ભાદરની સપાટી 21.70 ફૂટે અને ન્યારીની સપાટી 17.60 ફૂટે પહોંચી: 39 જળાશયોમાં નવા નીરની આવક
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 10 દિવસ અવિરત મેઘકૃપા વરસી રહી છે. જેના કારણે જળાશયોનો જળ વૈભવમાં પણ વધારો થઇ રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર સહિત 39 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. ભાદર ડેમમાં નવું દોઢ ફૂટ અને ન્યારી-1 ડેમમાં નવું અડધો ફૂટ પાણી આવ્યું છે.
આ અંગે સિંચાઇ વિભાગ અને મહાપાલિકાના ઇજનેરો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સૌરાષ્ટ્રના દરિયા ગણાતા ભાદર ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1.35 ફૂટ નવું પાણી આવ્યું છે. 34 ફૂટે ઓવરફ્લો ભાદરની સપાટી 21.70 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં 2321 એમસીએફટી પાણી સંગ્રહિત છે. નવું 325 એમસીએફટી પાણી ભાદરમાં છેલ્લા 24 કલાકમાં ઠલવાયું છે. આ ઉપરાંત ન્યૂ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ન્યારી-1 ડેમમાં નવું 0.49 ફૂટ પાણી આવ્યું છે. 25.10 ફૂટે ઓવરફ્લો થતા ન્યારી-1 ડેમની સપાટી હાલ 17.60 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં 617 એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે. નવું 35 એમસીએફટી પાણી આવ્યું છે. જો કે, આજી-1 ડેમમાં નવી આવક થવા પામી નથી.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના વેણું-2 ડેમમાં 0.16 ફૂટ, સુરવોમાં 6.23 ફૂટ, ગોંડલીમાં 2.46 ફૂટ, વાછપરીમાં 0.59 ફૂટ, વેરીમાં 0.72 ફૂટ, મોતીસરમાં 0.33 ફૂટ, છાપરવાડીમાં 0.33 ફૂટ, કરમાણમાં 0.66 ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.56 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.03 ફૂટ, ડેમી-2માં 0.16 ફૂટ, ધોડાધ્રોઇમાં 0.56 ફૂટ, બ્રાહ્મણીમાં 0.03 ફૂટ, જામનગર જિલ્લાના સસોઇમાં 0.89 ફૂટ, પન્નામાં 0.79 ફૂટ, ફૂલઝર-1માં 0.89 ફૂટ, સપડામાં 1.48 ફૂટ, વિછખરીમાં 0.82 ફૂટ, ડાઇમીણસરમાં 0.72 ફૂટ, ઊંડ-1માં 1.77 ફૂટ, કંકાવતીમાં 1.31 ફૂટ, ઊંડ-2માં 0.82 ફૂટ, વાડીસંગમાં 0.33 ફૂટ, ફૂલઝર કોબામાં 2.36 ફૂટ, રૂપારેલમાં 1.48 અને વગડીયામાં 0.85 ફૂટ, દ્વારકાના ઘી ડેમમાં 0.43 ફૂટ, વર્તુ-1માં 1.48 ફૂટ, ગઢકીમાં 1.31 ફૂટ, વર્તુ-2માં 0.33 ફૂટ, સોનમતીમાં 0.49 ફૂટ, શેઢાભાડથરીમાં 0.82 ફૂટ, વેરાડી-2માં 0.66 ફૂટ, મીણસરમાં 0.82 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિવેણી ઠાંગામાં 0.82 ફૂટ, પોરબંદર જિલ્લાના સોરઠીમાં 0.98 ફૂટ અને અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં 1.21 ફૂટ પાણીની આવક થવા પામી છે.ફોફળ, આજી-3, ફોફળ-2, ઊંડ-3 સહિતના જળાશયો સતત ઓવરફ્લો થઇ રહ્યા છે.