પિસ્તોલ અને કોયતા જેવા ઘાતક હથિયાર સાથે ધસી આવેલા છ બુકાનીધારીએ માત્ર દસ જ મિનિટમાં લૂંટ ચલાવી ફરાર
દિલ ધડક લૂંટનો ભેદ ઉકેલવા રાજયભરની પોલીસને કરાઇ એલર્ટ જાણભેદુએ રેકી કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યાની શંકા
દક્ષિણ ગુજરાતના વાપી નજીક ચાણોદ ગામની આઇઆઇએફએલ ફાયનાન્સ ગોલ્ડ લોન આપતી પેઢીને દિન દહાડે લૂંટારાઓએ નિશાન બનાવી રૂા.૧૦ કરોડની ફિલ્મી ઢબે દિલ ધડક લૂંટ ચલાવી ફરાર થયાની ઘટના પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા રાજયભરની પોલીસને એલર્ટ કરી નાકાબંધી કરાવી હતી તેમજ જાણભેદુની સંડોવણીની શંકા સાથે પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાપીના ચાણોદ ગામે સેલવાસ રોડ પર આવેલી ચંદ્રલોક બિલ્ડીંગમાં આઇઆઇએફએલ ગોલ્ડ લોન નામના ફાયનાન્સ પેઢીમાં સવારે સાડા નવથી દસ વાગ્યાના સુમારે ચહેરા પર બુકાની બાંધેલા એક સાથે છ જેટલા શખ્સો ઘસી આવ્યા હતા. પેઢીના કર્મચારીઓ કંઇ સમજે તે પહેલાં કેટલાક શખ્સોએ પિસ્તોલ અને કોયતા જેવા હથિયાર બતાવી ધમકી દેતા કર્મચારીઓ ગભરાયા હતા.
માત્ર દસ જ મિનીટમાં રૂા.૮ કરોડની કિંમતનું સોનુ અને રૂા.૨ કરોડની રોકડ મળી રૂા.૧૦ કરોડની લૂંટ ચલાવી લૂંટારા ફરાર થઇ ગયા હતા. લૂંટની ઘટનાની જાણ થતા વાપી પોલીસ પી.આઇ. જે.વી.ચાવડા સહિતના સ્ટાફ ઘટના સ્થળ પહોચી ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા એલ.સી.બી.પી.આઇ. બી.ટી.ગામેતી અને એસઓજી પી.આઇ. સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસની અલગ અલગ ટીમ બનાવી લૂંટનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.
ફાયનાન્સ પેઢીની બહાર ખાનગી સિક્યુરિટી હોવા છતાં લૂંટારાઓ સિકયુરિટીમેનને ચકમો દઇ ફાયનાન્સ પેઢીમાં ઘુસી લૂંટ ચલાવી ખુલ્લા ખેતરમાં ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ફાયનાન્સ પેઢીમાં ઘુસેલા છ લૂંટારાઓએ પેઢીના કર્મચારીઓને સેલો ટેપથી બંધક બનાવ્યા બાદ ધમકી દઇને તિજોરી અને કાઉન્ટરના ખાના વેર વિખેર કરી માત્ર દસ જ મિનીટમાં રૂા.૧૦ કરોડની લૂંટ ચલાવતા વાપી પોલીસે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસને પણ લૂંટની ઘટના અંગે જાણ કરી લૂંટારાઓને ઝડપી લેવા ઝાળ બીછાવી છે.
લેંઘો અને ઝભ્ભો પહેરેલા છ લૂંટારાઓને ઝડપી લેવા રાજયભરની પોલીસ દ્વારા વાહન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી હતી. વાપી જિલ્લામાંથી બહાર નીકળવાના તમામ માર્ગ પર પોલીસ દ્વારા નાકાબંધી પોલીસ દ્વારા કરવામાં આવી છે. લૂંટનો ભેદ ઉકેલવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વાપીમાં પડાવ નાખી ફાયનાન્સ પેઢીના જ કેટલાક કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.