ગઈકાલે રાત્રે બ્રેઈન હેમરેજ થતા સિર્નજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા: હાલ તબિયત ચિંતામુકત: શુભેચ્છકોને ચિંતા કરવા યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગરની અપીલ

 

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને શહેર ભાજપ અગ્રણી હરીભાઈ વાલાભાઈ ડાંગરને ગઈકાલે રાત્રે બ્રેઈન હેમરેજની અસર થતાં તાત્કાલિક શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી સિર્નજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ હરી વાલાની તબિયત સુધારા પર છે. શુભેચ્છકોને ચિંતા ન કરવા માટે યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર દ્વારા અપીલ કરવામાં આવી છે.

વોર્ડ નં.૧૩ની પેટાચુંટણી અંતર્ગત ગઈકાલે રાત્રે કોર્પોરેટર જયાબેન ડાંગર અને પૂર્વ કોર્પોરેટર હરી વાલા ડાંગરના નિવાસ સ્થાને મહિલાઓની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સંબોધન દરમિયાન અચાનક હરિ વાલા ડાંગરને ચકકર આવતા તેઓએ આ વાત પોતાના પુત્ર શૈલેષભાઈ ડાંગરને કરી હતી. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ગાડીમાં તેઓની તાત્કાલિક દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી સિર્નજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે રાત્રે જ હરી વાલા ડાંગરની તબિયતની પુચ્છા કરી હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મહિલા ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી સહિતના ભાજપના આગેવાનો સતત હરી વાલા ડાંગરના પુત્ર શૈલેષ ડાંગર સાથે સંપર્કમાં છે અને તબિયત અંગે રજેરજની વિગત મેળવી રહ્યા છે.

દરમિયાન બપોરે ‘અબતક’ સાથેની વાતચીતમાં યુવા ભાજપ અગ્રણી અને હરી વાલા ડાંગરના પુત્રના શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, હાલ બાપલીયાની તબિયત સતત સુધારા પર છે. તેઓને આઈસીયુમાં ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે અને અત્યાધુનિક સારવાર આપવામાં આવી રહી છે. બાપાના શુભેચ્છકો અને ચાહકો તથા શહેર ભાજપના કાર્યકરોને ચિંતામુકત રહેવા માટે શૈલેષભાઈએ અપીલ કરી છે. શુભેચ્છકો અને ચાહકોમાં બાપલીયાના નામથી જાણીતા હરી વાલાને બ્રેઈન હેમરેજ થયા હોવાની જાણ થતા ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે જોકે આજે તેઓની તબિયતમાં સુધારો આવતા ભાજપના કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.