આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાના પગલે ભારતીય ચલણમાં તેજી: રૂપીયો ૭૨ની સપાટીએ પહોંચ્યો
છેલ્લા થોડા સમયથી માર્કેટમાં ડામાડોળ સ્થિતિને કારણે રૂપીયો સતત ગગડી રહ્યો હતો પરંતુ હવે અર્થતંત્રના સારા આશાવાદે રૂપીયો બે માસની ટોચ પર પહોંચ્યો છે. ગુરુવારે ૨૪ પૈસાના વધારા સાથે રૂપીયો ડોલર સામે ૭૦ની સપાટીએ રહ્યો હતો. જયારે આજે ૩૩ પૈસા અથવા ૦.૫ ટકાના વધારાની સાથે રૂપીયો ૭૨ની સપાટીએ પહોંચી ગયો છે જે છેલ્લા બે મહિનાના સમયગાળામાં સૌથી વધારે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો અને વિદેશી રોકાણકારોના રોકાણમાં વધારાના પગલે રૂપીયામાં આ સુધારા નોંધાયો છે તો આ સાથે શેરબજારમાં તેજીને કારણે પણ રૂપીયાને મજબુતી મળી છે. ઉલ્લેખનીય છે કે, ડોલર સામે છેલ્લા ત્રણ દિવસથી લગાતાર રૂપીયાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. જે અર્થતંત્રના વેગવંતા વિકાસ માટે હકારાત્મક સંકેતો છે. જોકે, બ્રેકિસટ સંબંધિત બાબતોને લઈ ડોલરમાં પણ વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમા રૂપીયામાં ૯૨ પૈસાનો અથવા તો કુલ ૧.૩ ટકાનો વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલે ૬૬ ડોલરે પહોંચ્યો છે. જેમાં ત્રણ દિવસમાં ૭ ટકાનો ઘટાડો થયો છે. વિશ્ર્લેષકોના મતાનુસાર જો આ જ ટ્રેન્ડ ચાલતો રહેશે તો ભારતીય ચલણ રૂપીયામાં હજુ ઐતિહાસિક વધારો થશે.