મગફળીની આવકમાં ઘટાડો થતા સિંગતેલના ભાવ સળગ્યા: સાઇડ તેલના ભાવ સ્થિર
તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ ફરી જાણે તેલીયા રાજાઓએ ખેલ પાડવાનું શરૂ કરી દીધુ હોય તેવું લાગી રહ્યું છે. સિંગતેલના ડબ્બાના ભાવ ફરી રૂા.3 હજારને પાર થઇ ગયા છે. કપાસિયા, પામોલિન અને સન ફ્લાવર ઓઇલ સહિત સાઇડના તમામ તેલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી નથી.
સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી વધારો થઇ રહ્યો છે. બ્રાન્ડેડ સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવ રૂા.3 હજારની પાર થઇ ગયા છે. જ્યારે લોકલ અથવા ઓછી જાણીતી બ્રાન્ડના સિંગતેલના ડબ્બાના ભાવમાં પણ 3 હજારની લગોલગ પહોંચી ગયા છે.
છેલ્લા એકાદ સપ્તાહમાં જ સિંગતેલના ભાવમાં 100 રૂપિયાથી વધુનો ભાવ વધારો નોંધાયો છે. જો કે કપાસિયા તેલ, પામોલીન તેલ અને સન ફ્લાવર ઓઇલના ભાવ સ્થીર છે. હાલ મગફળીની સિઝન પૂર્ણતાના આરે છે. નવી સિઝન નવરાત્રી બાદ શરૂ થશે. માંગના પ્રમાણમાં મગફળીની આવક ખૂબ જ ઓછી હોવાના કારણે સિંગતેલના ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે. આગામી દિવસોમાં પણ ભાવ વધારો સતત ચાલુ રહેશે. તહેવારોની સિઝન સમયે જ સિંગતેલના ભાવ સળગતા ગૃહીણીઓમાં નિરાશા વ્યાપી જવા પામી છે.