મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત
તમામ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં ખાસ ઝુંબેશ ચાલી: ચુંટણી વિભાગને કુલ ૧૨,૯૬૫ ફોર્મ મળ્યા
મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે રવિવારે ખાસ ઝુંબેશ યોજાઈ હતી. તમામ મતદાન મથકો ખાતે યોજવામાં આવેલી આ ઝુંબેશમાં કુલ ૭૧૩૫ યુવાનોએ મતદાર બનવા માટે અરજી કરી હતી. ચુંટણી વિભાગને કુલ ૧૨,૯૬૫ ફોર્મ મળ્યા હતા. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ખાસ ઝુંબેશનાં પ્રથમ રવિવારની કામગીરી પૂર્ણ થઈ હતી.
ચુંટણીપંચ દ્વારા આગામી ૧૫ ડિસેમ્બર સુધી મતદાર યાદી સંક્ષીપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તમામ લગત મામલતદાર સહિતની કચેરીઓમાં મતદાર યાદીની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે ૨૨ અને ૨૯ નવેમ્બર અને ૬ તથા ૧૩ ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે રવિવારે શહેર-જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર ચૂંટણીકાર્ડની કામગીરી કરવામા આવી હતી.
રવિવારે તમામ મતદાન મથકો ઉપર ચૂંટણી કાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા તથા સુધારા-વધારાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં ૭૧૩૫ ફોર્મ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે મળ્યા છે જયારે નામ કમી કરવા માટે ૨૩૯૪ ફોર્મ નં.૭ મળ્યા છે. સરનામા સિવાયનાં સુધારાઓ માટે ૨૪૦૦ જેટલા ફોર્મ નં.૮ મળ્યા છે અને સરનામા સુધારા માટે ૧૦૩૬ જેટલા ફોર્મ નં.૮ ક મળ્યા છે. આમ કુલ ૧૨,૯૬૫ ફોર્મ ચુંટણી વિભાગને મળ્યા છે. વિધાનસભા બેઠક વાઈઝ મળેલા ફોર્મની વિગતો જોઈએ તો ૬૮ રાજકોટ-પૂર્વમાં ૧૫૬૦ ફોર્મ, ૬૯ રાજકોટ પશ્ર્ચિમમાં ૧૮૮૭ ફોર્મ, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૧૪૩૮ ફોર્મ, ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૨૨૬૬ ફોર્મ, ૭૨ જસદણમાં ૧૦૨૩ ફોર્મ, ૭૩ ગોંડલમાં ૧૫૫૦ ફોર્મ, ૭૪ જેતપુરમાં ૧૫૮૧ ફોર્મ અને ૭૫ ધોરાજીમાં ૧૬૬૦ ફોર્મ ચુંટણી વિભાગને મળ્યા છે.