અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનું શનિવારે સમાપન થશે. જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધજા ચઢાવશે. મેળાના છઠ્ઠા દિવસે શુક્રવારે રાજ્યાન ખૂણે ખૂણેથી પહોંચેલા બે લાખથી વધુ ભક્તો મા અંબાના ધામમાં પહોંચ્યા હતા. અનેક સંઘોએ લાંબી લાંબી ધજાઓ સાથે માના ધામમાં શિશ નમાવ્યું હતું. છઠ્ઠા દિવસે બપોર બાદ ત્રિશૂળિયા ઘાટ રોડ પર પદયાત્રીઓની સંખ્યા નહિવત જોવા મળી હતી. અલબત્ત પૂનમિયા સંઘો જય અંબેના જયઘોષ સાથે અંબાજી પહોંચી ગયા હતા.
અંબાજી ભાદરવી મહાકુંભ પ્રસંગે માઇભક્તો દ્વારા 115.15 ગ્રામ સોનું દાગીના અને વિવિધ સ્વરૂપે માતાજીને ધરાવાયું છે. મુંબઇના મધુકુમાર ભરતકુમારે 60 ગ્રામ સોનાનો હાર તથા બાજુબંધ માતાજીને ધરાવ્યા છે. જેની કિંમત રૂ.બે લાખ થાય છે. ચોકારી (તા.પાદરા, જિ.વડોદરા)ના અર્જુનસિંહ ગણપતસિંહ પઢિયારે માતાજીને 30.30 ગ્રામ સોનાની ચરણપાદુકા ધરાવી જેની કિંમત રૂ.1,04,501 થાય છે. પટેલ શૈલેશકુમાર મહેન્દ્રભાઇ સણાદરા (તા. ગલતેશ્વર, જિ.ખેડા) તરફથી 1.25 ગ્રામ સોનાની નથ માતાજીને ધરાવી છે. જેની કિંમત રૂ.3850 છે. ઉપરાંત, અન્ય માઇભક્તો દ્વારા 23 ગ્રામ સોનાની લગડીઓ ધરાવાઇ છે.