શિવમંદિરોમાં દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી: બમ બમ ભોલે…. હર હર મહાદેવ…. જય ભોલેનાથના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યાં
ભગવાન ભોળાનાથની ભકિતના માસ તરીકે ઓળખાતા શ્રાવણ માસનો પ્રારંભ રવિવારથી થયો છે. સમગ્ર સૌરાષ્ટ્રના શિવાલયો શ્રાવણના પ્રથમ સોમવારે શિવભકતોથી ઉમટી પડયા હતા. આજે વહેલી સવારથીજ ઝરમર ઝરમર વરસાદ વરસતાની સાથે જ શિવાલયોમાં મહાદેવના ભકતોની લાંબી કતાર જોવા મળી હતી.બમ બમ ભોલે… હર હર મહાદેવ… જય ભોલેનાથના નાદ સાથે શિવાલયો ગૂંજી ઉઠ્યા હતા રાજકોટમાં જાણીતા શિવમંદિરો પૈકી જાગનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ.. પંચનાથ મહાદેવ અને મહાકાલેશ્વર મહાદેવ સહિતના સ્થળોએ વહેલી સવારથી જ દર્શનાર્થી ભકતોની ભીડ જોવા મળી હતી. ભકતોએ સવારે આરતી સાથે રૂદ્રાભિષેક, દુગ્ધાભિષેક, બિલ્વાભિષેક સાથે મૃત્યુંજય મહામંત્રના જાપ કરી ભગવાન શિવજીની પુજા કરી હતી. શ્રાવણ માસના પ્રારંભે વરસાદી માહોલ સર્જાતા સારા વરસાદની આશા બંધાઈ છે. શ્રાવણના પ્રથમ સોમવારે હજારો શિવભકતોએ શ્રાવણ મહિનામાં મેઘ મહારાજની કૃપા વરસે તેવી પ્રાર્થના કરી હતી.રાજકોટ સહિત જૂનાગઢ, જામનગર, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, ગોંડલમાં શ્રાવણના પ્રથમ સોમવારે સર્વત્ર ભકિતસભર વાતાવરણ જોવા મળ્યું હતુ. આ ઉપરાંત સોમનાથ મહાદેવના બિલ્વાભિષેક દર્શન માટે ભાવિકોની ભારે ભીડ લાગી હતી.