ગુજરાત વિધાનસભામાં આજે પરેશ ધાનાણીએ પૂછેલા પ્રશ્ને હંગામો મચાવી દીધો હતો. ધાનાણીએ સસ્તા અનાજની દૂકાનોમાં થઈ રહેલી ગેરરિતીઓને ટાંકતા સંત મોરારિ બાપુનું નામ ઉછાળ્યું હતું. ધાનાણીએ કહ્યું હતું કે રાજ્યમાં મોરારિ બાપુના નામે અનાજ ઉપડી જાય છે, સરકારે આ અંગે શું કામગીરી કરી? ધાનાણીના આ નિવેદન બાદ વિધાનસભામાં મુખ્ય મંત્રી નાયબમુખ્ય મંત્રી અને પુરવઠા મંત્રીના નિવેદનો આવ્યા હતા. આ મામલે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે આ મામલો 1.5 વર્ષ જેટલો જૂનો છે, જેમાં એક દૂકાનદારે મોરારિ બાપુના નામે અનાજ ઉપાડ્યું હતું અને આ વાત સરકારના નામે આવતા તેનો પરવાનો રદ કરાયો હતો પરંતુ આ મામલો વિધાનસભામાં ઉછાળીને અને આજે કોંગ્રેસે હિંદુ સંસ્કૃતિનું અપમાન કર્યુ છે.
પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું, “વિપક્ષે આ મુદ્દાને મોરારિ બાપુના નામ સાથે જોડી બાપુ જેવી વિભૂતીઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, મોરારિ બાપુ જેવા વિશ્વ વિભૂતી મહાન સંતને વિધાનસભાના ફ્લોર પર કોંગ્રેસે બદનામ કરવાના પ્રયાસ કર્યા છે, કોંગ્રેસે તેમની માફી માંગવી જોઈએ. કોંગ્રેસે હિંદુ સંસ્કૃતિ અને બાપુ જેવા અનેક સંતોને બદનામ કરવાના પ્રયાસ કર્યા તેને હું વખોડી કાઢું છું.”
રાદડિયાએ વધુમાં જણાવ્યું, “મોરારિ બાપુના નામે માર્ચ 2018માં અનાજ ઉપડ્યું હતું એ દૂકાનને કાયમ માટે રદ કરી હતી, બનાવ વર્ષ દોઢ વર્ષ પહેલાંનો છે, તેમાં તપાસ પણ થઈ ગઈ દૂકાન પણ બંધ કરવામાં આવી, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યના ધારાસભ્યે આજે આ મુદ્દો ખોટી રીતે રજૂ કરી મોરારિ બાપુને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.”
રાદડિયાએ જણાવ્યું હતું કે અમે અનાજનું ડાયવર્ઝન અટકે,અનાજ ગરીબ લોકોના ઘર સુધી પહોંચે તે માટે સમગ્ર પ્રક્રિયાને આધાર સાથે જોડી છે. જ્યાં જ્યાં લોકો ખોટા અનાજ લઈ જતા હતા ત્યાં ત્યાં સમગ્ર રાજ્યમાં કાર્યવાહી થઈ છે. રાજ્યમાં 100 ટકા આધાર લિંકઅપની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસ અન્ય વ્યક્તિના નામ પર આવો પ્રશ્ન પૂછી શકતી હતી પરંતુ મોરારી બાપુના નામે પ્રશ્ન પૂછી અને હિંદુ સંસ્કૃતિને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.