સનાતન ધર્મમાં આસો મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં સનાતન ધર્મમાં માનનારા લોકો દ્વારા ઘણા ત મોટા તહેવારો ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ભૂત ચતુર્દશી કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તારીખે ઉજવવામાં આવે છે, જેને નરક ચતુર્દશી અથવા નાની દિવાળી અને કાળી ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂત ચતુર્દશી દિવાળીના એક દિવસ પહેલા આવે છે.
દુષ્ટ શક્તિઓનો પ્રભાવ વધુ હોય છે
જો કે, નામ જ સૂચવે છે કે, આ તહેવાર ભૂત ચતુર્દશીના દિવસે ભૂત કે આત્માઓ સાથે સંકળાયેલો તહેવાર છે. આ દિવસે અને રાત્રે તંત્ર વિદ્યા શીખનારા લોકો અલગ-અલગ ઉપાય કરે છે. એવું માનવામાં આવે છે કે તંત્ર સાધના દ્વારા તાંત્રિકો ભૂતોને બોલાવે છે, એટલું જ નહીં, આ કારણે આ સમગ્ર પ્રવૃત્તિને ભૂત ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. ભૂત ચતુર્દશીની રાત્રે પિતૃઓના નામના 14 દીવા પ્રગટાવવામાં આવે છે. કહેવાય છે કે, આ રાત્રે અશુભ શક્તિઓ વધુ પ્રબળ હોય છે અને આ દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે તંત્ર વિદ્યા શીખતા લોકો 14 દીવા પ્રગટાવે છે.
કાલી ચૌદસનું શું મહત્વ છે
ભૂત ચતુર્દશીનો તહેવાર ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે યમના નામનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે અને આ દિવસે અનેક તંત્ર વિદ્યા શીખનારા લોકો પોતાના તંત્ર-મંત્રોનું પ્રદર્શન પણ કરે છે. એટલું જ નહીં, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં આ દિવસે કાલી માની પૂજા કરવાની પરંપરા પણ છે. તંત્ર શાસ્ત્રના અભ્યાસુઓ પણ મહાકાળીના અભ્યાસને સૌથી વધુ અસરકારક માને છે. એવું કહેવાય છે કે દેવી કાલીનું પૂજન કરવું એ દુષ્ટ આત્માઓની છાયાથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.
કાળી ચૌદશની રાતે કાળી વિદ્યા જાણનાર તાંત્રિકો કાળી વિદ્યામાં મહારથ મેળવવા પૂજા અર્ચના કરતા હોય છે, પણ ડીસાના સ્મશાનમાં કાળી ચૌદશની રાતે માત્ર સુખ શાંતિ અને લોક કલ્યાણ માટે પૂજા કરવામાં આવે છે. છેલ્લા 22 વર્ષથી આ પૂજા કરવાની પરંપરા યથાવત છે.
આમ તો, બનાસકાંઠાના ડીસામાં આવેલું સ્મશાન ગૃહ રાત્રિના સમયે ખાલીખમ હોય છે, પરંતુ કાળી ચૌદશની કાળી રાતે અહીં ચહલપહલ વધી જાય છે. રાત્રે 12 વાગે ભૂવાઓ અને તાંત્રિકોની પૂજા અર્ચના શરૂ થઈ જતી હોય છે.
મસાણીયા વીરના મંદિરે થાય છે કાળી ચૌદશના રાતે પૂજા
માન્યતા અનુસાર, તાંત્રિકો વશીકરણ અને દુશ્મનો ઉપર વિજય મેળવવા તેમજ ધાર્યું કામ પાર પાડવા વિવિધ વિધિઓ કરતા હોય છે. અમુક પાખંડી ભૂવાઓ ભોળા લોકોને છેતરીને પૈસા પણ ખંખેરી લેતા હોય છે. જાણીને આશ્ચર્ય થાય કે, ડીસાના એક સ્મશાન ગ્રુહમાં માત્ર સુખ શાંતિ અને લોક કલ્યાણ માટે પૂજા કરવામાં આવે છે. આ સ્થળે મસાણીયા વીરનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ અને પૂજારીઓ મધરાતે મદિરા સહિતની સામગ્રીઓ અર્પણ કરીને પ્રાર્થના કરે છે.
સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે હવન
સ્મશાનમાં હવન કરાવનારએ જણાવ્યું હતું કે, ડીસાના સ્મશાનમાં કાળી ચૌદશની રાતે છેલ્લા 22 વર્ષથી 20થી 25 લોકો રાત્રિના 12 વાગ્યા બાદ સ્મશાનમાં ભેગા થાય છે. આ લોકો સ્મશાનમાં જઈને ઘરમાં સુખ શાંતિ રહે તે માટે, પિતૃઓની યાદ માટે અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય તે માટે હવન કરે છે અને પવિત્ર સાધના કરે છે. આ સ્થળે કોઈપણ બલિ આપવામાં આવતી નથી. માત્ર કોપરાની મદદથી જ હવન કરવામાં આવે છે.
લોકો મેળવી રહ્યા છે મનની શાંતિ
કાળી ચૌદશની રાત્રે આ સ્થળે અનોખી રીતે પવિત્ર પૂજા થાય છે. ડીસામાં આવેલા સ્મશાન ગૃહમાં આવતા સાધકો અને શ્રદ્ધાળુઓ માત્રને માત્ર પવિત્ર સાધના થકી મન અને પરિવારની શાંતિ મેળવી રહ્યા છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો જ્યોતિષશાસ્ત્રની સામાન્ય જાણકારી તથા ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. અબતક મીડિયા તેની પુષ્ટિ કરતું નથી.)