તકલીફ કોઈક ખૂબીનું સર્જન કરવા અને તકદીરના દરવાજા ખોલવા માટે જ આવે છે તેમ રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજે ગુરૂદેવ પ્રાણલાલજી મહારાજના સંયમ શતાબ્દી અવસરે યોજાયેલા સંયમ ગુણોત્સવમાં જણાવ્યું હતુ.
જેમના પુણ્યવંતા નામથી દેશના ખૂણે-ખૂણે વિચરણ કરી રહ્યાં છે અનેક અનેક સંત-સતીજીઓ અને જેમની એક પ્રેરણા વિરાટ આયોજનને મૂર્તિમંત કરવાનું સામર્થ્ય ધરાવતા હતા. એવાં હજારો હૃદયનાં પ્રાણ પરમ પ્રતાપી સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ સા.ની સંયમ શતાબ્દીનો અવસર, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સા.નાં સાંનિધ્યે સંયમ ગુણોત્સવ અર્પણ કરીને અત્યંત ભક્તિભાવે ઉજવાયો હતો.
અત્યંત પ્રભાવશાળીવ્યક્તિત્વ ધરાવતાં અનન્ય સિદ્ધપુરૂષ ગુરૂપ્રાણના ગુણમય જીવનથી પરિચિત થઈને એમને ગુણાંજલિ અર્પણ કરવાં અનેક ક્ષેત્રોમાં બિરાજમાન પૂજ્ય સંત-સતીજીઓ અને દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈ ગયાં હતાં.
ગુરૂ પ્રાણના અપ્રતિમ ગુણોનું અત્યંત હૃદયસ્પર્શી શૈલીમાં વર્ણન કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, જીવનમાં જ્યારે જ્યારે પણ કોઈ ખોટ આવે છે કે તકલીફ આવે છે ત્યારે ત્યારે કોઈક ખૂબીનું સર્જન અને તકદીરનાં દરવાજા ખોલવા માટે જ આવતી હોય છે, જે દરવાજા સફળતાની મંજિલ સુધી દોરી જતાં હોય છે. સુખ અને દુ:ખની ઘટમાળ સમા આ જીવનમાં સુખ હંમેશા સત્યથી દૂર લઇ જનારું હોય છે અને દુ:ખ સત્યની સમીપ લઈ જતું હોય છે. માટે જ પ્રભુને હંમેશા વિનંતી કરીએ કે જ્યાં સુધી સિધ્ધ ન બનીએ ત્યાં સુધી સંકટોની વચ્ચે રાખજે! જીવનમાં કંઇક પણ ગુમાવ્યા સમયે જો વિચારણાઓ ને સમ્યક્ બનાવીએ તો તે ગુમાવવાનો અવસર ગુણ પ્રાગટ્યનો અવસર બની જતો હોય છે.
જીવનમાં એક સૂત્ર કાયમ માટે યાદ રાખવાનું છે કે, જીવનનો કોઈ પણ સાથ કે સંગાથ કદી કાયમ નથી રહેવાનો. દરેક સાથ અશાશ્વતતાની મહોર લઈને જ આવતો હોય છે. જગતના દરેક સાથમાં કોઈકને કોઈક સ્વાર્થનો શ્વાસ સમાયેલો જ હોય છે.
અંતરની આંખ ઉઘાડી દેતાં પરમ ગુરુદેવનાં આ વચનો સાથે આ અવસરે વલસાડ મગોધથી સંપ્રદાયવરિષ્ઠા પૂજ્ય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીએ ગુરુ પ્રાણનાં સમગ્ર જીવનનું વર્ણન કરીને સહુને અહોભાવિત કરી દીધાં હતાં. એ સાથે જ ઘાટકોપરના શ્રી હિંગવાલા જૈન સંઘમાં બિરાજિત ડો. પૂજ્ય શ્રી જશુબાઈ મહાસતીજીએ ગુરુ પ્રાણના સંસ્મરણોને વાગોળીને એમનાં અપ્રગટ ગુણોને પ્રગટ કરીને સહુને વંદિત કરી દીધાં હતાં.પૂજ્ય શ્રી કૃપાબાઈ મહાસતીજીએ ગુરુ પ્રાણની ગુણ પ્રશસ્તિ કરી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુરુ પ્રાણના સંયમ શતાબ્દી અવસર નિમિત્તે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે જીવદયા – અનુકંપાની પ્રેરણા કરતા અનેક અનેક ભાવિકો મૃત્યુના મુખમાં જઈ રહેલા બળદોને બચાવવા માટે અનુદાન અર્પણ કરવા ભાવિત બન્યાં હતાં.આજના દિવસે પૂજ્ય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજીની 25મી દીક્ષા જયંતી અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે તેઓને આત્મહિત સાધીને સંયમ જીવન સાર્થક કરવાના મંગલ આશીર્વાદ આપ્યા હતા.
સૌરાષ્ટ કેસરી ગુરુ પ્રાણની સંયમ શતાબ્દીનાં સંસ્મરણો પ્રત્યે ભક્તિભાવ દર્શાવતાં દેશના ખૂણે-ખૂણે બિરાજમાન અનેક સંત – સતીજીઓ, દેશ – વિદેશના અનેક સંઘો, મહિલા મંડળ, યુવક મંડળોના હજારો ભાવિકો એક વર્ષમાં ગુરુ પ્રાણનાં ચરણમાં એક લાખ આઠ હજાર આયંબિલ તપ આરાધનાની અર્પણતાના વિરાટ તપોત્સવ આયોજનમાં જોડાવા સંકલ્પબધ્ધ બનતાં સર્વત્ર હર્ષ છવાયો હતો.