દુશ્મન
જ્ઞાતિની વાડીમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત બહેનોને પોતાના હક્કો અને અધિકારો વિશે જ્ઞાત કરવા અને સામાજિક દૂષણો અને શોષણોનો સામનો કરવાની જાગૃતિ કેળવાય એ માટે યોજાયેલા એક ખાસ સમારંભમાં પ્રમુખસ્થાનેથી ઉદ્બોધન કરતાં લલિતાબેન બોલ્યાં,
“વ્હાલી બહેનો,નારી જયાં પૂજાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. નારી તો નારાયણી છે. આજે નારીની સ્થિતિ દયનીય છે. સમાજ એને અબળા તરીકે જ રાખવા માગે છે. નારીને પુરૂષ જેટલા અધિકારો આપવામાં આવતા નથી. એનું સતત શોષણ કરવામાં આવે છે. આપણે અવાજ ઉઠાવવાની તાતી જરૂર છે….’’
…નારી આજે અબળા નથી રહી. નારી કેળવણી લઇને આગળ આવી છે. અંધશ્રધ્ધા, દહેજ અને કુરિવાજો જેવાં દૂષણોને ઠાર કરવા કમર કસવી પડશે…’
‘…દહેજની બાબતમાં પુરૂષ નારીનું ખૂબ શોષણ કરે છે. કેટલીય બહેનોએ દહેજના દાવાનળમાં પોતાના જાનની અહુતી દીધી છે. પુરૂષ એની પત્ની સમક્ષ દહેજમાં કિંમતી વસ્તુ લાવવાની માગણી કરે અને એ માગણી ન સંતોષાય તો પત્નીનું આવી બન્યું સમજો. પુરૂષોનો આવો ત્રાસ કયાં સુધી સહન કરશું ? એક દિવસ એવો આવશે કે…”
ત્યાં જ દૂરથી એક કોમળ ચીસ ધસી આવી-
‘એ ગીતાબેન મને મારો નહીં…. બા… હું તમારા પગે પડું છું બા…મને મારો મા… મારા માવતર ગરીબ છે… હું કેમ કરીને કલર ટી.વી. અને વોશિંગ મશીન લાવું…? ગીતાબેન… હું મરી જઇશ… બા.. મારું ગળું દાબોમા… બા… બા…. ગીતાબેન…’
બધાના કાન અવાજની દિશા તરફ મંડાઇ ગયા ને લલિતાબેન કયારે સ્ટેજનાં પગથિયાં ઉતરી ગયાં એ ખબર જ ન પડી.
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર