- ક્ષત્રિય સમાજે 100 જેટલા ફોર્મ ઉપાડ્યા: ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા અને મોહન કુંડારિયાના નામે તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી,ડો. હેમાંગ વસાવડા, હિતેશ વોરાના નામે ફોર્મ ઉપડ્યા
રાજકોટ લોકસભા બેઠકમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. જેમાં પ્રથમ દિવસે બપોર સુધીમાં જ ધડાધડ 150 જેટલા ફોર્મ ઉપડ્યા છે. આ ફોર્મ લેવા માટે કલેકટર કચેરી ખાતે પક્ષના આગેવાનો તેમજ અન્ય અગ્રણીઓની ભીડ જોવા મળી હતી.
રાજકોટ જિલ્લામાં આજે ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થઇ ગયું છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.19/04/24ના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.20/04/24ના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા.22/04/24 છે. તેમજ મતદાનની તા.07/05/24 અને મતદાનની મત ગણતરી તા.04/06/24ના રોજ કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ તા.06/06/24 રહેશે.
આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં પ્રથમ દિવસે જ અધધધ 150થી વધુ ફોર્મ ભરાયા હતા. જેમાં કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી , હેમાંગ વસાવડા, હિતેશ વોરાના નામે 4-4 ફોર્મ મળી 12 ફોર્મ ઉપડ્યા છે. બસપામા ચમનભાઈ સવસાણી, માધુભાઈ ગોહેલ એના નામે 3-3 ફોર્મ મળી કુલ 6 ફોર્મ ઉપડ્યા છે. બહુજન મુક્તિ પાર્ટીમાંથી દેવેનભાઈ બેડલાએ 3 ફોર્મ ઉપાડ્યા છે.ભાજપમાંથી પરસોતમ રૂપાલા અને મોહન કુંડારિયાના નામે 4-4 મળી 8 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. રણજિતભાઈ મૂંધવાએ 1 ફોર્મ ઉપાડ્યું છે. મુકેશભાઈ કનુભાઈ ડાભીએ 4 ફોર્મ ઉપાડ્યા છે.
બીજી તરફ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીથી રોષે ભરાયેલ ક્ષત્રિય સમાજે 400 ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે આજે ક્ષત્રિય સમાજ દ્વારા 100 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ફોર્મમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાના વિકલ્પ છે. જેને જે ભાષામાં ફોર્મ ભરવું હોય તે ભાષામાં ભરી શકે છે. કુલ 23 પાનાનું ફોર્મ છે.
190 જેટલા ચૂંટણી પ્રતીક જાહેર : 23 અનામત રહેશે
ચૂંટણી લડતા ઉમેદવારો માટે તેમના નામ ઉપરાંત ચૂંટણી પ્રતીક પણ બહુ મહત્વનું છે. માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષો માટે તો આવા ચૂંટણી પ્રતીકો અનામત રાખવામાં આવે છે પરંતુ અપક્ષ ઉમેદવારો માટે ચૂંટણી પ્રતીકોની ફાળવણી ઉમેદવારીપત્ર મંજૂરીની પ્રક્રિયાની સાથે કરવામાં આવે છે.
ચૂંટણી પંચ દ્વારા આ માટે નિયમો બનાવવામાં આવ્યા છે અને મુક્ત પ્રતીકોની યાદી જાહેર કરવામાં આવે છે. લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં 190 ચૂંટણી પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ 16 પ્રતીકો શાકભાજી, ફળફળાદીના છે. એ પછીનો ક્રમ રમતગમતના પ્રતીકોનો આવે છે. અંદાજે 12 પ્રતીક રમતગમતના છે. ચૂંટણી પંચ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં જાહેર કરાયેલા પ્રતીકોની યાદીમાં તરબૂચ, અખરોટ, વટાણા, નાસપતિ, મગફળી, ભિંડો, ફણસ, લીલું મરચું, દ્રાક્ષ, આદુ, સફરજન, ફળની ટોકરી, ફૂલાવર, શીમલા મરચું, નારિયેલી ફાર્મ, શેરડી અને ખેડૂતનો સમાવેશ થાય છે. રાજ્ય કક્ષાએ માન્યતા પ્રાપ્ત 23 રાજકીય પક્ષોનમાટે પ્રતીકો અનામત આપવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં 3000 જગ્યાએ ચુંટણીની નોટિસ લગાવાય
કલેકટર તથા જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ 19મી બપોરે 3 કલાક સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકાશે: 20મીએ ફોર્મની ચકાસણી કરાશે
10-રાજકોટ સંસદીય મત વિસ્તારના જિલ્લા ચૂંટણી અધિકારી તથા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આજરોજ લોકસભાની ચૂંટણી-2024 માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી છે. આ નોટિસ જિલ્લામાં 3000 સ્થળોએ લગાવવામાં આવી છે.
આ નોટિસમાં જણાવાયા મુજબ, 10-રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈ એક વ્યક્તિ (1) ચૂંટણી અધિકારી, 10-રાજકોટ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર-રાજકોટ, કલેક્ટર કચેરી, જિલ્લા સેવાસદન, પ્રથમ માળ, જામટાવર સામે, શ્રોફ રોડ, રાજકોટ-360 001 ખાતેથી અથવા (2) મદદનીશ ચૂંટણી અધિકારી, 10-રાજકોટ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા પૂરવઠા અધિકારી-રાજકોટ, જિલ્લા પૂરવઠા અધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન, બીજો માળ, જામટાવર સામે, શ્રોફ રોડ, રાજકોટ-360 001 ખાતે મોડામાં મોડું 19મી એપ્રિલ 2024 અને શુક્રવાર સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) સવારે 11થી બપોરે 3 કલાક સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.
ઉપર દર્શાવેલા સ્થળે અને સમયે નામાંકન પત્રના ફોર્મ મેળવી શકાશે. નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી, 10-રાજકોટ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર-રાજકોટ, કલેક્ટર કચેરી, પ્રથમ માળ, કોન્ફરન્સ રૂમ, જિલ્લા સેવાસદન, જામટાવર સામે, શ્રોફ રોડ, રાજકોટ-360 001 ખાતે 20મી એપ્રિલ 2024 અને શનિવારે સવારે 11 કલાકે હાથ ધરાશે.
ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મુકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ, તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા, તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીમાંથી ગમે તે એકને તેમની કચેરીમાં તા. 22મી એપ્રિલ અને સોમવારના રોજ બપોરે 3 વાગ્યા પહેલા પહોંચાડી શકશે. ચૂંટણી લડાશે તો મતદાન તા. 7મી મે 2024 અને મંગળવારના રોજ સવારે 7થી સાંજે 6 વાગ્યા વચ્ચે થશે.