જમીન હડપ કરવા કારસો રચી પાઇપ અને ધોકા માર્યા: બે માસથી કિંમતી જમીન ખાલી કરાવવા ધાક ધમકી દીધી
શહેરના મનહર પ્લોટમાં આવેલા મંગળા રોડ પર આવેલી વડીલો પાર્જીત કરોડોની કિંમતની મિલકત હડપ કરવા વૃધ્ધા પર કુટુંબીજનોએ પાઇપ અને ધોકાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઘવાયેલા વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મનહર પ્લોટ શેરી નંબર ૧૨–૧૫ના ખૂણે આવેલા મકાનમાં રહેતા પૂષ્પાબેન લાલસીંગ સેંગરા નામના ૮૦ વર્ષના લોધા વૃધ્ધાને તેની વડીલો પાર્જીત મિલકતના પ્રશ્ને ચંદ્રસિંગ મોહનીસિંગ સેંગરા, ગીરજાબેન, જયેશભાઇ, રોશનીબેન, પ્રિતેશભાઇ, દેવ્યાનીબેન અને જીજ્ઞેશ બગથરીયા સહિતના શખ્સોએ પાઇપ અને ધોકાથી માર મારતા વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
પૂષ્પાબેન સેંગરા સાથે કુટુંબીજનોને મિલકતના પ્રશ્ને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બપોરે પૂષ્પાબેન સેંગરા પોતાના ઘરે હતા ત્યારે તેના પર હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જયેશ લોધાના મિત્ર જીજ્ઞેશ બગથરીયાએ જમીન પોતાને જોતી હોવાનું કહેતા જયેશ લોધાએ પૂષ્પાબેન મકાન ખાલી કરે તો મેળ પડે તેમ હોવાનું જણાવતા તમામે પ્લાન બનાવી હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે પુષ્પાબેન સેંગરાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથધરી છે.