જૂનામાંકામાં રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં મેઘાણી ગીતો ગૂંજયા
ખ્યાતનામ લોક કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને હરિસિંહ સોલંકીએ રમઝટ બોલાવી
પ. પૂ. સમર્થ પ્રાગદાસબાપા ગોદડીયાની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે જૂનામાંકા (તા. હારીજ, જિ. પાટણ) ખાતે પ્રખર કથાકાર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રામમઢી (જૂનામાંકા) અને રામવાડી (જૂનાગઢ)ના પ્રેરક પ. પૂ. પ્રાગદાસબાપાએ આઝાદીની લડતમાં સક્રીય ભાગ લીધો હતો જે ખાસ ઉલ્લેખનીય છે.
પૂ. ભાઈશ્રીની શુભનિશ્રામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોના સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે કૃષ્ણભકિત અને મેઘાણી ગીતોની રમઝટ બોલાવીને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને ડોલાવી દીધા હતા.
જાણીતા હાસ્યકાર હરિસિંહ સોલંકીએ પોતાની આગવી શૈલીમાં સહુને મોજ કરાવી હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, પૂર્વ ગૃહ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી,પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ મેઘજી શાહ, પ.પૂ. પ્રાગદાસબાપાના પુત્ર અને આયોજક નારણભાઈ પટેલ (વેસ્ટર્ન એગ્રી સીડ઼્સ લિ.)ની વિશેષ ઉપસ્થિતિ હતી. પૂ. ભાઈશ્રીને પિનાકી મેઘાણીએ ઝવેરચંદ મેઘાણીનાં પુસ્તકો અને મ્યૂઝીક સીડી સાદર અર્પણ કર્યાં હતા. પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની વિવિધ પ્રેરક પ્રવૃત્તિઓ વિશે જાણીને પૂ. ભાઈશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો.