્સીંગના નામે લોકોને એકબીજાથી અસ્પૃશ્ય બનાવી દીધા છે. કોરોનાના ડરથી લોકો ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળે છે. કાર્યક્રમોમાં હાજરી આપતા નથી. બજારોમાં કાગડા ઉડે છે, વ્યાપાર-ધંધા મંદ છે ત્યારે ઈ-કોમર્સ સેકટર એક એવું સેકટર છે જેને કોરોના પૂરેપુરો ફળી ગયો છે. ઈ-કોમર્સ સેકટરમાં કોરોના મહામારી ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં ખુબ મોટી બુમ આવી છે. ઈ-કોમર્સ કંપનીઓએ કોરોના મહામારીનો લાભ લઈ મોટો વેપલો કર્યો છે. લોકોના મનમાં કોરોનાનો ડર બન્યો રહે તેવા વૈશ્ર્વિક ષડયંત્રની ગંધ પણ આવતી હોવાના આક્ષેપ થાય છે. ઈ-કોમર્સ કંપનીઓએ ડરના માહોલમાં કમાણી કરવાની પેરવી કરી હોવાથી ટોચની કંપનીઓની આવકમાં જોરદાર વધારો થયો છે. આ વાત એમેઝોનના સીઈઓની વધેલી આવક પરથી ફલીત થઈ શકે. ચીનના કારણે કોરોના મહામારી ફાટી નીકળી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. વૈશ્ર્વિક રાજકારણમાં કોરોના વાયરસના કારણે ચીન, યુરોપ, અમેરિકા અને ભારત સહિતના દેશો એકબીજાથી અંતર બનાવી રહ્યાં છે. એકાએક છ મહિનામાં વૈશ્ર્વિક

રાજકારણની ધરી એશિયા પેશિફીક બની ગઈ છે. ત્યારે ડિજીટલી વસીકરણના કારણે વિશ્ર્વ આખું નવા ભવિષ્યનો અનુભવ કરશે. ડિજીટલ ક્ષેત્ર આગામી સમયે લોકોની વર્તુણક ઉપર અસર કરશે. એકબીજાથી ફિઝીકલ ડિસ્ટન્સ રાખવાની ખરીદીનો અંદાજ પણ બદલાઈ ગયો છે. એકંદરે વિશ્ર્વ આખાના વર્તન ઉપર કોરોના મહામારીથી ઉભી થયેલી માનસિકતાની અસર જોવા મળે છે.

  • દરેક નાગરિકની પ્રાયવસીને સુરક્ષિત રાખવી એ દરેક દેશનો ધર્મ છે!

દરેક નાગરિકની પ્રાયવસીને સુરક્ષીત રાખવી તે દરેક દેશનો ધર્મ છે તેવું તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જી-૨૦ના મંત્રીઓને વર્ચ્યુઅલ મીટીંગમાં સંબોધતી વખતે કહ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, વિવિધ ભૌગોલીક ક્ષેત્રમાં ચાલતા ડિજીટલ પ્લેટફોર્મની વિશ્ર્વસનીયતા વધવી જોઈએ. આવા પ્લેટફોર્મ સુરક્ષીત બનવા જોઈએ. ભારત સરકારે તાજેતરમાં સર્વભૌમત્વ અને સુરક્ષા માટે ૫૯ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુક્યો હતો. દરમિયાન મંત્રી રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, ડિજીટલ પ્લેટફોર્મ વિશ્ર્વના કોઈપણ ખુણે હોય પરંતુ તેની જવાબદારી નક્કી થવી જોઈએ. જે તે દેશના નાગરિકોની પ્રાયવસી, સંરક્ષણ સહિતના મુદ્દે સર્વભૌમત્વ જળવાઈ રહે તેવું પણ ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા સુનિશ્ર્ચિત થવું જોઈએ. નોંધનીય છે કે, દેશમાં નાગરિકોની પ્રાયવસીનો મુદ્દો ઘણા સમયથી ગાજી રહ્યો છે. લોકોના ડેટા વિદેશમાં ચાલ્યા જતાં હોવાના આક્ષેપ પણ થાય છે. એ પણ હકીકત છે કે, હવે સોશિયલ મીડિયાના કારણે મોટાભાગના લોકોની પ્રાયવસી ઉપર તરાપ મારી શકાય તેવો માહોલ સર્જાયો છે. જેનો ભોગ વરસે દહાડે લાખો લોકો બનતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.