તીવ્ર હરિફાઈના કારણે અબજો રૂા.ની નુકશાની કરી રહેલી વોડાફોન-આઈડીયા અને એરટેલે આવતીકાલથી તેના મોબાઈલ સેવાદરોમાં ૪૦ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે; ત્યારે રિલાયન્સ જીયોએ પણ તેના મોબાઈલ સેવાદરોમાં ૪૦ ટકાનો વધારો કરીને સાથે ગ્રાહકોને વધુ લાભ આપવાનો નિર્ણય કર્યો છે
દેશના ટેલીકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જીયોના પ્રવેશ બાદ તમામ કંપનીઓ વચ્ચે વધારેમાં વધારે ગ્રાહકોને આકર્ષવા ગળાકાપ હરિફાઈઓ થઈ હતી આ હરિફાઈમાં ગ્રાહકોને ઓછા ભાવમા મોબાઈલ કોલીંગ અને ડેટા પ્લાન આપવાના કારણે દેશની મુખ્ય ટેલીકોમ કંપનીઓને અબજો રૂા.ની નુકશાની વેઠવી પડી હતી. જેથી આ નુકશાનીમાંથી બહાર નીકળવા દેશની મુખ્ય બે ટેલીકોમ કંપનીઓ વોડાફોન-આઈડીયા અને એરટેલે તેના વર્તમાન પ્લાનના દરોમાં ૪૦ ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. અને આવતીકાલથી વધારેલા નવા દરોને અમલમાં મૂકવામાં આવનારા છે. ત્યારે આ તીવ્ર સ્પર્ધામાં પણ પોતાની આગવી માર્કેટીંગ સ્ટ્રેટજીના કારણે સતત નફો કરી રહેલી કંપની રિલાયન્સજીઓએ પણ આગામી છઠ્ઠી ડિસેમ્બરથી તેના પ્લાનમાં ૪૦ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સાથે સાથે કંપનીએ તેના ગ્રાહકોને નવા પ્લાનમાં ત્રણ ગણો લાભ આપવાની જાહેરાત કરી છે.
રિલાયન્સ જિયોએ ગઈકાલે જાહેરાત કરી છે કે ૬ ડિસેમ્બરથી એના નવા વોઈસ અને ડેટા ટેરિફ અમલમાં આવશે અને આ વધારો ૪૦ ટકા જેટલો રહેશે. ગ્રાહકોને નવા પ્લાન હેઠળ ૩૦૦ ટકા વધારે લાભ આપવામાં આવશે. જિયો ઓલ ઈન વન અનલિમિટેડ વોઈસ અને ડેટા પ્લાન શરૂ કરશે. જેમાં બીજા ટેલીકોમ ઓપરેટર કંપનીમાં પણ અનલિમિટેડ કોલીંગ થઈ શકશે.
વોડાફોનના નવા પ્લાન મુજબ કંપનીએ પ્રીપેડ ગ્રાહકો માટે ૨ દિવસ, ૨૮ દિવસ, ૮૪ દિવસ અને ૩૬૫ દિવસની વેલિડિટી ધરાવતા પ્લાનની જાહેરાત કરી છે. જૂના પ્લાનની સરખામણીમાં નવા પ્લાન આશરે ૪૨ ટકા મોંઘા છે. આ પ્લાન ૩ ડિસેમ્બરથી એટલે કે આવતીકાલી આખા દેશમાં ઉપલબ્ધ થશે.
એરટેલે પણ આવતીકાલના અમલમાં આવે એ રીતે મોબાઈલ અને ડેટા ચાર્જમાં દિવસે ૫૦ પૈસાથી ૨.૮૫ રૂપિયા વધારો કર્યો છે. કંપનીએ ૨ દિવસ, ૨૮ દિવસ, ૮૪ દિવસ અને ૩૬૫ દિવસની વેલિડિટી ધરાવતા નવા અનલિમિટેડ પ્લાન પણ શરૂ કર્યા છે. કુલ વધારો આશરે ૪૧.૧૪ ટકા જેટલો રહેશે.
એજીઆર પેટે સરકારને હજારો કરોડ રૂપિયા ચૂકવવાની સમસ્યાનો સામનો કરી રહેલી મોબાઇલ ઓપરેટર કંપનીઓ વોડાફોન આઇડિયા, એરટેલ અને રિલાયન્સ જિયોએ ટેરિફમાં ૪૦ ટકા જેટલો તોતિંગ વધારો કરવાની જાહેરાત ગઈકાલે કરી છે. વોડાફોન આઇડિયા લિમિટેડે આવતીકાલથી અમલમાં આવે એ રીતે મોબાઇલ સેવા અને ડેટાના દરમાં વધારો કર્યો છે. ગઈકાલે કંપનીએ કરેલી જાહેરાત મુજબ આ વધારો ૪૨ ટકા સુધીનો છે. રિલાયન્સ જિયોએ પણ ગઈકાલે જાહેરાત કરી હતી કે ૬ ડિસેમ્બરથી એના નવા વોઈસ અને ડેટા ટેરિફ અમલમાં આવશે અને આ વધારો ૪૦ ટકા જેટલો રહેશે. એરટેલે જણાવ્યું હતું કે મંગળવારથી અમલમાં આવે એ રીતે મોબાઈલ અને ડેટા ચાર્જમાં ૪૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
વોડાફોન આઇડિયા વોડાફોન સિવાયના બીજા નેટવર્ક પર કરવામાં આવતા ફોન માટે પ્રતિ મિનિટ ૬ પૈસાનો ચાર્જ પણ લેશે. આવો આઉટગોઇંગ ચાર્જ રિલાયન્સ જિયોએ લેવાની શરૂઆત કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે હાલમાં જે અનલિમિટેડ કેટેગરીના પ્લાન છે એને ૩ ડિસેમ્બરથી નવા પ્લાન હેઠળ બદલી કરી દેવાશે અને બજારના પ્રતિભાવના આધારે નવા પ્લાન મૂકવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે, અનલિમિટેડ કેટેગરી હેઠળના પ્લાનમાં નિયત કરાયેલી સ્પીડ પર સીમિત ડેટા અને રોજ ૧૦૦ એસએમએસની મર્યાદા છે. ૩૬૫ દિવસના અનલિમિટેડ કેટેગરીના પ્લાનમાં સૌથી વધારે ૪૨ ટકા જેટલો મોંઘો થયો છે. પહેલાં એનો દર ૧,૬૯૯ રૂપિયા હતો પણ નવો દર ૨,૩૯૯ રૂપિયા છે. ૮૪ દિવસની વેલિડિટી વાળા પ્લાનનો દર ૪૫૮ રૂપિયાના સ્થાને ૫૯૯ રૂપિયા છે અને એમાં રોજ ૧.૫ જીબીની ડેટા ઓફર કરાશે. આમ આ પ્લાનમાં ૩૧ ટકાનો વધારો થયો છે.
વોડાફોન આઇડિયા પર આશરે ૧.૧૭ લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને એ કારણ આપીને થોડા સમય પહેલાં કંપનીએ મોબાઇલ કોલ અને ડેટા ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સપ્ટેમ્બર મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિકમાં કંપનીએ ૫૦,૯૨૧ કરોડ રૂપિયાની જંગી ખોટ કરી હતી. કંપનીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂના મુદ્દે આપેલા ચુકાદાના કારણે ખોટનો આંકડો વધી ગયો હતો. જ્યારે ભારતી એરટેલે ૩૦ સપ્ટેમ્બરે પુરા તા બીજા નાણાંકીય કવાર્ટરમાં ૨૩,૦૪૫ કરોડ રૂપિયાની ખોટ કરી હતી. ભારતી એરટેલ પર ૩૪,૦૪૫ કરોડ રૂપિયાનું દેવું છે. જેમાં લાયસન્સ ફી પેટે ૨૧,૬૮૨ કરોડ અને બીજી સેવા પેટે ૧૩,૯૦૪ કરોડ સરકારને ચૂકવવાના બાકી છે. જેની આ બન્ને કંપનીઓએ આ ભાવ વધારો ઝીંકવાનો નિર્ણય કર્યો હતો.