રશિયા – યુક્રેન યુદ્ધ બાદ ફરી એક વખત ભારતે પોતાના વૈશ્વિક મહત્વનો પરચો આપ્યો છે. બન્ને યુદ્ધગ્રસ્ત દેશોએ ભારત પાસે મદદ માંગી છે. હમાસે બંધક બનાવેલા 200 નાગરિકોને છોડાવવા ઇઝરાયેલે ભારત પાસે મદદ માંગી છે. તો બીજી તરફ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ મોદી સાથે વાત કરી છે અને તેમાં ગાઝામાં માનવતાવાદી સહાય પહોચાડવાનો નીર્ધાર કરાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 ઓક્ટોબર ગુરુવારના રોજ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી. આ દરમિયાન વડાપ્રધાને ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. મોદીએ અબ્બાસને આશ્વાસન આપ્યું છે કે ભારત પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાયતા આપવાનું ચાલુ રાખશે.

હમાસે બંધક બનાવેલા 200 નાગરિકોને છોડાવવા ઇઝરાયલે ભારત પાસે મદદ માંગી, બીજી તરફ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ મોદી સાથે વાત કરી, ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવાનો નિર્ધાર

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 13મો દિવસ છે.  ગાઝામાં અત્યારસુધીમાં કુલ 3,785 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 1524 બાળકો અને 120 વૃદ્ધો છે. 12 હજાર 493 લોકો ઘાયલ છે. એમાં ચાર હજાર બાળકો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ 18 ઓક્ટોબર બુધવારે ઇઝરાયલ પહોંચ્યા હતા. તેઓ તેલ અવીવમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુુ, રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગ અને વોર કેબિનેટને મળ્યા હતા. તેઓ અહીં લગભગ 4 કલાક રોકાયા હતા. અમેરિકા જતાં પહેલાં બાઈડને ગાઝાને માનવતાવાદી સહાય માટે 100 મિલિયન ડોલરની ખાતરી આપી. તેમણે કહ્યું હતું કે આ સામગ્રી હમાસના હાથમાં ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવશે.

બીજી તરફ ભારત સ્થિત ઇઝરાયલી રાજદૂત નાઓર ગિલાને કહ્યું હતું કે, ’હમાસ દ્વારા અપહ્યત કરાયેલા 200 જેટલા ઇઝરાયલી અને વિદેશી નાગરિકોને મુક્ત કરવામાં ભારત સહાયભૂત થઈ શકશે. કારણ કે ભારતનું અને પી.એમ. નરેન્દ્ર મોદીનું વિશ્વમાં વિશિષ્ટ સ્થાન છે.ગિલોને કહ્યું હતું કે, જો વૈશ્વિક સત્તાઓ હમાસ ઉપર તે અપહ્યતોને મુક્ત કરવા સમજાવી શકે અને તે માટે ભારત વૈશ્વિક સત્તાઓને સમજાવી શકે તો તેને અમે આવકારીએ છીએ.

ગિલોને વધુમાં કહ્યું હતું કે, વાસ્તવમાં હમાસના કમાન્ડર્સ તો ઇસ્તંબુલ અને કતારમાં એશારામથી રહે છે. અમે જાણીએ છીએ કે ભારતનું વિશ્વમાં વિશિષ્ટ સ્થાન છે. નિર્દોષ લોકોને છોડી મુકવા અનેક દેશો હમાસ ઉપર દબાણ લાવી રહ્યા છે. ભારત પોતાની વગ વાપરી, તેઓને સમજાવી પણ શકે તેમ છે. ભારતનાં આ પગલાંને અમે આવકારીશું.

આ તે કેવું સમર્થન : આરબ દેશો પેલેસ્ટાઈનીઓની તરફેણમાં, પણ શરણ આપવા તૈયાર નથી!

ઇઝરાયલે ગાઝા પટ્ટી પર સતત હવાઇ હુમલાઓ કરીને તેને નષ્ટ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. કેટલાક આરબ દેશો ઇઝરાયલની ટિકા કરી રહ્યા છે પરંતુ પેલેસ્ટિનિયનોને શરણ આપવા માટે તૈયાર નથી. ઇઝરાયલે ઉત્તર ગાઝાના 11 લાખ લોકોને વિસ્તારો ખાલી કરવા માટે કહ્યું છે. ત્યારબાદ હજારો પેલેસ્ટિનિયનો ગાઝામાંથી નિકળવા માટે ઇજિપ્તની સરહદ પર રાફેહ બોર્ડરના ખુલવાની રાહ જોઇ રહ્યા છે. જો કે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફત્તેહ અલ સિસીએ કહ્યું છે કે અમે પેલેસ્ટિનિયનોને પોતાના દેશમાં પ્રવેશ આપવા તૈયાર નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.