હનુમાનમઢી, શિવપરા, રામનગર, ધોબી ચોક, લલુડી વોંકળી સહિતના વિસ્તારોમાં ચેકિંગ: ૫૫ લીટર દાઝીયા તેલનો પણ નાશ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત બીજા દિવસે પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ૨૪ સ્થળે ચેકિંગ હાથ ધરાયું હતું અને ૨૨ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ૬૧૫ કિલોથી વધુ અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાજય સરકારના આદેશ બાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસથી પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે સ્થળે પાણીપુરી બનાવવામાં આવે છે તે સ્થળ સ્વચ્છ છે કે નહીં ? અને પુરી બનાવવા માટે વપરાતા કાચા માલની કવોલીટી કેવી છે ? તે સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મોટાભાગના સ્થળોએ જયાં પાણીપુરી બને છે ત્યાં ખુબ જ ન્યુસન્સ અને ગંદકી હોય છે. પાણીપુરી અનહાઈજેનીક સ્થળે સ્ટોરેજ કરવામાં આવે છે તથા બટેટા અને ચણાનો જથ્થો પણ સડેલો હોવાનું ચેકિંગ દરમિયાન પકડાયું છે. આજે શહેરના હનુમાનમઢી ચોક, શિવપરા, રામનગર, ધોબી ચોક અને લલુડી વોંકળી સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહીં પાણીપુરીના ૨૪ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ દરમિયાન ૨૨ પાણીપુરીવાળાને અનહાઈજેકીન કંડીશન સબબ નોટિસ ફટકારવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ૮૬ કિલો સડેલા, વાસી અને બાફેલા બટેટા, ૫૧ કિલો બાફેલા ચણા, ૫૫ લીટર દાઝયુ તેલ, ૨૫ કિલો પાણીપુરીની પુરી તથા ૭૧ લીટર પાણીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા રાજયમાં ક્રમશ: અલગ-અલગ શહેરોમાં પાણીપુરી પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે વડોદરામાં પાણીપુરી પર પ્રતિબંધ મુકાયા બાદ રાજયભરની મહાપાલિકાઓને પાણીપુરીના ધંધાર્થીઓ પર ચેકિંગ હાથ ધરવા સુચના આપવામાં આવી છે. ગઈકાલે શહેરના ભકિતનગર સર્કલ, લીમડા ચોક, ઢેબર રોડ ગુકુલ વિસ્તાર, એરપોર્ટ રોડ, રેસકોર્સ રોડ, રિલાયન્સ મોલ પાસે, નાનામવા ચોકડી પાસે, ચંદ્રેશનગર મેઈન રોડ અને આનંદ બંગલા ચોક સહિતના વિસ્તારોમાં પાણીપુરીના ૩૫ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ સ્થળોએ બેસુમાર ગંદકી જણાતા નોટિસ ફટકારવામાં આવી હતી અને ૩૦૦ કિલોથી વધુ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાશે.