નડિયાદ, આણંદ અને બોરસદને શ્રદ્ધાળુઓ શક્તિપીઠ અંબાજીમાંના દર્શન કરી પરત ફરતી વેળાએ નડ્યો ગમખ્વાર અકસ્માત
૬પ મુસાફરો સાથેની બસ ત્રિશુળીયા ઘાટ પાસે પલ્ટી મારતા ૧૪ પુરૂષો, ત્રણ મહિલા અને ૪ બાળકોના મોત: ૩પ ઘાયલ
અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં ૨૧થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો નડિયાદ, આણંદ અને બોરસદના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૬૫ મુસાફરો ભરેલી આ બસના ડ્રાઇવરે ઘાટ પાસે કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.અંબાજીથી દાંતા વચ્ચેના હાઇવે પર ચાર વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી બસ અંબાજી જતા ત્રિશુલીયા ઘાટ નજીક વળાંક લેતા ખાઇમાં ખાબકી હતી. જેમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરીને યુધ્ધના ધોરણે કરાઈ રહી છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, હાઈવે પર લાશો પડી હતી અને વરસાદી માહોલમાં રોડ પર લોહીથી લથપથ હતો.
નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્રિશુળીયા ઘાટ ખાતે જગત જનની માં અંબાના દર્શન કરીને શ્રદ્ધાળુઓને પોતાના ઘરે પરત લઈ જતી ખાનગી બસ પલ્ટી ખાતા ૨૧ થી વધુ લોકોના મૃત્યુ થયા છે. નવરાત્રીના પવિત્ર તહેવારમાં માં અંબાના ધામમાં બનેલી આ ઘટના અત્યન્ત દુ:ખદ છે અને લોકોના કાળજા કંપાવી નાખે તેવી છે. આ ઘટનાને લઈને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને બસમાં રહેલા અને ઇજા પામેલા અન્ય મુસાફરોને મદદ કરીને બહાર કાઢ્યા હતા. માં અંબાના જયઘોષ સાથે નીકળેલા આ શ્રદ્ધાળુઓને ક્યાં ખબર હતી કે ઘરે પહોંચતા પહેલા જ તેમને મૃત્યુનો ભોગ બનવું પડશે. ન જાણ્યું જાનકીનાથે, કાલે સવારે શું થવાનું એ ઉક્તિ સાર્થક કરતી આ ઘટનાએ સૌ કોઈના કાળજા કંપાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટના જ્યાં બની છે તે રસ્તો ખુબ જ સાંકળો છે અને ત્યાં અવારનવાર બસ કે ગાડીઓના ડ્રાઇવરની ભૂલના કારણે અકસ્માત સર્જાય છે અથવા તો વાહન પલ્ટી ખાઈ જાય છે. અહીં અગાઉ પણ બનેલા અકસ્માતોમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના કિસ્સા બની રહ્યા છે જેથી સ્થાનિકો દ્વારા આ રસ્તો પહોળો કરવાની પણ માંગ ઉઠી છે.