’સમય, સંજોગ અને સ્થિતિ’ બદલાઈ જતાં મનુષ્યની પરિસ્થિતિ બદલાઈ જાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે નરેશ ગોયલ. કહેવાય છે કે વ્યક્તિ ક્યારે ફર્શથી અર્શ અને અર્થથી ફર્શ પર પહોંચી જાય છે તેની કોઈને ખબર નથી. સમય ખૂબ જ ઝડપથી બદલાય છે અને ક્યારે કોઈ રાજા બનશે અને ક્યારે કોઈ ગરીબ બની જશે તેની કોઈને ખબર નથી. સુખ-દુ:ખ, જીત-હાર, સંપત્તિ-ગરીબી, ઉદય-પતન બધું જ અહીં જોવાનું છે.
નરેશ ગોયલે અશ્રુભીની આંખે કોર્ટ સમક્ષ જેલમાં જ મરવા દેવાની ઈચ્છા વ્યક્ત કરી!!
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની કહાની પણ આવી જ છે. એક સમય એવો હતો જ્યારે તે એરલાઈન જગતનો તાજ વગરનો રાજા હતો. તેમના વિમાનો ભારતીય આકાશમાં એર ઈન્ડિયા સાથે સ્પર્ધા કરતા હતા. ફોબ્ર્સની અમીરોની યાદીમાં તેમના નામ છપાતા હતા, પરંતુ આજે સમય એવો છે કે તેમને મોતની ભીખ માંગવી પડે છે. છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા નરેશ ગોયલ હવે દરરોજ મૃત્યુ માટે પ્રાર્થના કરી રહ્યા છે. મુંબઈની એક કોર્ટમાં તેમણે જજને હાથ જોડીને મરવાની પરવાનગી માગી છે.
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અત્યારે જે પીડામાં છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમણે શનિવારે સ્પેશિયલ કોર્ટમાં હાથ જોડીને કહ્યું હતું કે, તેમણે જીવવાની આશા ગુમાવી દીધી છે અને આ સ્થિતિમાં જીવવાથી વધારે સારું હશે કે તે જેલમાં મરી જાય. નરેશ ગોયલ કેનેરા બેંકમાં 538 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીનો આરોપી છે. ઇડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત બેંક ફ્રોડના સંબંધમાં ગયા વર્ષે 1 સપ્ટેમ્બરે નરેશ ગોયલની ધરપકડ કરી હતી. હાલ તે મુંબઈની આર્થર રોડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેમણે સ્પેશિયલ જજ એમજી દેશપાંડે સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. જામીન અરજી મુજબ નરેશ ગોયલ હૃદય, પ્રોસ્ટેટ, હાડકા અને વિવિધ રોગોથી પીડિત છે.
આરોપી અને જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે શનિવારે મુંબઈની વિશેષ અદાલતમાં હાથ જોડીને કહ્યું કે, તેમણે જીવવાની આશા ગુમાવી દીધી છે અને આ સ્થિતિમાં જીવવા કરતાં જેલમાં જ મૃત્યુ પામે. અદાલતના રેકોર્ડ અનુસાર, 75 વર્ષીય ગોયલે આંસુભરી આંખે કહ્યુ હતુ કે, તેઓ તેમની પત્ની અનીતાને યાદ કરે છે, તેઓ કેન્સરના છેલ્લા તબક્કામાં છે. તેમને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી દરમિયાન તેમણે વ્યક્તિગત સુનાવણી માટે વિનંતી કરી હતી, જેને ન્યાયાધીશે સ્વીકારી હતી. કોર્ટની ’ડાયરી’ અનુસાર, નરેશ ગોયલે હાથ જોડીને અને ધ્રૂજતા કહ્યું કે, ‘તેમની તબિયત ઘણી બગડી ગઈ છે.’ ગોયલે કહ્યું કે, તેમની પત્ની પલંગ પર પડી છે અને તેમની એકમાત્ર પુત્રીની તબિયત પણ ખરાબ છે.
આજે ભલે નરેશ ગોયલ કોર્ટમાં હાથ જોડીને મરવાની પ્રાર્થના કરી રહ્યા હોય પરંતુ એક સમય હતો જ્યારે તેમનું નામ શોરબકોર કરતું હતું. એક સમયે તેમની કંપની ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન્સ કંપનીઓમાંની એક હતી અને તેમની પાસે કરોડો અને અબજોનું સામ્રાજ્ય હતું. તેમની કંપનીના વિમાનો દેશમાંથી વિદેશમાં ઉડાન ભરતા હતા અને થોડાં વર્ષો પહેલા સુધી તેમના વિમાનોની સંખ્યા 100થી વધુ હતી. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેમની કંપની જેટ એરવેઝની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે, તે દેવાના બોજ હેઠળ વર્ષ 2019માં બંધ થઈ ગઈ. નરેશ ગોયલે આજે અર્શ પરથી ફર્શ સુધીની સફર જોઈ લીધી છે.
પંજાબના સંગરુરમાં જન્મેલા નરેશ ગોયલ જ્યારે બાળક હતા ત્યારે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. તેમના પરિવારની હાલત એટલી ખરાબ હતી કે, તેમણે ઘરની હરાજી કરવી પડી અને કોઈક રીતે તેના મામાના ઘરે જીવી જવું પડ્યું. તેમણે 18 વર્ષની ઉંમરે કમાવવાનું શરૂ કર્યું. વર્ષ 1967માં નરેશ ગોયલે તેમના મામા શેઠ ચરણદાસ રામ લાલની ટ્રાવેલ એજન્સી ઈસ્ટ વેસ્ટ એજન્સીમાં કેશિયર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે તેમને મહિને 300 રૂપિયા મળતા હતા. જો કે, અહીંથી જ તેમણે ટ્રાવેલ બિઝનેસની બારીકાઈઓ શીખી અને પછીથી આ બિઝનેસમાં જોડાયા હતા. 1967થી 1974 સુધી તેઓ ઘણી વિદેશી એરલાઇન્સ સાથે સંકળાયેલા હતા અને વ્યવસાયની જટિલતાઓ શીખતા રહ્યા હતા.
આ સમયગાળા દરમિયાન તેમણે વિદેશ પ્રવાસે પણ ગયા હતા. 1969માં ઇરાકી એરવેઝે ગોયલને તેના પબ્લિક રિલેશન ઓફિસર તરીકે નિયુક્ત કર્યા અને આ પછી તેમણે અન્ય એરલાઇન કંપનીમાં મેનેજર તરીકે પણ કામ કર્યું હતું.વર્ષ 1974માં તેમણે તેમની માતા પાસેથી લગભગ 52 હજાર રૂપિયા લઈને તેમનો ટ્રાવેલ બિઝનેસ શરૂ કર્યો હતો અને તેનું નામ જેટ એર રાખ્યું. જો કે, લાંબા સમય સુધી તેમની કંપની અન્ય એરલાઇન કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી રહી. 1990માં તેમણે જેટ એરવેઝની શરૂઆત કરી અને સત્તાવાર રીતે 1993માં ઘણા એરક્રાફ્ટ સાથે એરલાઇન વિશ્વમાં પ્રવેશ કર્યો હતો. આ કાર્યમાં તેમની પત્નીનો પણ મોટો ફાળો છે. ત્યારપછી તેમનું નસીબ એવું બદલાયું કે, તે ટૂંક સમયમાં એરલાઇનની દુનિયામાં એક મોટું નામ બની ગયું. એક સમયે તે ફોબ્ર્સની દેશના સૌથી ધનિક લોકોની યાદીમાં 16મા નંબર પર પણ આવી ગયો હતો. જો કે, પછીના વર્ષોમાં તેમની કંપની પર દેવાનો બોજ એટલો વધી ગયો કે જેટ એરવેઝ 2019માં બંધ થઈ ગઈ હતી.