ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી મોંઘાદાટ દારૂનો જથ્થો પકડી પાડ્યો: દારૂ મંગાવનાર બૂટલેગરની શોધખોળ
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા ઓડી કારના શો-રૂમની બાજુમાં આવેલા ડેલામાંથી મોંઘીદાટ વિદેશી દારૂ-બિયર રૂા.૨.૧૬ લાખનો જથ્થો ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી ઝડપી લઈ બે શખ્સોની ધરપકડ કરી છે. ડેલામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ શહેરની ભાગોળે આવેલા કુવાડવા રોડ વિસ્તારમાં વિદેશી દારૂની પ્રવૃતિને નેસ્તનાબૂદ કરવા અને નાસ્તા ફરતા આરોપીઓને શોધવા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવીની સુચનાી પીએસઆઈ એચ.બી.ધાંધલીયા, હેડ કોન્સ. રાજેશભાઈ, પ્રદિપસિંહ, કોન્સ્ટેબલ રઘુવીરસિંહ, સિધ્ધરાજસિંહ, શક્તિસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. રાજેશભાઈ અને રઘુવીરસિંહને મળેલ ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે કુવાડવા રોડ પર આવેલા ઓડિ કારના શોરૂમની બાજુમાં આવેલા ડેલામાં દરોડો પાડતા દૂધસાગર રોડ પર રિધ્ધી-સિધ્ધી સોસાયટી, ગુજરાત હાઈસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતો ફારૂક ગફાર ભેટ અને સિકંદર યુસુફ ચૌહાણ નામના બે શખ્સો પાસેથી મોંઘીદાટ વિદેશી દારૂ, બીયરનો રૂા.૨,૧૬,૫૪૦નો જથ્થો મળી આવતા પોલીસે બન્ને શખસોની ધરપકડ કરી દારૂ-બીયરનો જથ્થો કબજે કર્યો હતો.
ડેલામાં વિદેશી દારૂનો જથ્થો એક નામચીન બુટલેગરે મંગાવ્યા હોવાની પોલીસને શંકા જતા ઝડપાયેલા બન્ને શખસોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.