રિયલ ડાયમંડ, રોઝ ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ, પ્લેટિનમ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું
અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજ એ ભારતમાં ઉનાળાની સીઝનમાં આવતો મુખ્ય તહેવાર છે. અક્ષય તૃતીયાનું ઘણું ધાર્મિક મહત્વ છે અને આ સોનું, ચાંદી, કિંમતી દાગીના, વાહનો અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ તહેવાર હિન્દુ અને જૈન ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે અને સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. હિન્દુ વૈદિક પંચાગ મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજના દિવસે ઉજવાય છે. આ વખતે અક્ષય તૃતીયા 22 એપ્રિલ એટલે કે આજે ઉજવવામાં આવ્યો છે.
ધન વૃદ્ધિ અને ધન સમૃદ્ધિ આપનારી અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું પવિત્ર પર્વ ઉજવાઇ રહ્યું છે. જેને લઈને લાંબા સમય બાદ સોની બજારમાં ચમકનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના વધી રહેલા ભાવના કારણે સોની બજારમાં આવેલા મંદીના માહોલમાં અખાત્રીજનો અવસર હવે રોનક લાવશે. હાલમાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી લોકો સોનું ખરીદવાનું લગભગ ટાળતા હતા પરંતુ આગામી માસથી ફરી લગ્નસરાની સિઝન પણ જામશે.
તેથી સોની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાંય અખાત્રીજને લઇને સોના -ચાંદીના સિક્કા અને લગડીના ઓર્ડર મળવા લાગતાં સોની બજારના વેપારીઓને હાશકારો થયો છે.
અખાત્રીજ સાથે અનેક પૌરાણિક માન્યતાઓ પણ જોડાયેલી છે.
આ વર્ષે અખાત્રીજના દિવસે ગુરુ રાશિ પરિવર્તન કરશે. સામાન્ય રીતે અખાત્રીજ પર સોનું, ચાંદી, વાહન, મકાન, દુકાન, ફ્લેટ કે પ્લોટ સહિતની વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. પરંતુ આ દિવસે સોનું ખરીદવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેના લીધે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સોના જેવી ધાતુઓના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે.
વાઈટ ગોલ્ડ,રોઝ ગોલ્ડ સહિતના આભૂષણો પ્રત્યેનું આકર્ષણ વધ્યું: મનોજભાઈ રાણપરા
અબતક સાથેની વાતચીતમાં એમ.જે.આર. જ્વેલર્સના સ્થાપક અનુજભાઈ રાણપરા જણાવે છે કે,અખાત્રીજના દિવસે ઘરેણા આભૂષણો ખરીદવા માટેનું હંમેશા શુભ મુહૂર્ત જ હોય છે તથા રોકાણની દ્રષ્ટિએ જોઈએ તો પણ સોનું એક ઉત્તમ વસ્તુ કહી શકાય.આજરોજ ગોલ્ડ કોઇનની ખરીદી વધારે છે તે ઉપરાંત વાઈટ ગોલ્ડ,રોઝ ગોલ્ડ, લાઈટ વેટ કલેક્શન પણ ખૂબ વધારે ખરીદી જોવા મળી રહી છે.અમારે રીયલ ડાયમંડ અને વેડિંગ કલેક્શનનું કામ છે જેની રેન્જ 50 હજારથી શરૂ થઈ જાય છે તથા તેના સિવાય પણ ઘણા આભૂષણોની વેરાઈટી અમારી પાસે છે.
ગ્રાહકોને ઉડીને આંખે વળગે તેવી આભૂષણોની વિશાળ રેન્જ મલબાર ગોલ્ડ ખાતે ઉપલબ્ધ: વિજય મુલચંદાણી
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ યાજ્ઞિક રોડ બ્રાન્ચના મેનેજર વિજય મુલચંદાણી અબતકને જણાવે છે કે, આજરોજ અક્ષય ત્રિતિયાના પર્વ પર લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડમાં ખૂબ વિશાળ રેન્જ અત્યારે ગ્રાહકોને જોવા મળશે.એથેનિક્સ કલેક્શન,માઇનિંગ કલેક્શન વગેરે ખૂબ મોટા પ્રમાણમાં સ્ટોક છે.હાલ લોકો વાઈટ ગોલ્ડ તથા લાઇટ વેટ જ્વેલરીમાં વધુ ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે તથા આજરોજ અખાત્રીજના પાવન અને શુભ પર્વ પર લોકો ખૂબ ખરીદી કરી રહ્યા છે.
અખાત્રીજના શૂભ મુહુર્તે અનેક પ્રકારના આભૂષણોની ખરીદી કરતા ખરીદદારો
અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ગ્રાહક સમીરભાઈ વ્યાસ જણાવે છે કે,આજરોજ અખાત્રીજનો પાવન અને શુભ દિવસ છે જેથી લોકો અલગ અલગ વસ્તુઓની આ પાવન દિવસના વણજોયા મુહૂર્તમાં ખરીદી કરતા હોય છે. તથા આજરોજ હું ચેન,પેન્ડન્ટ તથા ચેનની ખરીદી માટે આવ્યો છું તથા યુવાનોમાં ચેન, રિંગ, માળા વગેરેનો ક્રેઝ હાલ જોવા મળી રહ્યો છે.વ્હાઇટ ગોલ્ડ,રોઝ ગોલ્ડ, રીયલ ડાયમંડની પણ ઘણી વેરાઈટીમાં લોકો આજરોજ ખરીદી કરી રહ્યા છે.