અંબાના ધામ અંબાજીમાં ત્રીજા દિવસે 3.20 લાખ લોકોએ દર્શન કર્યાનો અંદાજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ સેવ્યો છે. મંદિરને ત્રીજા દિવસે એક ભક્ત દ્વારા 60 ગ્રામ અંદાજિત એક લાખ રૂપિયાના સોનાનું દાન મળ્યું હતું. ત્રીજા દિવસે અંબાજીમાં લાલદંડા સંઘનું આગમન થતાં જ ચાચર ચોકમાં ભક્તિભાવ ભર્યા દ્રશ્યો સર્જાઈ ગયા હતા. 3.20,000 યાત્રિકોની સંખ્યા, 66,672 લોકોએ ભોજન લીધુ , 4,98,694 પ્રસાદના પેકેટ વિતરણ, 64,94859 ભંડારાની આવક થઈ.
ભક્તિ અને શક્તિના સુભગ સમન્વય સાથે ભાદરવીના ભાતીગળ લોકમેળાને મહાલવા માટે ગુજરાતના ખુણે ખુણાથી માઇભકતો માં અંબાના દરબારમાં પગપાળા પહોંચી રહ્યા છે. પાલનપુરથી અંબાજી વચ્ચે પદયાત્રીકોની સેવા સુશ્રુષા કરવા માટે સેવા કેમ્પ સંચાલકો દ્વારા અનેક કાલાવાલા કરવામાં આવી રહ્યા છે. સેવા કેમ્પો દ્વારા ચા પાણી, લીંબુ શરબત, ગાંઠીયા ભજીયા, ફાફડા જલેબી, ખમણ, તો વળી મગ અને શીરો સહીત મિષ્ઠાન યુક્ત ભાણુ પણ ઠેર-ઠેર દાતાઓ દ્વારા ભાવિક ભક્તોને હેતથી જમાડવામાં આવી રહ્યા છે. ઉપરાંત માર્ગમાં કેટલાક લોકો ફળ ફ્રૂટ લઈને આવતા જતા પદયાત્રિકોને કેળા સફરજન સહિત ચોકલેટ બિસ્કીટ તેમજ પેકિંગ વાળા નમકીન સહિતની ચીજ વસ્તુઓ આપીને પોતાની સેવા ભાવના દર્શાવી રહ્યા છે.