અબતક, રાજકોટ

રાજકોટ જિલ્લામાં યુવાનોને મતદાર બનાવવા કલેકટર તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે. જે અંતર્ગત મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની ખાસ ઝુંબેશના પ્રથમ દિવસે ગઈકાલે 10 હજારથી વધુ યુવાનોએ મતદાર બનવા માટે ફોર્મ ભર્યા છે. જિલ્લામાં ગઇકાલના દિવસે સુધારા- વધારા સહિતના કામો માટે કુલ 18721 ફોર્મ ભરાયા હતા.

ચૂંટણી વિભાગ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.14, 21 27 અને 28ના રોજ નજીકના મતદાન મથકો ઉપર નવા ચૂંટણી કાર્ડ કાઢવાની તેમજ ફેરફાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. તા.1/1/2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા યુવાનો  મતદાર યાદી નામ નોંધાવી શકે છે.

જિલ્લામાંના દરેક મતદાન મથકોએ ચલાવાઈ મતદાર યાદી સંક્ષિપ્ત
સુધારણા કાર્યક્રમ હેઠળ ખાસ ઝુંબેશ :  કુલ 18,721 ફોર્મ મળ્યા

નવેમ્બર મહિના દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકે છે. વધુમાં મહિનાના ચાર દિવસે દરેક મતદાન મથકે આ કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ગઈકાલના રોજ જિલ્લામાં 10317 યુવાનોએ મતદારયાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભર્યું છે. જેમાં નામ ઉમેરવા માટે રાજકોટ પૂર્વમાં 1048, રાજકોટ પશ્ચિમમાં 958, રાજકોટ દક્ષિણમાં 817, રાજકોટ ગ્રામ્યમાં 2651, જસદણમાં 1080, ગોંડલમાં 1180, જેતપુરમાં 1479 અને ધોરાજીમાં 1104 ફોર્મ નં.6 ભરાયા છે.

આ ઉપરાંત નામ કમી કરવા માટે 4595 ફોર્મ નં. 7 ભરાયા છે. જેમાં રાજકોટ પૂર્વમાં 361, રાજકોટ પશ્ચિમમાં 384, રાજકોટ દક્ષિણમાં 438, રાજકોટ ગ્રામ્યમાં 823, જસદણમાં 298, ગોંડલમાં 924, જેતપુરમાં 712 અને ધોરાજીમાં 655 ફોર્મ ભરાયા છે. જ્યારે વિગતો સુધારવા માટે 2755 જેટલા ફોર્મ નં. 8 ભરાયા છે. જેમાં રાજકોટ પૂર્વમાં 268, રાજકોટ પશ્ચિમમાં 297, રાજકોટ દક્ષિણમાં 260, રાજકોટ ગ્રામ્યમાં 597, જસદણમાં 190, ગોંડલમાં 301, જેતપુરમાં 494 અને ધોરાજીમાં 348 ફોર્મ ભરાયા છે.

આવી જ રીતે જિલ્લામાં સ્થળાંતર માટે 1054 જેટલા ફોર્મ નં. 8 (ક)ભરાયા છે. જેમાં રાજકોટ પૂર્વમાં 199, રાજકોટ પશ્ચિમમાં 196, રાજકોટ દક્ષિણમાં 150, રાજકોટ ગ્રામ્યમાં 190, જસદણમાં 24, ગોંડલમાં 104, જેતપુરમાં 109 અને ધોરાજીમાં 82 ફોર્મ  ભરાયા છે. આમ જિલ્લામાં બધા થઈને રાજકોટ પૂર્વમાં 1876, રાજકોટ પશ્ચિમમાં 1835, રાજકોટ દક્ષિણમાં 1665, રાજકોટ ગ્રામ્યમાં 4261, જસદણમાં 1592, ગોંડલમાં 2509, જેતપુરમાં 2794 અને ધોરાજીમાં 2189 મળી કુલ 18721 ફોર્મ ભરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.