છ દાયકામાં સૌરાષ્ટ્રના પાટનગરે અદ્વિતિય વિકાસ કર્યો
- ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને એઈમ્સ રાજકોટને દુનિયાના ટોચના શહેરોની હરોળમાં મૂકી દેશે
રાજકોટ… રંગીલું શહેર.. ખંતીલુ અને ઉદ્યમી શહેર. આઝાદી પછી એક સમયે રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર હતું. આજે ગુજરાત રાજ્યનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે. વ્યાપાર-ઉદ્યોગ-રાજકીય-સેવાકીય-ઈનોવેશનના ક્ષેત્રે અગ્રેસર છે. દેશના સ્માર્ટ સિટીઝમાં રાજકોટનો સમાવેશ થયેલો છે. દેશના બીજા ક્રમના સૌથી સ્વચ્છ શહેર (વર્ષ 2021) તેમજ વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા સાતમા શહેર (વર્ષ 2021) તરીકેનું બિરુદ પણ રાજકોટને મળી ચૂક્યું છે.
દેશની આઝાદીની ચળવળથી માંડીને ઔદ્યોગિક, આર્થિક અને સર્વાંગી વિકાસમાં રાજકોટનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. 1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. એ સમયે રાજકોટની ઓળખ પાણીની કાયમ અછત ધરાવતા પ્રદેશ તરીકેની હતી. ઘણીવાર દુષ્કાળ, અર્ધદુષ્કાળ પડતા. પીવાના પાણી માટે ટેન્કરો ચાલતા, લોકોને ભારે રઝળપાટ કરવી પડતી. જો કે હવે એ દ્રશ્યો ભૂતકાળ છે. વર્તમાન સમયમાં રાજકોટ જિલ્લાના આશરે 600 ગામોના 3.10 લાખથી વધુ ઘરોમાં આજે નળ ચાલુ કરતાં જળ આવે છે.
દેશની આઝાદીના સમયગાળામાં રાજકોટ શહેર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલું હતું અને શહેરમાં બે સુધરાઈ હતી. સન 1973માં બંને સુધરાઈને ભેળવીને રાજકોટ મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવી હતી. એ સમયે રાજકોટની વસતી 3.25 લાખ હતી. ક્ષેત્રફળ 69.54 કિલોમીટર હતું. પીવાના પાણીનો સ્રોત એકમાત્ર આજીડેમ હતો. એ સમયે ટેન્કરો ચાલતા હતા. સન 1977માં ન્યારી ડેમ બન્યો હતો.
આજે રાજકોટ મહાનગરનું ક્ષેત્રફળ આશરે 161. 86 ચોરસ કિલોમીટર છે. શહેરની વસતી 2011માં 13,46,192 હતી. આજે આ વસતી આશરે 18 લાખથી વધુ થવા જઈ રહી છે. વર્ષ 2023-24માં બજેટનું કદ રૂપિયા 2637.80 કરોડ થયું છે. આજે રાજકોટ મહાનગરનું રોડ નેટવર્ક 2281 કિલોમીટર જેટલું છે. શહેરમાં 80 જેટલી પ્રાથમિક શાળાઓ છે, મ.ન.પા. હસ્તક 06 હાઇસ્કૂલ છે, 158 જેટલા બગીચાઓ છે, નવ સ્પોર્ટસ્ ગ્રાઉન્ડ છે, 06 જીમ્નેશિયમ છે, 11 ઓવરબ્રિજ અને 3 અન્ડરબ્રિજ શહેરના ગતિશીલ વિકાસની સાક્ષી પૂરે છે. શહેરમાં પીવાના પાણીના સ્રોત માટે આજી-1, ન્યારી-1, ભાદર-1 ડેમ તેમજ નર્મદાના જળ ઉપલબ્ધ છે.
રાજકોટમાં 137 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું પ્રદ્યુમન પાર્ક ઝૂ છે. 47 એકરમાં ફેલાયેલું રામ વન અર્બન ફોરેસ્ટ છે. જેમાં 60 હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે. મહાત્મા ગાંધીજીએ જ્યાં અભ્યાસ કર્યો હતો કે, એ આલ્ફ્રેડ હાઉસ્કૂલ આજે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ઔદ્યોગિક વિકાસમાં રાજકોટ પંથકની કામગીરી માર્ગદર્શકરૂપ રહી છે. ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈ રાજ્યથી અલગ અસ્તિત્સવમાં આવ્યું, એ પહેલાંના સમયમાં રાજકોટ પંથકમાં મોટાભાગે કારીગર વર્ગ પરચૂરણ કામ કરતો હતો. સન 1941માં રાજકોટમાં પ્રથમ લંડન લેથ મશીન હંસરાજભાઈ વાલંભિયાએ વસાવ્યું હતું. એ પછી રાજકોટમાં ખીલીઓ બનવાનું શરૂ થયું. બાદ નેશનલ વાયરે ખીલીઓના મશીન બનાવવાનું શરૂ કર્યું અને તેની વિદેશમાં નિકાસ પણ શરૂ કરી. આજે પણ ખીલીઓના મશીનની નિકાસ થાય છે. સન 1952ના સમયગાળામાં એ સમયના સૌરાષ્ટ્ર રાજ્યમાં એશિયાનું પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (ઔદ્યોગિક વસાહત-ઉદ્યોગનગર) ભક્તિનગરમાં સ્થપાયું હતું. 1954માં રાજકોટના ઉદ્યોગકારોએ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સમક્ષ સ્વયંભૂ બિઝનેસ એક્ઝિબિશન ગોઠવ્યું હતું. એ પછી ઉમાકાંત પંડિતના સૂચનથી રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનની સ્થાપના થઈ હતી. સન 1978માં રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સ્થાપના થઈ હતી. ડિઝલ એન્જિન, છકડો રિક્ષા સહિત અનેક મશીનરીઝ રાજકોટની ભેટ છે.
આજે રાજકોટ જિલ્લામાં 14 જેટલી જીઆઈડીસી છે. નાગલપરમાં રૂ. 446 કરોડના રોકાણ સાથે નવો મેડિકલ ડિવાઈસ પાર્ક બનવા જઈ રહ્યો છે. ખીરસરા-2 જીઆઈડીસી રૂ. 131 કરોડના રોકાણ અને પીપરડીમાં પણ રૂ. 95 કરોડના રોકાણ સાથે નવી જીઆઈડીસી બનશે. આ જી.આઈ.ડી.સી.ના ખાતમુહૂર્ત થઈ ચૂક્યા છે.