- ચૂંટણી વર્ષમાં વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ
- નવો ઝોન, કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો, નવી કોમ્યુનિટી હોલ, બ્રિજ, વ્હાઇટ ટોપિંગ સેલ સહિતની મહત્વપૂર્ણ યોજનાઓની ઘોષણા
Rajkot News
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2024-2025નું રૂ.2843.52 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં કમિશનરે સૂચવેલો રૂ.17.77 કરોડનો કરબોજ નામંજૂર કરવામાં આવ્યો છે. બજેટના કદમાં પણ 25.71 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટને કોર્પોરેશનનો દરજ્જો મળ્યાને 50 વર્ષ પૂર્ણ થયા છે. આ સુવર્ણ અવસરને ધ્યાનમાં રાખી બજેટમાં 50 કરોડ રૂપિયાની નવી 18 યોજનાઓની જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવી છે.
જેમાં સાઉથ ઝોન બનાવવા માટે રૂ.6 કરોડ, કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો કરવા રૂ.3.60 કરોડ, વોર્ડ નં.16માં દેવપરા 80 ફૂટ રોડથી આજી-જીઆઇડીસી તરફ જતા રોડને જોડવા નદી પર બ્રિજ બનાવવા રૂ.4 કરોડ, વોર્ડ નં.11, 18 અને માધાપર કોમ્યુનિટી હોલ બનાવવા અને વોર્ડ નં.6માં મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવિનીકરણ કરવા રૂ.5 કરોડ, શાળા નં.1 તથા શાળા નં.51ને મોડેલ સ્કૂલ બનાવવા માટે રૂ.2 કરોડ, ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીને કોર્પોરેશન હસ્તકની જગ્યામાં શિફ્ટ કરી નવું બાંધકામ કરવા રૂ.3 કરોડ, આંગણવાડીઓમાં વોટર કૂલર અને વોટર ક્યુરીફાયર તથા સબર્સીબલ પંપ મૂકવા રૂ.2.10 કરોડ, માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમનું નવિનીકરણ કરવા રૂ.1.50 કરોડ, વાઇટ ટોપિંગ રોડ માટે રૂ.3.50 કરોડ, સોલાર રૂફટોફ માટે રૂ.2.50 કરોડ, આધુનિક વોર્ડ ઓફિસ માટે રૂ.1.80 કરોડ, નવા સ્મશાન માટે રૂ.1.50 કરોડ, પાર્ટી પ્લોટ બનાવવા માટે રૂ.1.50 કરોડ, વોંકળા પાક્કા કરવા માટે રૂ.3.50 કરોડ, મહિલા હોર્ક્સ ઝોન માટે રૂ.1.50 કરોડ અને વોર્ડ નં.3માં નવા ભળેલા વિસ્તારમાં લાયબ્રેરી બનાવવા માટે રૂ.1 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનશે: મહિલાઓ માટે હોર્ક્સ ઝોન માટે રૂ.1.50 કરોડની ફાળવણી
સેન્ટ્રલ ઝોનમાં જામનગર રોડ પર, વેસ્ટ ઝોનમાં મવડી-કણકોટ રોડ અને ઇસ્ટ ઝોનમાં મોરબી રોડ જકાતનાકા પાસે પાર્ટી પ્લોટ નિર્માણ પામશે
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા બજેટમાં રાજકોટવાસીઓ માટે ત્રણેય ઝોનમાં એક-એક પાર્ટી પ્લોટ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. જેના માટે રૂ.1.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટી માટે ટીપી સ્કિમ નં.9ના 10,158 ચોરસ મીટરના પ્લોટ પર, વેસ્ટ ઝોનમાં મવડી-કણકોટ રોડ પર સેક્ધડ રીંગ રોડ પીરામીડ પાર્ટી પ્લોટની પાછળ મવડી ટીપી સ્કિમ નં.28ના 9,678 ચોરસ મીટરના પ્લોટમાં અને ઇસ્ટ ઝોનમાં મોરબી રોડ જકાતનાકા પાસે ટીપી સ્કિમ નં.12ના 4,189 ચોરસ મીટરના પ્લોટ પર પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રણેય ઝોનમાં નવા મહિલા હોર્ક્સ ઝોન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા-68, 70 અને 71માં મહિલા હોર્ક્સ ઝોન માટે રૂ.1.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.