સેનાનું સર્ચ ઓપરેશન હજુ યથાવત: વધુ ૩ આતંકીઓની શોધખોળ ચાલું
જમ્મૂ કાશ્મીરમાં ઉરી પાસે રામપુર સેક્ટરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી. ગત ૫ દિવસથી ચાલી રહેલા જોઇન્ટ ઓપરેશન હેઠળ ગુરૂવારે ૩ આતંકવાદી ઠાર મરાયા છે. અધિકારીઓના અનુસાર તાજેતરમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ભારતીય બોર્ડરમાં આવ્યા હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ૫ એકે-૪૭, ૮ પિસ્તોલ અને ૭૦ હેન્ડ ગ્રેનેડ સાથે પાકિસ્તાન કરન્સી પણ મળી આવી.
ચિનાર કોર્પ્સ કમાન્ડર લે. જનરલ ડીપી પાંડેએ જણાવ્યું હતું કે, અમને વિસ્તારમાં ૬ આતંકવાદીઓ સંતાયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ તેમને એલિમિનેટ કરવા માટે જમ્મૂ કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ મળીને એક જોઇન્ટ ઓપરેશન શરૂ કર્યું અને આતંકવાદીઓની તલાશી શરૂ કરી.
ગુરૂવારે વહેલી સવારે રામપુર સેક્ટરના હાથલંગા જંગલમાં અમને આતંકવાદીઓ છુપાયેલા હોવાના સમચાર મળ્યા. ત્યારબાદ સુરક્ષાબળોએ તેની તલાશી શરૂ કરી દીધી. આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું અને કાઉન્ટર ફાયરિંગમાં આતંકવાદીઓને ઠાર માર્યા. અન્ય ત્રણ આતંકવદીઓની તલાશી હજુ પણ ચાલુ છે.
દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના ચિત્રગામ ગામમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ હોવાના સમાચાર આવ્યા હતા. જમ્મૂ કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ અથડામણમાં અહમદ ડાર નામના એક આતંકવાદીનું મોત નિપજ્યું હતું. આ એજ વિસ્તાર છે જ્યાં બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓએ એક નાગરિકને ઇજાગ્રસ્ત કરી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે તે આતંકવાદીઓને જ સુરક્ષાબળોએ ઘેરી લીધા છે.