શ્રમણસંધીય પૂ. સંયમજયોતિજી મ.સ.ના માસક્ષમણ તપ આરાધનાનો સન્માન સમારોહ
રાજકોટમાં પર્યુષણ બાદ આગામી રવિવારે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના બ્રહ્મનાદે વિશિષ્ટ મંત્રોચ્ચારના પ્રાગટય સાથે મહાપ્રભાવક ઉવસગ્ગહાર સ્ત્રોતની ર૧ દિવસીય સંકલ્પ સિઘ્ધિ સાધનાના ૧૬માં ચરણની સાધના સાથે નવકાર મહામંત્ર કપલ જાપનું આયોજન તા. ર૩ ને રવિવારના રોજ સવારે ૯ કલાકે કરવામાં આવ્યું છે.
આજના સમયમાં સમજણમાં અભાવે અનેક લગ્ન સંબંધો જયારે એક સામાન્ય રમતની જેમ સહજતાથી તૂટીને સમગ્ર સમાજ પર અસર કરી રહ્યા છે. લગ્ન જીવનમાં પરસ્પર પ્રેમના સ્થાને કડવાશ પ્રસરી રહી છે. ત્યારે પૂ. સુશાંતમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે વિશેષ પ્રકારે નવકાર મહામંત્ર કપલ જાપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે સબંધોમાં સજાયેલી નેગેટીવીટીને દુર કરવા કપલ્સને સાથે બેસાડીને જપ સાધના કરાવવામાં આવશે ભાઇઓ એ સફેદ વસ્ત્ર અને બહેનોએ લાલ રંગના વસ્ત્રો પહેરવાના રહેશે.
વિશેષમાં આ તકે રાજકોટના નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજીત શ્રમણ સઘીય આચાર્ય પૂ. શીવમુનિજી મ.સા.ના આજ્ઞાનુવતી પૂ. અમિતજયોતિજી મહાસતીજીની નિશ્રામાં સંયમ જયોતિજી મહાસતીજી દ્વારા આરાધીત માસક્ષમણ ઉગ્ર તપસ્યાની અનુમોદના તેમજ સન્માન સકળ ચતુવિધ સંઘની તેમજ અખીલ ભારતીય કોન્ફરન્સના પ્રમુખ ચોપડાજી, રાજસ્થાનના રુચિરાજી જૈનની ઉ૫સ્થિતિમાં કરવામાં આવશે.
અખંડ પણે ચાલી રહેલી ર૧ દિવસીય સિઘ્ધિની સાધનામાં જોડાવા, જીવનસાથીની સાથે બેસીને નવકાર મહામંત્ર કપલ જપ સાધના કરતા પરસ્પર પ્રેમનું સર્જન કરવા માટેનું માર્ગદર્શન પામવા તથા તપની અનુમોદનાનો લાભ લેવા દરેક ભાવિકોને સંઘ દ્વારા અનુરોધ કરાયો છે. સમગ્ર કાર્યક્રમ ડુંગર દરબાર, અમીન રોડ જંકશન ૧૫૦ રીંગ રોડ જેડ બ્લુની સામે રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે.