સૌરાષ્ટ્રમાં ફરી મેઘાવી માહોલ: આજથી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાએ મુકામ કર્યો છે. આગામી ચાર દિવસ હજી હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 18 જળાશયોમાં નવા નીરની પણ આવક થવા પામી હતી. અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 16 જિલ્લાના 30 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સિઝનનો 101 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં 89.74 ટકા વરસાદ પડી ગયો છે. છેલ્લા એકાદ સપ્તાહથી સૌરાષ્ટ્રમાં મેઘ વિરામ જેવો માહોલ રહ્યો હતો. દરમિયાન ગઇકાલથી ફરી સૌરાષ્ટ્રમાં મેઘાનો મૂકામ જોવા મળી રહ્યો છે. અમરેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં હળવા ઝાંપટાથી લઇ દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આગામી ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળશે. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સાંબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને દાદરાનગર હવેલી સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
દરમિયાન આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 30 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલામાં સૌથી વધુ 34 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટના કોટડા સાંગાણીમાં 32 મીમી, ભુજમાં 20 મીમી, જામજોધપુરમાં 17 મીમી, દાંતામાં 9 મીમી, ભેંસાણમાં 8 મીમી વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ભાણવડ, વંથલી, માંડવી, વેરાવળ, જામનગર, લાલપુર, માણાવદર, સાવરકુંડલા, જૂનાગઢ, ચોટીલા, મોરબી અને કુતિયાણામાં હળવા ઝાપટા પડ્યા હતા.
રાજ્યમાં આજ સુધીમાં ચોમાસાની સિઝનનો 101 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં સૌથી વધુ 156.50 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.49 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 82.84 ટકા, સૌરાષ્ટ્રમાં 89.74 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.45 ટકા વરસાદ વરસી ગયો છે.
18 જળાશયોમાં નવુ પાણી આવ્યું
છેલ્લા 24 કલાક દરમિયાન 18 ડેમમાં નવા પાણીની આવક થવા પામી છે. ભાદર ડેમમાં 0.03 ફૂટ, આજી-1 ડેમમાં 0.26 ફૂટ, ઇશ્ર્વરિયા ડેમમાં 0.16 ફૂટ, કરમાળમાં 0.33 ફૂટ, ઘેલો સોમનાથમાં 0.30 ફૂટ, મચ્છુ-1 ડેમમાં 0.33 ફૂટ, ડેમી-1 ડેમમાં 0.13 ફૂટ, બંગાવડીમાં 0.66 ફૂટ, સસોઇ ડેમમાં 0.10 ફૂટ, ફૂલજર-1 ડેમમાં 0.20 ફૂટ, ઉંડ-1માં 0.13 ફૂટ, રૂપાવટી ડેમમાં 5.58 ફૂટ, સસોઇ-2 ડેમમાં 0.98 ફૂટ, વર્તુ-2 ડેમમાં 0.03 ફૂટ, વઢવાણ ભોગાવો-1માં 0.10 ફૂટ, ફળકુમાં 0.16 ફૂટ, વાંસલમાં 0.66 ફૂટ, લીંબડી ભોગાવોમાં 0.16 ફૂટ પાણીની આવક થવા પામી છે.