સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો: દારૂની 9301 બોટલ અને ટ્રક મળી કુલ રૂા.42 લાખનો મુદ્દામાલ કબ્જે
સાયલા-બોટાદ રોડ પર આવેલા પ્રાર્થના પેટ્રોલપંપ પાસે વહેલી સવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી વિદેશી દારૂની 9301 બોટલ અને ટ્રક સહિત કુલ રૂા.42 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની માહિતી મુજબ સાયલા-બોટાદ રોડ પર વહેલી સવારે ચોકક્સ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એસ.એન.રામાણી, હેડ કોન્સ. જયુભા પરમાર, હારૂનભાઈ, રાણાભાઈ, જયસુખભાઈ સહિતના સ્ટાફે સાયલા બોટાદ રોડ પર આવેલા પ્રાર્થના પેટ્રોલપંપ નજીક વોચ ગોઠવી હતી. જે દરમિયાન વહેલી સવારે રાજસ્થાનનો શખ્સ વિદેશી દારૂ ભરેલો ટ્રક લઈ પસાર થતાં પોલીસે તેનો પીછો કરી ટ્રકને અટકાવી શખ્સની ધરપકડ કરી ટ્રકની તલાસી લેતા તેમાંથી સફેદ પાવડર અને ભુસ્સુની બોરીઓ નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાં 875 પેટી, 9301 બોટલ કિંમત રૂા.27 લાખનો વિદેશી દારૂ પોલીસે કબ્જે કર્યો હતો. ઝડપાયેલા ટ્રક ચાલક રાકેશ કુબાવત પાસેથી પોલીસે રોકડા રૂા.4950, જીપીઆરએસ સીસ્ટમ કિંમત રૂા.4000 અને બે મોબાઈલ ફોન તથા રૂા.15 લાખની કિંમતનો ટ્રક સહિત કુલ રૂા.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.