યાત્રિકો અને પ્રવાસીઓને યાત્રા સ્મરણીય બનાવવા સોમનાથ ટ્રસ્ટની તડામાર તૈયારી
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દિપાવલીના તહેવારોમાં યુનિક રંગોળીઓથી દેશ-વિદેશના યાત્રિકો-પ્રવાસીઓને આવકારવા સજ્જ થઇ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહોમાં વેસ્ટમાંથી બેસ્ટના અભિનવ પ્રયોગથી રંગોળીઓ બનાવવામાં આવે છે. જેમાં સોમનાથના દરિયા કિનારે બનતી બોટોના લાકડાના વ્હેરને કલરથી રંગીએ વ્હેરની જ રંગોળી બનાવાય છે.
ધનતેરસના બીજા દિવસથી ટ્રસ્ટ અતિથિગૃહો લીલાવંતી, માહેશ્ર્વરી, વીઆઇપી, સાગર દર્શન, ડોરમેટરીના ભવનમાં સંસ્થાના જ ગેસ્ટ હાઉસ કેર ટેકરો, ગેસ્ટ હાઉસ સુપરવાઇઝરો, સ્ટાફ આ બધા 14 / 14 ની વિશાળ રંગોળી ડીઝાઇન ચોકથી દોરી તે ડીઝાઇન ઉપર વ્હેરના રંગનો ભુક્કો કલર તરીકે ગણી રંગોળી બને છે.
આ વ્હેર ઉડે નહીં તે માટે ખાસ તકેદારી લેવાય છે. જેથી ફેવીકોલ અને પાણી મિશ્રીત કરી બની ગયેલ રંગોળી ઉપર સ્પ્રેથી છાંટવામાં આવે છે. ફેવીકોલ-પાણીનો ભાગ સુકાયા બાદ તેની ચમક માટે રાંધણમાં વપરાયેલું વેસ્ટ તેલનો સ્પ્રે કરે છે. જેથી વધુ ચમક આવે એટલું જ નહીં રંગોળીના અમુક અંશો ઉપર ગોલ્ડન-સીલ્વર ઝરીનો છંટકાવ કરવામાં આવે છે. આ રંગોળી દસ દિવસ સુધી ટકી રહે છે અને એવીને એવી જ ચમક જળવાઇ રહે છે. રંગોળી બનાવતાં અંદાજે 8 કલાક લાગે છે.
આમ બોટ બનાવતાં નીકળતો લાકડાનો વ્હેર વેસ્ટમાંથી બેસ્ટ આકૃતિ સાકાર પામે છે અને સોમનાથ ટ્રસ્ટના સ્ટાફમાં પારિવારિક ભાવના ખીલે છે અને તેઓની સુષુપ્ત કલાશક્તિ સર્જન કરી શકે છે તેવી પ્રેરણા સૌને મળે છે.