વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન નિધિ યોજના હેઠળ 10મો હપ્તો જાહેર કર્યો
વર્ષ 2022ના નવા વર્ષના પહેલા દિવસે પીએમ મોદીએ સંબોધન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને નવા વર્ષના પ્રથમ દિવસે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ કિસાન નિધિ યોજના હેઠળ 10મો હપ્તો જાહેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી છે. આ સાથે પીએમ મોદીએ લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડી, તેનાથી 1.24 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર હતા.
પીએમ કિસાન યોજના માત્ર સૌથી વધુ સંવેદનશીલ ખેડૂત પરિવારોને પૂરક આવક સુનિશ્ચિત કરતી નથી પણ ખાસ કરીને લણણીની ઋતુ પહેલાં તેમની અન્ય જરૂરિયાતો પણ પૂરી કરે છે. આ અંતર્ગત દરેક ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. આ અંતર્ગત 20 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવાથી 10 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ફાયદો થશે.
વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે આજે ભારતે જે કરી બતાવ્યું છે તે કોઇએ વિચાર્યું પણ ન્હોતું. સાથે જ કહ્યું છે કે સૌનો પ્રયાસ એટલે સંગઠિત શક્તિ છે. 130 કરોડ ભારતીયો સંગઠિત થઇ આગળ વધી રહ્યા છે. આ સિવાય 2021માં વિકાસ ક્ષેત્રે અનેક કામો થયા છે. તેમજ પેરાલિમ્પિકમાં ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારતમાં રમત પ્રત્યે આકર્ષણ વધ્યું છે અને એક નવો યુગ શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે ઘણા દિવસોથી પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાના હપ્તાની તારીખને લઈને અટકળો ચાલી રહી હતી, પરંતુ થોડા દિવસો પહેલા સરકાર દ્વારા ખેડૂતોના મોબાઈલ પર રકમ ટ્રાન્સફર કરવાની માહિતી એસએમએસ દ્વારા મોકલવામાં આવી હતી. જે સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે 1 જાન્યુઆરી, 2022ના રોજ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં 10મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરશે.
પીએમ-કિસાન યોજના હેઠળ, રૂ. 6000/- નો નાણાકીય લાભ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે આપવામાં આવે છે, જે પ્રત્યેક રૂ.2000/-ના ત્રણ સમાન 4-માસિક હપ્તામાં ચૂકવવામાં આવે છે. ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માન રકમ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે.