જીવોના રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવોના ભ્રમણથી જીવનનનો સંસાર સતત ચાલુ રહે છે.
આવા ભાવ જ ખુદ દુ:ખ છે. દુ:ખની હારમાળાના ચાલક છે આવા ભાવોથી કાયમી છુટકારો એજ સંપૂર્ણ સુખ. આ સંપૂર્ણ સુખ તરફ લઈ જતો માર્ગ એટલે ધર્મ. સંપૂર્ણ સુખના અર્થજીવે આ માર્ગ પર ચાલવુ એજ સત્ય ધર્મપ્રરૂપકનો સાચો માર્ગોપદેશ છે.
જૈનોના ચોવીસ તીર્થકરો પૈકીના છેલ્લા તીર્થકર ચોવીસમાં વર્ધમાન મહાવીર સ્વામીની વાત કરીએ તો ‘જો મારી શકિત હોય તો જગતનાં તમામ જીવોને કાયમી સુખ પ્રાપ્તિનાં માર્ગના રસિક બનાવું’ એવી શુભભાવના દ્વારા પૂર્વના ત્રીજા ભવમાં એમણે એ ભાવનાને અનુરૂપ અને સાકાર કરી આપે તેવી તપ: સંયમ તેમજ અહિંસાની આરાધના કરી હતી.
ભાવાનુ‚પ પૂણ્ય સર્જન કર્યું હતું ત્યાંના આયુષ્યની પૂર્ણતા બાદ ૧૦માં દેવલોકમાં દેવ બન્યા પછીથી ક્ષત્રિયકુંડનગરના જ્ઞાતક્ષત્રિય રાજા સિદ્ધાર્થનાં મહારાણી ત્રિશલાદેવીની પવિત્ર કુક્ષીમાંથી જન્મ પામે છે. પ્રભુ માતાની કુક્ષીમાં હતા ત્યારે માતા ગર્ભના પ્રભાવે આદિ ચૌદ મહાસ્વપ્નો જુએ છે. પ્રભુ માતાની કુક્ષીમાં આવેલા ત્યારથી જ સિદ્ધાર્થ રાજાના રાજય વગેરેમાં ધન-ધાન્ય આદિની વૃદ્ધિ થતી રહી હતી. પ્રભુનું નામ વર્ધમાન રખાયું.
અનુક્રમે યૌવન પામેલા પ્રભુ પરણ્યા…ત્રીસ વર્ષની ઉંમરે પ્રભુએ રાજય-અંત:પુર આદિનો ત્યાગ કર્યો. શ્રમણ-સાધુ દીક્ષા લીધી. સંપૂર્ણ હિંસાત્યાગ-અસત્યત્યાગ-ચૌર્યત્યાગ-અબ્રહ્મત્યાગ-પરિગ્રહ-ત્યાગની ભીષ્મ પ્રતિજ્ઞાવાળા બન્યા. તદનુરૂપ પાલનવાળા બન્યા. સાડા બાર વર્ષની ઘોર સંયમ-તપ-અહિંસા ધર્મની સાધના દ્વારા વીતરાગ બન્યા-સર્વજ્ઞ બન્યા.
જગતના તમામ જીવોના ભલા માટેનું શાસન-તીર્થસ્થાપન કરનારા તીર્થકર બન્યા. દેવેન્દ્રોથી પૂજિત બન્યા-સંપૂર્ણ સત્ય પ્રકાશક બન્યા. બોતેર વર્ષના સંપૂર્ણ આયુષ્ય બાદ નિર્વાણ પામ્યા. દેહ-મન-વચન-પુદ્ગલ રહિતની કાયમી શુદ્ધ આત્મદશા પામ્યા. જન્મ-જરા-મૃત્યુ-આધિ-વ્યાધિ-ઉપાધિથી સદૈવ સુખ પ્રાપ્ત સ્વયં બન્યા. આજે પણ એમના બતાવેલા કર્તવ્ય અને અકર્તવ્ય માર્ગ પર ચાલનારા ભવ્ય જીવો દુ:ખમુકિત અને સુખ પ્રાપ્તિના માર્ગ પર આનંદ-કિલ્લોલ કરી રહ્યા છે. પરમાત્મા મહાવીર-વર્ધમાન સ્વામી એ તારક કોઈ સંપ્રદાયના-કોઈ એક પ્રાંતના-કોઈ એક દેશના હતા એમ નહીં પણ એ પ્રાણીમાત્રના હતા, પ્રાણીમાત્ર માટે હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,