પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વૈચ્છીક નિવૃત્તિ લઇ ચૂંટણી નહિ લડવાની ઘોષણા કરી દેતા આશ્ર્ચર્ય: નવા ચહેરાને તક આપવા માટે રાજકીય શહિદી વ્હોરી, હવે માર્ગદર્શકની ભૂમિકામાં ભાજપને વધુ મજબૂત કરવા સંગઠનનું કામ કરશે
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ગઇકાલે સાંજે ઊંડુ મનોમંથન કરી રહ્યા હતા તે સાથે જ ગુજરાતના રાજકારણમાં હચમચાવી દેતા ઘટના બની હતી. સવા વર્ષ પહેલા ગુજરાત સરકારના મુખ્ય ચહેરા સમાન ચાર મોટા નેતાઓએ સ્વૈચ્છીક નિવૃત્તિ લેવાની ઘોષણા કરી દીધી હતી. સાંજે એક પછી એક નેતાઓએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખી એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે હવે મારે ચૂંટણી લડવી નથી. જો કે આ નેતાઓનો અંતરઆત્માનો અવાજ ન હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ સરકારમાંથી ખુરશી ગુમાવનાર નેતાઓએ હવે ટિકિટમાંથી પણ હાથ ધોઇ નાંખવા પડ્યા છે. આવો તાકાતવાળો નિર્ણય એક માત્ર ભાજપ જ લઇ શકે. જો અન્ય કોઇ રાજકીય પાર્ટી આવો હિમ્મતભર્યો નિર્ણય લે તો ચૂંટણી સમયે જ બળવાનો દાવાનળ ફાટી નીકળે તેવી ભારોભાર શક્યતા જણાઇ રહી છે.
દિલ્હી દરબારમાંથી મળેલી સૂચના અને લખવામાં આવેલી સ્ક્રિપ્ટ મુજબ એક પછી એક સિનિયર નેતાઓએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી નહી લડવાની ઘોષણા કરી હતી. સૌ પ્રથમ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા એવી સત્તાવાર ઘોષણા કરાઇ હતી કે તેઓ હવે વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા નથી. તેમના સ્થાને નવા ચહેરાને તક આપવામાં આવે વિજયભાઇ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી છેલ્લી બે ટર્મથી ચૂંટણી લડી વિજેતા બને છે. આ બેઠક ભાજપ માટે અડીખમ ગઢ માનવામાં આવે છે. કારણ કે વર્ષોથી આ બેઠક પર ભાજપ જીતી રહ્યું છે. ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતાની રાજકીય કારર્કિદીની પ્રથમ ચૂંટણી રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી લડ્યા હતા. બીજા ક્રમે વિજયભાઇ બાદ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે પણ એવી ઘોષણા કરી હતી કે હું ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી લડવા માંગતો નથી.
પક્ષ દ્વારા ભવિષ્યમાં મને જે પણ કામગીરી સોંપવામાં આવે તે હું એક કાર્યકર તરીકે પૂરા ખંતથી નિભાવીશ. નિતીનભાઇ છેલ્લી 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ રહ્યા છે. ચાર ટર્મ તેઓ કડી વિધાનસભા બેઠક પર અને બે ટર્મ તેઓ મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. આટલું જ નહિં તેઓ પાછળા બે દાયકામાં લગભગ તમામ મુખ્યમંત્રી સાથે કામ કર્યું છે. રૂપાણી સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવતા હતા. ત્રીજા ક્રમે રાજ્યના સિનિયર નેતા ગણાતા એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણી નહી લડવાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને લખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓએ એક વાતચિતમાં જણાવ્યું હતું કે આજથી એક વર્ષ પહેલા જ તેઓએ ભાજપના કદાવર નેતા અમિતભાઇ શાહ સમક્ષ ચૂંટણી નહી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ચોથા ક્રમે ભાજપના કદાવર નેતા અને રૂપાણી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી રહેલા પ્રદિપસિંહ જાડેજાએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી એક તબક્કે એવી પણ ચર્ચા ચાલી હતી કે રૂપાણી સરકારના મોટાભાગના તમામ મંત્રીઓને સ્વૈચ્છીક નિવૃત્તિ આપી દેવામાં આવશે અને એકપણ મંત્રીને ટિકિટ આપવામાં આવશે નહિ.
જો કે વિજયભાઇ રૂપાણી અને નિતીનભાઇ પટેલ સહિત કુલ ચાર સિનિયર નેતાઓએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કર્યા બાદ એકપણ નેતાએ સત્તાવાર રીતે ચૂંટણી નહી લડવાની ઘોષણા કરી ન હતી. બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રૂપાણી સરકારમાં મંત્રી રહેલા 9 જેટલા મોટા માથાઓની ટિકિટ કપાઇ જશે.
ગુજરાત ભાજપની રાજકીય લેબોરેટરી તમામ પ્રયોગનો પોઝિટીવ રિપોર્ટ
જનસંઘની સ્થાપનાથી ગુજરાત ભાજપ માટે રાજકીય લેબોરેટરી સમાન રાજ્ય રહ્યું છે. અહિં કોઇપણ પ્રયોગ કે અખતરા કરવામાં આવે રિપોર્ટ હમેંશા ભાજપના ફાયદાકારક જ રહે છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની આડે સવા વર્ષથી પણ ઓછો સમયગાળો બાકી હતો ત્યારે સપ્ટેમ્બર-2021માં હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળને ઘરે બેસાડી દેવામાં આવ્યુ છતાં કોઇ વિરોધ ઉભો ન થયો. હવે ચૂંટણીને આડે માત્ર 20 દિવસ બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે વધુ એક અખતરો કર્યો છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ટિકિટ કાપી નાંખવામાં આવી છે.
આ વાત પરથી સામાન્ય ધારાસભ્યને એક મેસેજ મળી ગયો છે કે પક્ષ ગમે તેની ટિકિટ પર કાતર ફેરવી શકે છે. ગુજરાતમાં ભાજપ દ્વારા જે પ્રયોગો કરવામાં આવે તે હમેંશા સફળ થાય છે. રાજ્યમાં 2015માં પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું ત્યારે 2016માં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજમાંથી આવતા આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી વિજયભાઇ રૂપાણીને ગુજરાતની ગાદી સોંપવામાં આવી હતી. આ પ્રયોગ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે સફળ સાબિત થયો હતો અને સતત છઠ્ઠી વખત ભાજપ પૂર્ણ બહુમત સાથે વિજેતા બન્યું હતું.
આવો હિંમતભર્યો નિર્ણય માત્ર ભાજપ જ લઇ શકે
ચૂંટણીના સવા વર્ષ પહેલા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરી ભાજપે માત્ર ગુજરાતવાસીઓને જ નહી પરંતુ સમગ્ર દેશને આશ્ર્ચયચકિત કરી દીધો હતો. માત્ર નેતૃત્વ પરિવર્તન કર્યું તેટલું જ નહી પરંતુ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંડળને ઘરે બેસાડી દીધું હતું. આજે સવા વર્ષ બાદ ફરી એક વખત ભાજપે ગુજરાતવાસીઓને આશ્ર્ચર્યમાં મૂકી દીધા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીભાઇ પટેલ સહિત ચાર સિનિયર નેતાઓને સ્વૈચ્છીક રાજકીય નિવૃત્તિ લેવડાવી દીધી છે અને આ જાહેરાત ખૂદ નેતાઓ પાસેથી કરાવવામાં આવી છે.
આટલું જ નહિ ઉમેદવારોની પ્રથમ યાદીમાં અનેક સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખવામાં આવી છે. આવો હિંમતભર્યો નિર્ણય ભારત જેવા વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રમાં માત્ર ભાજપ જ લઇ શકે. શિસ્તબધ્ધ આ પક્ષમાં ક્યારેય બળવો કે વિરોધ ઉભો થતો નથી. હાલ મોદી અને શાહ જે નિર્ણય લે તેને કાર્યકરો અને નેતાઓ શિરોમાન્ય ગણે છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં તમામ 23 મંત્રીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા હોવા છતાં કોઇ ઉં કે ચાં થઇ ન હતી. ગુજરાતમાં ભાજપ કોઇપણ પ્રયોગ કરે તે હંમેશા સફળ થાય છે. મોટા માથાઓની ટિકિટ કાપી પક્ષે એક સ્પષ્ટ સંદેશો આપી દીધો કે ભાજપમાં કોઇની ટિકિટ કાયમી કે સલામત નથી. હમેંશા પક્ષ દ્વારા નવીનત્તમ પ્રયોગ કરતા રહેવામાં આવશે.