લોકોના સમૂહને જ સમાજ કહેવામાં આવે છે.જેવા લોકો હશે તેવો જ સમાજ બનશે.કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ કે પડતી એ વાત પર નિર્ભર કરે છે,કે જે તે રાષ્ટ્રના લોકોનું સ્તર કેવું છે.અને આ સ્તર મોટે ભાગે જે તે રાષ્ટ્રની શિક્ષણ પદ્ધતિ પર આધાર રાખે છે.વ્યક્તિના નિર્માણમાં અને સમાજના વિકાસમાં શિક્ષણનું યોગદાન મહત્ત્વનું છે.
પ્રાચીન સમયમાં ભારતનું ગૌરવ ઋષિમુનિઓ દ્વારા સંચાલિત ગુરુકુળ પદ્ધતિને આભારી હતું.ગુરુકુળ પરંપરામાં નીતિમત્તા અને નૈતિક મૂલ્યોનું જ શિક્ષણ આપવામાં આવતું હતું.રાજા મહારાજાના સંતાનો ગુરુ પાસે ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતા હતા. ગુરુની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરવામાં આવતું નહોતું.કૃષ્ણ સુદામાના આશ્રમમાં રહીને ભણ્યા.ભગવાન રામ વશિષ્ટ ઋષિના આશ્રમમાં રહીને ભણ્યા.આ બધા રાજકુંવરો હોવા છતાં વિનિત ભાવે, આજ્ઞામાં રહીને વિદ્યા મેળવ્યાના ઉદાહરણો છે જ ને ! શ્રમ સાથે સદ્વિદ્યા આપવામાં આવતી.ગુરુકુળમાં નાનાં મોટાં કામ કરવાના અને વિદ્યામાં પણ પારંગત થવાનું.આપણો ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે.આથી જ ભારતનો પ્રાચીન કાળ સુવર્ણકાળ ગણવામાં આવે છે.તક્ષશિલા,નાલંદા અને વલ્લભી જેવી વિદ્યાપીઠોમાં ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું.એટલું જ નહીં બલકે ચીન,તિબેટ જેવા એશિયાઈ દેશોમાંથી પણ જ્ઞાન પીપાસુ વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠોમાં અભ્યાસ કરવા આવતા.
છેલ્લા વર્ષોમાં વિશ્વના જે જે દેશોએ પોતાના દેશની પ્રગતિ કે અધોગતિ કરી છે,તેના માટે શિક્ષણને જ પ્રધાન સાધન ગણવામાં આવ્યું છે.જર્મની અને ઇટાલીનો નાજીવાદ,રશિયા અને ચીનનો સામ્યવાદ,જાપાનનો ઉદ્યોગ વાદ.યુગોસ્લાવિયા, સ્વિત્ઝરલેન્ડ,ક્યુબા જેવા દેશોએ પોતાના દેશની વિશેષ પ્રગતિ છેલ્લી શતાબ્દીમાં જ કરી છે.આ પ્રગતિનું રહસ્ય છે; ત્યાંની શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિકારી પરિવર્તન.વ્યક્તિનું બૌદ્ધિક અને ચારિત્રિક નિર્માણ મોટે ભાગે ઉપલબ્ધ શિક્ષણ પ્રણાલી ઉપર નિર્ભર હોય છે.
માનવીના જીવન વિકાસમાં શિક્ષણનું અત્યંત મહત્વ રહેલું છે.માણસની આર્થિક, સામાજિક અને માનસિક પરિસ્થિતિ તેના શિક્ષણ પર આધાર રાખે છે.
હકીકતમાં આજની શિક્ષણ પદ્ધતિ એટલી બધી સક્ષમ છે,કે આજનો યુવાન પોતાના પગ પર ઉભો રહી શકે ? વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.આજની શિક્ષણ પદ્ધતિ ઘણા સુધાર માંગે છે.ઉચ્ચ શિક્ષણને એક કોરાણે મૂકીને વાત કરું,તો ગુજરાતમાં દર વર્ષે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની ઊભી થતી જરૂરિયાત કરતાં વધુ ઉમેદવારો શિક્ષકની લાયકાતનું પ્રમાણપત્ર લઈને બહાર પડે છે.કહેવાનું તાત્પર્ય એ છે,કે જો બેકારીને કાબુમાં રાખવી હોય અને દરેક શિક્ષિતયુવાનોને પગભર કરવા હોય તો દર વર્ષે જેટલા શિક્ષકોની ઘટ પડે તેટલા જ શિક્ષકો તાલીમ લઈને નીકળવા જોઈએ.કારણ કે પી.ટી.સી. અને બી.એડ.નો અભ્યાસક્રમ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ છે.આજે બન્યું છે એવું કે આ ડિગ્રીની કોલેજો માંગે ત્યારે મંજુર કરી દેવામાં આવે છે.આથી જરૂરિયાત કરતા મોટી સંખ્યામાં શિક્ષકોની લાયકાત મેળવેલા ઉમેદવારો જાહેર થાય છે.કમભાગ્યે એટલી સંખ્યામાં જગ્યાઓ ઉપલબ્ધ નહીં હોવાથી બેકારોની સંખ્યામાં ઉમેરો થાય છે.
આઝાદી પહેલાના સાર્જન્ટ શિક્ષણ પંચ, મુદાલીયર શિક્ષણ પંચ,હન્ટર શિક્ષણ પંચ અને આઝાદી પછીના ડો.રાધાકૃષ્ણન શિક્ષણ પંચ,તેમજ કોઠારી કમિશન જેવા તમામ શિક્ષણ પંચોએ લાલબત્તી ધરી હતી કે,દેશમાં રોજગારીની જેટલી તકો ઊભી થાય એટલા જ યુવાનો ડિગ્રી લઈ નીકળવા જોઈએ.જો આમ નહીં બને તો ભારતમાં બેકારી ફાટી નીકળશે.આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જરૂરિયાત કરતા વધારે લાયકાત મેળવેલા યુવાનો ડિગ્રી લઈ બહાર પડે છે.સામે રોજગારીની તકો ઊભી થતી નથી.પરિણામે બેકારોની સંખ્યા દિવસે અને દિવસે વધતી જાય છે.
આજે ગુજરાતમાં એક સર્વે મુજબ શિક્ષકોની 32 ટકા જગ્યા ખાલી છે અને આચાર્યની 80 ટકા જેટલી જગ્યા ખાલી છે.આ ખાલી જગ્યાઓ ભરવાની જરૂરિયાત હોવા છતાં કોણ જાણે કેમ સરકાર આ જગ્યાઓ ભરીને બેકારી ઘટાડવા નથી માંગતી.આટલી બધી ખાલી જગ્યાઓને લીધે શિક્ષણની ગુણવત્તામાં જે સુધાર આવવો જોઈએ,તે સુધાર જોવા મળતો નથી.સરકાર દ્વારા થતા ગુણોત્સવમાં માત્ર 14 શાળાઓને જ એ ગ્રેડ મળ્યો છે.ગુણોત્સવમાં ભૌતિક સુવિધાથી માંડી શિક્ષણની ગુણવત્તા સુધીના મુદ્દા આવરી લેવામાં આવે છે. આ પરિસ્થિતિ માટે સરકારની સાથે સાથે શાળા અને કોલેજમાં કામ કરતા કર્મચારીઓ અને તેમનું સંચાલન કરતી વ્યક્તિઓ પણ એટલા જ જવાબદાર છે.આજના સમયમાં કોઈ મા બાપ પાસે પોતાના સંતાન માટે સમય જ નથી.આથી તેઓ પોતાના બાળકોના ભવિષ્ય ઘડતરનું કામ એવા શિક્ષકોના હાથમાં સોંપે છે, જેમણે પૂરતું શિક્ષણ જ લીધું નથી.ડિગ્રી ખરી પણ નામ માત્રની.માત્ર ભણવા ખાતર ભણીને ડિગ્રી મેળવી લીધી છે.આવા શિક્ષકોના હાથમાં આપણે આપણા બાળકને સોંપીને બાળકોના ભવિષ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છીએ.લાયકાત વગરના શિક્ષકોને વિદ્યાર્થીના વિકાસ સાથે કંઈ લેવાદેવા નથી.મોટા ભાગે એવા લોકો જ આજકાલ શિક્ષકો છે.બાળકના ભવિષ્યની તો આપણે કલ્પના જ કરવી રહી.
શિક્ષકો અને શિક્ષણવિદ્દોના જીવનમાં નૈતિક મૂલ્યોનો અભાવ હોવાને લીધે વિદ્યાર્થીઓમાં પણ મૂલ્યોનો અભાવ જોવા મળી રહ્યો છે.આમ મૂલ્ય શિક્ષણ વગરનું બાળક જ્યારે મોટું થાય છે,ત્યારે તેમના જીવનમાં મોટી ઉંમરે મૂલ્યનું સિંચન કરવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.મનોવિજ્ઞાન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે,કે જે વ્યક્તિ પોતાના બાળપણમાં જે શીખે છે,એ એમને જિંદગીમાં ક્યારેય ભૂલાતું નથી,અને જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે,તેમ તેમની શીખવાની તથા જીવનમાં અનુકરણ કરવાની ક્ષમતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. આથી જ જો બાળકોના જીવનમાં મૂલ્યોનું સિંચન કરવું હશે તો તેના માટે યોગ્ય શાળા અને શાળાના યોગ્ય શિક્ષકોના હાથમાં બાળકને સોંપવું જોઈએ.વાલીઓની માનસિકતા એવી રહી છે,કે જે શાળાની શિક્ષણ ફી ઊંચી હોય તેનું શિક્ષણ શ્રેષ્ઠ હોય છે.વાલીની આર્થિક સ્થિતિ સદ્ધર હોવાના લીધે,લાખો રૂપિયાની ફી ભરી બાળકને પ્રવેશ અપાવી દેતા હોય છે.વાલીઓ ક્યારેય એ બાબત વિચારતા નથી કે પોતાના બાળકમાં મૂલ્યનું આરોપણ થાય છે કે નહીં? વાલીઓને એ જોવાનો સમય જ નથી.વાલી તો એમ જ માને છે,કે માંગે એટલા પૈસા આપી દીધા પછી શું ? ગેરેજમાં મૂકવામાં આવતા વાહન અને શાળામાં મૂકવામાં આવતું બાળક બંનેને વાલી એક સમાન જ સમજે છે !
આવા વિષમ કાળમાં મૂલ્ય આધારિત શિક્ષણ આપતા ગુરુકુળો આજે પણ દેશ અને વિદેશમાં કાર્યરત છે.સન 1948 માં રાજકોટમાં સ્થાપવામાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની આજે ગુજરાત,ભારત અને વિશ્વના અનેક દેશોમાં કુલ મળીને 51 જેટલી શાખાઓ છે.જેમાં રાજ્ય બોર્ડ, રાષ્ટ્રીય બોર્ડ અને આંતરરાષ્ટ્રીય બોર્ડના અભ્યાસક્રમ મુજબ શિક્ષણ આપવામાં આવે છે.શિક્ષણ આપવાની વાત તો પાયાની છે.પરંતુ સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃતિ સાથેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વિદ્યાની સાથે સાથે સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.આ વાત કાને ધરવા જેવી છે.ઋષિ કાળની જેમ જ બાળપણથી જ બાળકને અધ્યાત્મના પાઠ ભણાવતા ભણાવતા જો સિલેબસ પણ ભણાવવામાં આવે તો બાળક પદવી તો મેળવે જ છે, સાથે સાથે એક આજ્ઞાંકિત,રાષ્ટ્રપ્રેમી,નિર્વ્યસની અને સંસ્કારી નાગરિક બને છે.આવું શિક્ષણ મેળવેલો વિદ્યાર્થી આજીવન સંતો,વડીલો અને માતા-પિતાને હંમેશા આદર આપતો,વંદન કરતો અને આજ્ઞાંકિત યુવાન બની રહે છે.