કોઈ પણ એક પરિવાર ગમે ત્યારે સંયુક્ત કુટુંબમાંથી  વિભક્ત થઈ શકે છે અને ફરીવાર સંયુક્ત થવા માંગતા હોય તો પણ થઈ જ શકે છે. જો કે, ફરીવાર સંયુક્ત થવા પાછળ પરિવારે યોગ્ય કારણ રજૂ કરવો જરૂરી છે. ફક્ત આર્થિક ફાયદા માટે પરિવાર ફરીવાર સંયુક્ત થતો હોય તો તે ગેરવ્યાજબી ગણી શકાય છે. આવા જ એક મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપ્યો છે.

સગવડીયા ધર્મને કાયદામાં કોઈ રક્ષણ ન મળી શકે!!

હિન્દૂ કાયદામાં કરાયેલી જોગવાઈ મુજબ જ સંયુક્ત પરિવારનો દરજ્જો મેળવી શકાય: સુપ્રીમ

કોર્ટે એક મામલામાં કહ્યું હતું કે, પરિવાર એકવાર વિભક્ત થયો અને હાલ ફરીવાર સંયુક્ત થવા માંગે છે તો તે સારી બાબત છે પણ ફક્ત કાયદામાં સગવડિયા ધર્મને બિલકુલ સ્થાન નથી. હિન્દૂ લો મુજબ કોઈ પણ પરિવારને વિભક્ત અને સંયુક્ત થવા માટે સ્વતંત્રતા છે પણ પરિવારે ફરીવાર સંયુક્ત થવા પાછળ યોગ્ય કારણ હોવું જરૂરી છે. જેઓ સીધો અર્થ એવો થાય છે કે, એકવાર વિભક્ત થયા બાદ કોઈ પરિવારે ફરીવાર સંયુક્ત થવા માટે કાયદાકીય પ્રક્રિયા તો પૂર્ણ કરવી જ પડે.

સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ એક ચુકાદો આપતા કહ્યું હતું કે, હિન્દુ સંયુક્ત પરિવાર જે અગાઉ વિભક્ત થઈ ચૂક્યો હોય તે ફરિવાર સંયુક્ત પરિવાર બની શકે છે. જસ્ટિસ અશોક ભૂષણ અને આર સુભાષ રેડીની ખંડપીઠે કહ્યું હતું કે, પક્ષકારોના વર્તનથી અનુમાન લગાવી શકાય છે કે જે અગાઉ વિભક્ત થયા હતા તેઓ પરિવાર ફરી સંયુક્ત થઈ રહ્યો છે પરંતુ, કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું પણ જરૂરી છે તેવું કોર્ટે નોંધ્યું હતું.

વર્ષ ૧૯૬૦માં એક પરિવાર વિભક્ત થયો હતો. જે ફરીવાર સંયુક્ત થવા માટે સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચ્યો હતો. અપીલમાં સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો કે, વર્ષ ૧૯૭૯માં ખરીદાયેલી સંપત્તિ સંયુક્ત પરિવારની સંપત્તિ ગણવામાં આવશે કે કેમ? પક્ષકારએ કહ્યું હતું કે, પરિવારની સંપત્તિને લેન્ડ સિલિંગ એકટથી બચાવવા માટે ત્રણેય ભાઈઓએ ૭ સપ્ટેમ્બર ૧૯૬૦ના રોજ પરિવારને વિભક્ત કર્યો હતો. પક્ષકાર દ્વારા તર્ક રજુ કરવામાં આવ્યો હતો કે, વિભક્ત થયા બાદ ત્રણેય ભાઇઓ વચ્ચે પુનર્મિલન થયું હતું જે વિભક્ત થયા બાદના વર્તનને ધ્યાને રાખીને સાબિત થાય છે.

આ મામલામાં મુલ્લા ઓન હિંદુ લોના બાવીસમાં સંસ્કરણમાં હિન્દુ કાયદામાં આપવામાં આવેલી પુનર્મિલનની વ્યાખ્યાને સમજાવતા કોર્ટે કહ્યું હતું કે, કલમ ૩૪૧માં પુનર્મિલન કોણ કરી શકે તેની વ્યાખ્યા આપવામાં આવી છે. ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,પુનર્મિલન ફક્ત તે વ્યક્તિઓ જ કરી શકે છે જેઓ અગાઉ વિભાજીત થયા હોય. પુનર્મિલનનો અધિકાર ફક્ત પુરુષોને જ આપવામાં આવ્યો છે.

કલમ ૩૪૨માં કાયદાની અસર અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં વિભક્ત થયેલા પરિવારને ફરી સંયુક્ત પરિવારનો દરજ્જો આપી શકાય છે. જો કે, તેની જ કલમ ૩૪૩માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ફરીવાર સંયુક્ત થવા પાછળ જરૂરી કારણ હોવું અને ઇરાદો હોવો જોઈએ.

મામલામાં કોર્ટે નોંધ્યું હતું કે, પરિવારનો કોઈ સભ્ય ઇન્કમ ટેક્સ ભરતો હોય, સંપત્તિનો દસ્તાવેજ કોઈ જ વ્યક્તિના નામે થયો હોય તો પણ સમગ્ર પરિવારનો તેના પર હક લાગુ પડશે.

હિન્દૂ લોની જોગવાઈઓને અનુસરવું જરૂરી: કોર્ટ

સુપ્રીમે નોંધ્યું હતું કે, હિન્દૂ લોની કલમ ૩૪૧,૩૪૨ અને ૩૪૩ વિભક્ત થયેલા પરિવારને ફરીવાર સંયુક્ત થવા માટેની છૂટ આપે છે. પરંતુ કલમ ૩૪૩ મુજબ પરિવારે ફરીવાર સંયુક્ત થતા પૂર્વે યોગ્ય કારણ તો રજૂ કરવું જ પડે. ફક્ત સંપત્તિમાં વિવાદ ન સર્જાય તેના માટે પરિવાર સંયુક્ત થવા માંગતો હોય તો પ્રથમ પરિવારના સભ્યોનો એકબીજા સાથેના વર્તનને ધ્યાને લેવું જરૂરી છે. કોર્ટે નોંધ્યું હતું કે, એકવાર એગ્રીકલચર સિલિંગ એકટ મુજબ જમીન ખાલસા ન થાય તેના માટે પરિવાર વિભક્ત થઈ જાય અને ફરીવાર સંયુક્ત થાય તેવા સગવડીયા ધર્મને કાયદો રક્ષણ આપતી નથી.

જે સભ્યો અગાઉ વિભાજીત થયા હોય તેઓ જ ફરીવાર સંયુક્ત થઈ શકે

હિન્દૂ લોમાં સંયુક્ત અને વિભક્ત પરિવાર અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો બે ભાઈઓ વિભક્ત થવાનો નિર્ણય કરે અને ત્યારબાદ ફરીવાર તેઓ સંયુક્ત પરિવારનો દરજ્જો મેળવવા માંગતા હોય તો તે બે ભાઈઓ જ ફરીવાર સંયુક્ત થઈ શકે છે. સંયુક્ત કે વિભક્ત થવા અંગેનો નિર્ણય ફક્ત પુરુષો જ લઈ શકે છે તેવું પણ ઉમેરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.