સેન્ટ્રલ ઝોનમાં સૌથી વઘુ ૩૧ મીમી, ઇસ્ટ ઝોનમાં ૧૯ મીમી અને વેસ્ટ ઝોનમાં માત્ર ૫ મીમી પાણી પડ્યું:મોસમનો ૧૬૬ ટકાથી વધુ વરસાદ
અધિક આસો માસનો આરંભ થઈ ગયો છે એટલે આમ જોવામાં આવે તો અધિક માસ ન હોત તો નવરાત્રી ચાલતી હોત છતાં રાજ્યમાં હજી અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે.રવિવારે રાજ્યના ૨૯ જિલ્લાના ૧૦૬ તાલુકામાં વરસાદ પડયાનું નોંધાયુ છે .રાજકોટમાં પણ રાત્રે વીજળીના બિહામણાના કડાકા ભડાકા સાથે સવા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.આ સાથે ચાલુ સાલ ચોમાસાની સિઝનનો ૪૮ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.હજી બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.
રવિવારે દિવસભર સૂર્યનારાયણ ખીલેલા રહ્યા હતાં. રાત્રે ૧૦ વાગ્યા આસપાસ આકાશમાં વીજળીના ચમકારા થવા લાગ્યા હતાં. ત્યારબાદ બિહામણા કડાકા ભડાકા સાથે વરસાદ નું આગમન થયુ હતું.સામાન્ય રીતે શહેરના વેસ્ટ ઝોનમાં વરસાદનું જોર વધુ રહેતું હોય છે.પણ ગઈ કાલે જાણે ઊંધું થયું હોય તેમ વેસ્ટ ઝોનમાં માત્ર ઝાપટું પડ્યું હતું જયારે સેન્ટ્રલ અને ઈસ્ટ માં મેઘો તૂટી પડયો હતો.અચાનક ખાબકેલા ભારે વરસાદના કારણે રાજમાર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા.આકાશમાં વીજળીના ચમકારા એવી રીતે થતા હતા.જાણે કોઈ લાઈટ મારી રહ્યું હોય તેવું લાગતું હતું.રાત્રે પડેલા અનરાધાર વરસાદથી પાણી ભરાયાની ફરિયાદ નોંધાઈ નથી.
ફાયર બ્રિગેડના રેકોર્ડ પર છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૩૧ મીમી (મોસમનો કુલ ૧૧૯૧ મીમી એટલે ૧૨ ઇંચ વરસાદ),વેસ્ટ ઝોન વિસ્તારમાં ૫ મીમી (મોસમનો કુલ ૧૧૬૧ મીમી એટલે કે ૪૬.૫૦ ઇંચ વરસાદ) અને ઇસ્ટ ઝોનમાં ૧૯ મીમી (મોસમનો કુલ ૧૦૯૯ મીમી વરસાદ એટલે કે ૪૪ ઇંચ ) વરસાદ પડ્યો છે.જયારે કલેકટર વિભાગના ફ્લડ કેન્ટ્રોલના રેકોર્ડ પર ૧૯ મીમી સાથે સિઝનનો કુલ ૪૭ ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૨ ઇંચ જેટલો ઓછો વરસાદ પડ્યો હોવા છતાં આ વર્ષે ૧૬૬ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.
શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ પાંચેય જળાશયો છલકાઈ ગયા છે. શનિવારે રાત્રે રાજકોટની આસપાસના ગામોમાં પડેલા ભારે વરસાદના કારણે આજી ડેમ એક ફૂટે ઓવરફ્લો થતો હતો. દરમિયાન ગઈકાલે ગોંડલ પંથકમાં પડેલા ભારે વરસાદથી ભાદર ડેમના પણ ૩ દરવાજા ૩ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને ૩૮૭૯ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું.આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ બાદ હવે મેઘરાજાને ખમૈયા કરવા લોકો વિનવી રહ્યા છે.