શ્રાવક-શ્રાવિકાઓ આરાધનાની સાથે આત્મહિત સાધી બન્યા અહંકારવિલીન
તપ, જપ, ત્યાગ અને આરાધના સાથે આજે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના બીજા દિવસે દેરાસર અને ઉપાશ્રયમાં રોશનીથી જગમગી ઉઠયા છે. શહેરના ઉપાશ્રય અને દેરાસરમાં રોશની, કમાન, શણગારથી દીપી ઉઠયા છે.
જૈનોમાં ભકિતભાવ અને ધર્માલ્લાસ જોવા મળી રહ્યો જિનાલયોમાં સવારે પ્રતિક્રમણ આરાધના તપ, જપ તેમજ રાત્રે ભકિતના સુર રેલાય રહ્યા છે. જેનો અંતરના આયના ને સાફ કરી અને અંતર નયન ખોળી ને આત્મસાધના કરવાના દિવસો છે. આઠ દિવસ પર્યુષણ પર્વની પરંપરા છે સતત 8 દિવસ સુધી તપ, આરાધના અને જપ કરી અહંકાર મુકિતનું સત્ય પ્રસારે ઉજવાયો પર્વાધિરાજ પર્વ
- મણિયાર દેરાસરમાં રિયલ ડાયમંડની આંગી
પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિતે ચૌધરી હાઇસ્કુલ પાસે આવેલ મણિયાર દેરાસરમાં ભગવાનને રિયલ ડાયમંડના અને સોના ચાંદીની આંગી કરવામાં આવી છે. આ આંગીમાં કરોડોની કિંમતના રિયલ ડાયમંડની આંગી કરવામાં આવી હતી. આ દેરાસર ખાતે પાર્શ્ર્વનાથદાદા આદેશવાર દાદા અને મનીભદ્ર વીરદાદા બિરાજે છે. તેઓને સોના-ચાંદી અને રિયલ ડાયમંડ ની આંગી કરી હતી અને આ આંગી ના દર્શન કરવા જૈનો તથા જૈનતરઓ ઉમટી પડયા હતા.
- ભગવાનને રેશમ, સોના-ચાંદીના બાડલાની આંગી ચઢાવવામાં આવી
પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં શહેરના વિવિધ દેરાસરોમાં રોજે ભગવાનને અલગ-અલગ આંગી ચઢાવવામાં આવતી હોય છે.જે અંતર્ગત શહેરની ભાગોળે આવેલા 75 વર્ષ જુના મણીયાર દેરાસર ખાતે બિરાજમાન ભગવાન ચિંતામણી પાર્શ્વનાથ,મણીભદ્ર દાદા તથા પદ્માવતીમાંને રેશમ, સોના-ચાંદીના બાડલાની આંગી ચઢાવવામાં આવી હતી.પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં સમગ્ર જૈન સમાજ ધર્મમય બની જાય છે.
ફુલો તથા કઠોળની રંગોળીથી માંડવી ચોક દેરાસર શોભી ઉઠ્યું
- પોતાના કરેલા કર્મોનું પ્રાયશ્ર્ચિત કરવું એ પર્યુષણ પર્વનું મહત્વ: દર્શનભાઈ વોરા
માંડવી ચોક દેરાસર ખાતે દર્શનભાઈ વોરાએ અબતક સાથે પર્યુષણ પર્વ નિમિતે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જૈન સમાજમાં આ પર્વનું મહત્વ ખુબજ વધુ છે, અને આ પર્વમાં લોકો પોતાના કરેલા કર્મોનું પ્રાયશ્ચિત પણ કરતા હોય છે. આ પર્વમાં લોકો વેર-ઝેર ભૂલી આધ્યાત્મિક આનંદનો લાભ પણ લોકો લ્યે છે. 196 વર્ષ જૂનું અને પ્રાચીન મંદિરમાં શુ પાર્શ્વનાથ દાદા, આદેશવાર દાદા અને મનીભદ્ર વીર દાદા બિરાજે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મહારાજ સાહેબની સૂચના મુજબ ભગવાનને અલગ અલગ આંગી કરવામાં આવતી હોય છે જેનો લાભ લેવા ખૂબ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહેતા હોય છે.
- દિવાલને રંગવાનું પર્વ દિવાળી, દિલને રંગવાનું પર્વ પર્યુષણ છે: ધીરગુરૂદેવ
પર્વાધિરાજ પર્યુષણ પર્વ દાન, શીલ, તપ, ભાવની પ્રેરણાનું પાર્થય લઇને પધર્યા છે. માત્ર પૈસાનું જ દાન નથી. દાનના અનેક પ્રકાર છે. જ્ઞાનદાન, સુપાત્ર દાન, ઉચિત દાન, અભય દાન, સમ્યગજ્ઞાન નો પ્રસાર શિક્ષણ સહાયતા જ્ઞાન દાન છે. ત્યાગી વૈરાગી સંત-મહંતોને અપાતું દાને સુપાત્ર દાન છે. પોતાના પરિવારના જરૂરીયાતવાળાને આપવું ઉચિત દાન છે અને જીવ માત્રને અભય આપવું તે અભય દાન છે.
શીલ એટલે સદાચારનું પાલન કરવું એ જ જીવનની મહત્તા છે. દુનિયા ચરણને નહિ આચરણને પૂજે છે આજે લોકોને કેસ્યિરની ચિંતા છે. પરંતુ કેરેકટરની ચિંતા કરશો તો કેરિયર આપો આપ બની જશે. જીવનમાં અસંયમ વધે નહિ તે અતિ જરુરી છે. બળાત્કારના કિસ્સાઓ વધતા જાય છે. આ બધાની પાછળ મુખ્ય કારણ અસંયમ છે. પ્રભુ મહાવીર કહે છે કે, જેના જીવનમાં સંયમ, નિયંત્રણ આવશે તે સદાચારી બન્યા વિના રહેશે નહીં.
તપ એટલે કાયાને કષ્ટ આપીને વિચારવાનું છે કે શરીર અને આત્મા એક નથી ભિન્ન છે. વેદના, અસાતા, દુ:ખ શરીરને છે. અમર આત્માને નહિ કોઇના પર તપવું નહિ તે પણ તપ જ છે. જૈન ધર્મમાં હજારો, લાખો ઉપવાસ (માત્ર પાણીના આધારે) થશે. વિલેપાર્લેમાં મોહનભાઇ જૈન પર પ1 ઉપવાસ કરી રહ્યા છે. પારલા (ઇસ્ટ) માંથી ચાલીને વેસ્ટમાં વિરાણી જૈન ધર્મ સ્થાનકમાં આવે છે. આનું નામ આત્માની શકિત ભૂખથી ઓછું ખાવું અથવા મર્યાદિત વસ્તુઓ લેવી તે પણ તપ છે. ભાવ એટલે વિચારોની શુઘ્ધિ આત્માની શુઘ્ધ, વિશુઘ્ધ-શુઘ્ધ પર્યાય “મધુવન ખુશ્બુ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ ચંદ્રમાં શીતલતા દેતા હૈ, પ્રભુ ! ભકિત કા વરદાન દેતા હૈ” જીવન ભકિતમય બનાવો. વિચારોની શુઘ્ધિ થયા વિના રહેશે નહિ. અરે ! શત્રુ પણ મિત્ર બન્યા વિના રહેશે નહિ. પ્રભુ મહાવીરના સમવસરણમાં જાતિ વૈર ભૂલાય જાય છે. સિંહની બગલમાં બકરી શાંતિથી બેસીને પ્રભુ ની વાણી સાંભળતી હોય છે. આજનો માનવી કામ ઘણા કરે છે પણ ભાવોની વિચારોની શુઘ્ધિના અભાવે સુખી બની શકતો નથી. આવો આપણે દિલને રંગી લઇએ.જૈન ધર્મનો લોકજીભે ગવાતો દોહરો ઘણું કહી જાય છે.”દાન, શિયલ, તપ ભાવના, ધર્મના ચાર પ્રકારકરો, આરાધો ભાવથી ઉતરશો ભવપાર’