જામનગરના બેડી વિસ્તારમાં પુત્રવધૂને તેડવા ગયેલા સાસુ પર વેવાઈ પક્ષના ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. જ્યારે ગાડામાર્ગના મામલે બબરજરમાં એક મહિલા સહિતના સાત શખ્સોએ માર માર્યો હતો.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલા ખાતુન-એ-જન્નત ચોકમાં રહેતા આઈશાબેન કરીમભાઈ સોઢા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધા ગુરૃવારે સાંજે બેડીના આઝમ ચોકમાં રહેતા પોતાના વેવાઈને ત્યાં ગયા હતા.
આ વૃદ્ધાએ પોતાના પુત્રવધૂ કે જેઓ હાલમાં માવતરે રિસામણે આવ્યા છે તેઓને લેવા આવ્યા હોવાનું કહ્યું હતું, પરંતુ વહુને મોકલવામાં આવ્યા ન હતા ત્યાર પછી ઘેર પરત ફરેલા આઈશાબેન પર સામા પક્ષના ઈસુફ આમદ ખોળ, આમદ ઈસુફ, જાફર ગની કકલ, અનવર ગનીએ ઘરમાં ઘૂસી પાઈપ વડે હુમલો કર્યો હતો અને તેણીના વાળ પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો જેની આઈશાબેને ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લાલપુર તાલુકાના બબરજર ગામમાં મોતીબેન ભીમશીભાઈ નંદાણિયાના પરિવારને કાળુભાઈ રામશીભાઈ નંદાણિયા સાથે બાજુના ખેતર પાસેથી નીકળતા ગાડામાર્ગ અંગે બોલાચાલી થઈ હતી તે બાબતનો ખાર રાખી કાળુ, રાજશી રામશી, બાબુ માલદે, ગોવિંદ માલદે, માલદે જીવા, ભીમા મેરામણ, ભીખુ વેજા, વેજા જીવા નામના આઠ શખ્સોએ ગુરૃવારની રાત્રે મોતીબેનના ખેતરમાં પ્રવેશ કરી પાઈપ વડે હુમલો કરી મોતીબેનનો હાથ ભાંગી નાખ્યો હતો, વચ્ચે પડનાર ગોવિંદભાઈ સહિતના વ્યક્તિઓને પણ ધોકાવવામાં આવ્યા હતા. લાલપુર પોલીસે ગુન્હો નોંધ્યો છે.