છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં ૨૩૪ તાલુકામાં મેઘમહેર: તાપીનાં ડોલવાણમાં ૧૧ ઈંચ, સુરતનાં માંડવીમાં ૧૦ ઈંચ, વ્યારામાં ૭ ઈંચ, ગીર સોમનાથનાં તાલાળામાં ૭॥ ઈંચ, જામનગરનાં જોડિયામાં ૪॥ ઈંચ, ભાવનગરમાં ૪ ઈંચ, ટંકારામાં ૩ ઈંચ, વિસાવદરમાં ૩ ઈંચ અને જુનાગઢના માળીયામાં ૨ ઈંચ વરસાદ
રાજકોટ જિલ્લાનાં ૨૫ માંથી ૮ ડેમ છલોછલ ભારે વરસાદની આગાહીનાં પગલે તંત્ર એલર્ટ
રાજયભરમાં હાલ મેઘમહેર થઈ રહી છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં ૨૩૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. બંગાળની ખાડીમાં હાલ ક્રમશ: ત્રણ સિસ્ટમ એકટીવ થઈ છે જેને લઈને મેઘો જામ્યો છે. આવતીકાલે ચોથી સિસ્ટમ પણ એકટીવ થતા આ ચારેય સિસ્ટમ ગુજરાતને ધમરોળશે. ચાર સિસ્ટમ એકટીવ થતા ભાદરવા મહિનામાં ડેમો છલકાય જશે. ગત વર્ષની તુલનાએ વાત કરીએ તો ગત વર્ષે ૧૫મી ઓગસ્ટ સુધી ૪૦ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો જયારે આ વર્ષે ૧૫મી ઓગસ્ટ સુધીમાં ૨૫ ઈંચ જેટલો વરસાદ જ પડયો છે એટલે કે ૧૫ ઈંચ જેટલો ઓછો વરસાદ પડયો છે. જોકે આવતીકાલે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય ગુરૂવારથી ભાદરવાનો પ્રારંભ થાય છે ત્યારે ભાદરવામાં જ અત્યાર સુધીનો પડેલો વરસાદ આ એક માસમાં જ વરસશે તેમ લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લાનાં ૨૫ માંથી ૮ ડેમ છલોછલ થઈ ગયા છે જોકે રાજયભરમાં આગામી ૪ થી ૫ દિવસ ભારે વરસાદની આગાહી હોય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા છેલ્લા બે દિવસમાં તોફાની ઈનીંગ રમી રહ્યા છે જયારે તાપીનાં ડોલવાણમાં સૌથી વધુ ૧૧ ઈંચ વરસાદ ખાબકયો હતો તો સુરતનાં માંડવીમાં ૧૦ ઈંચ જયારે વ્યારા અને ગીર સોમનાથનાં તાલાળામાં ૭ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બાકીના તાલુકાઓમાં ૨ થી ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે જયાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું.
હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં રાજયમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આવતીકાલથી રાજયમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા સારો એવો વરસાદ પડશે ત્યારે દક્ષિણ ગુજરાતના માંડવી અને ડોલવાણમાં આભ ફાટયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આજે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહિસાગર, બરોડા, જામનગર, જુનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ, અમરેલી જયારે આવતીકાલે પાટણ, અમદાવાદ, આણંદ, બરોડા, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજયભરમાં ભારે વરસાદનાં પગલે આજે ગાંધીનગરમાં વેધરવોચની બેઠક મળનાર છે. ભારે વરસાદનાં પગલે મુખ્યમંત્રીએ પણ આજે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજકોટનાં ૨૫માંથી ૯ ડેમ છલોછલ ભરાઈ ગયા છે. ઉપલેટાની મોજ નદી બે કાંઠે વહી છે. ટંકારાનો ડેમી-૨ ઓવરફલો થયો છે અને નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યું છે. જામકંડોરણાનો ફોફળ ડેમ પણ ઓવરફલો થયો છે. નવસારીમાં પણ ભારે વરસાદથી અનેક લોકોનું સ્થળાંતર કરીને સ્કુલમાં રાખવામાં આવ્યા છે. એક સાથે ૪ સિસ્ટમ સક્રિય થતા ભાદરવામાં તમામ ડેમ ઓવરફલો થશે તેવું લાગી રહ્યું છે.
તેલીબીયા-કઠોળને વધારે મોંઘા કરી દેવાની ભીતિ
રાજયભરમાં છેલ્લા અઠવાડિયાથી અવરિત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદનાં પગલે મગફળીના પાકને જોખમ ઉભુ થશે જેને લઈ જગનો તાત પણ ચિંતિત જોવા મળી રહ્યો છે. વરસાદની ૪ સિસ્ટમ સક્રિય થતા જેઠ, અષાઢ અને શ્રાવણમાં ન વરસેલો વરસાદ ભાદરવામાં ખાબકશે જેને લઈ તેલીબીયા-કઠોરના ભાવ વધુ મોંઘા થશે તેવી ભીતિ સર્જાય છે. તલના પાકને પણ નુકસાન જશે તેવું લાગી રહ્યું છે. ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ ઉદભવી છે. ખેડુતો માટે આ વરસાદ નુકસાની લઈને આવ્યો છે. ખેડુતોના પાકને નુકસાન થવાથી આ વર્ષે તેલીબીયા, કઠોરના ભાવમાં વધારો થાય તેવી શકયતા જોવા મળી રહી છે.