ભાજપ નીતીશને પારખવામાં થાપ ખાય ગયો? લોકસભાની આગામી ચૂંટણીમાં બિહાર બનશે ભાજપ માટે મોટો પડકાર
રાજકારણમાં કયારેય કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા તે ફરી પૂરવાર થઈ ગયું છે. લાલુના ત્રાસથી થોડા વર્ષો પહેલા મુખ્યમંત્રીની ખુરશી છોડી ભાજપ સાથે હાથ મિલાવી ફરી સીએમ બનનારા નીતીશકુમાર ફરી એકવાર ભારતીય રાજનીતિના ચાણકય પૂરવાર થયા છે.
કદ મુજબ માનપાન ન મળતા અંતે નીતીશે ભાજપ સાથે છેડો ફાડી ફરી દુશ્મન છાવણી સાથે મીત્રતા કેળવી રાજ સિંહાસન પર બિરાજમાન થઈ ગયા છે. વધુ એકવાર ભાજપનો ઘસમસતો વિજય રથ બિહારમાં આવીને અટકી જાય તેવા સંજોગો રચાયા છે. એક સમયે જેને ‘પલટુ રામ’ કહીને સંબોધ્યા હતા તે લાલુ પ્રસાદના સાથથી આજે નીતીશ ફરી બિહારના રાજા બની ગયા છે.લાલુ પુત્રનો ફરી બિહારની રાજનીતિમાં સુર્યોદય થયો છે. ભાજપની છાવણીમાં હાલ સોપો પડી ગયો છે. મહારાષ્ટ્ર આવ્યુ ત્યાં બિહાર ગુમાવવાની સ્થિતિ સર્જાતા લોકસભામાં મોટી મુસિબત ઉભી થવાનું પણ જોખમ વર્તાય રહ્યું છે.
બિહારનું રાજકારણ દેશના અન્ય તમામ રાજયના રાજકારણથી તદન અલગ છે. અહી દલીતો, યાદવો, પછાત અને મુસ્લિમોેને સાથે રાખીને ચાલનાર પક્ષ સફળ બને છે. વિકાસવાદનું રાજકારણ ચાલતુ નથી. માત્રને જ્ઞાતિવાદ આધારિત રાજનીતિ ચાલે છે. ભાજપના ઉદય વેળાએ 1992માં જયારે વરિષ્ઠ નેતા બાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાસુધી રથયાત્રા કાઢી હતી તે સમયે લાલુ પ્રસાદ યાદવે બિહારમાં ભાજપના રથને રોકી દીધો હતો. હાલ દેશભરમાં ભાજપનો વિજય વાવટો લહેરાય રહ્યો છે. ત્યારે વર્ષો જૂના સાથી એવા નીતીશકુમારે ભાજપ સાથે છેડો ફાડી ભાજપનો વીજય રથ રોકી દીધો છે.
નીતીશકુમાર ખૂબજ પાકટ રાજકારણ છે તે પોતાની ખુરશી બચાવવા માયે ગમે ત્યારે દોસ્તી તોડી નાંખે છે. અને અડધી રાત્રે પણ દુશ્મનોને ઉઠાડી તેની સાથે દોસ્તી કરી નાખે છે. પાંચ વર્ષ પૂર્વે નીતીશે મહાગઠનના સાથી પક્ષો આરજેડી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી જાની દુશ્મન ગણાતા ભાજપ સાથે દોસ્તી કરી બિહારમાં સત્તા હાંસલ કરી હતી. આ ઘટનાનું પાંચ વર્ષ ફરી પૂનરાવર્તન થયુ છે. હવે નીતીશે ભાજપ સાથે છેડો ફાડી પોતાને ‘પલટુ રામ’ તરીકે ઓળખ આપનાર લાલુ પ્રસાદના સાથથી ફરી બિહારનું સિંહાસન હાંસલ કરી લીધું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સામે નીતીશે બાંયો ચઢાવી છે. તે ભારતના રાજકારણમાં હિંમતવાન ચાણકય સાબીત છે. નીતીશ અગાઉ જ જાહેર કરી ચૂકયા છે કે આ તેઓની અંતિમ ચૂંટણી છે. હવે તે ચૂંટણી લડવાના નથી. હવે નીતીશનું કદ મોટુ થઈ ગયું છે. તેઓ વિધાનસભાની ચૂંટણી ન લડે તે સમજી શકાય પરંતુ જો યુપીએ વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષીત કરશે તો તે મોદીના વિરોધી તરીકે મજબુત છાપ ધરાવે છે.
બિહારમાં લોકસભાની 40 બેઠકો છે જો આરજેડી અને જેડીયુ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડે તો ભાજપ માટે મોટો પડકાર બની શકે છે. નીતીશ ગમે ત્યારે અને ગમે તેવું જોખમ ઉઠાવવામાં માહીર છે. ભાજપ સાથે છેડો ફાડવાની તેની હિંમતથી વિરોધ પક્ષને નવુ જોમ મળ્યું છે. ભારતની વર્તમાન રાજનીતિમાં આ ઘટના આગામી દિવસોમાં ખૂબજ સુચક સાબિત થશય તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
- યુપીએ નીતીશ કુમારને પીએમનો ચહેરો બનાવશે?
- એનડીએ સાથે નીતીશે છેડો ફાડતા વિપક્ષને બળ મળ્યુ
નીતીશ કુમાર ભારતીય રાજનીતીના ચાણક્ય પૂરવાર થયા છે. તે ભાજપની ચાલ સમજી ગયા અને સરકાર સાથે સંગઠન ગુમાવવા જેવી ઉધ્ધવ જેવી સ્થિતિનો સામનો ન કરવો પડે તે પૂર્વ તેને એક સમયના દુશ્મન આરજેડીનો હાથ પકડી લીધો છે. એનડીએ સાથે આમ તો ખાસ કરીને ભાજપ સાથે જડમુળથી છેડો ફાડી નીતીશ કુમારે “લાલુ” યુગ સાથે હાથ મીલાવતા વિરોધ પક્ષની છાવણીમાં નવા જ ઉત્સાહનું સંચાર થયું છે.
વિપક્ષમાં સૌથી મોટી કમી એકતાની છે. હવે જો યુપીએ નીતીશકુમારને લોકસભાની આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષીત કરે તો ચૂંટણીમાં કાંટે કી ટક્કર થવાની સંભાવના છે. બિહારમાં ભાજપ મજબૂત બની રહ્યું છે. તેમા ના નહી પરંતુ નીતીશના સાથ વિના ભાજપ કેટલી તાકાત બતાવશે તે તો આગામી સમય જ બતાવશે.
ભાજપ માટે કેજરીવાલ નહીં નીતીશ મોટુ જોખમ
ભાજપનો વિજય રથ હમેંશા બિહારમાં આવી અટકી જાય છે. વર્ષોથી એનએડીના સાથી એવા નીતીશકુમારે ફરી એકવાર ભાજપ સાથે છેડો ફાડી આરજેડી અને કોંગ્રેસનું પાલવ પકડી લીધું છે. લોકસભાની ચૂંટણીના દોઢ વર્ષ પૂર્વ નીતીશે ઘા મારતા ભાજપ છાવણીમાં સોંપો પડી ગયો છે.
લોકસભાની આગામી ચૂંટણીમાં અત્યાર સુધી ભાજપ માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સૌથી મોટુ જોખમ મનાતુ હતું. પરંતુ હવે સમીકરણો સંપૂર્ણપણે બદલાય ગયા છે. નીતીશના તેવર જોતા તે લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે મોટું અને જોખમકારક પરિબળ બની શકે છે. હાલ બિહારની સ્થિતિ ખૂબ જ તરળ છે. અહીનું રાજકારણે ક્યારેય જ્ઞાતિના વાડામાંથી બહાર નીકળી શક્યુ નથી. હવે નીતીશ અને લાલુએ હાથ મીલાવી લેતા ભાજપ માટે ખોટો પડકાર ઉભો થવાની ભીતી દેખાય રહી છે.