ગેરસમજણ દૂર થતાં રાશન વિતરણની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલવા લાગી, રાશનકાર્ડ ધારકોએ વ્યકત કર્યો સંતોષ: પુરવઠા વિભાગની સતત દેખરેખ, અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા
રાજકોટ જિલ્લામાં ગઈકાલે પ્રથમ દિવસે ૮૯ હજાર કુટુંબોને રાશનનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં વાતાવરણ તંગ બન્યા બાદ ગેરસમજણ દૂર થતાં વિતરણની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલવા લાગી હતી. ઉપરાંત રાશનકાર્ડ ધારકોએ કામગીરીથી સંતોષ પણ વ્યકત કર્યો હતો. બીજી બાજુ કામગીરી પર નિરીક્ષણ રાખવા અધિકારીઓ ફિલ્ડમાં પણ ઉતર્યા હતા.
સરકારે લોકડાઉનની સ્થિતિમાં ગરીબોને હાલાકી ન વેઠવી પડે તે માટે વિનામુલ્યે રાશનનો જથ્થો આપવાની જાહેરાત કરી છે. જે પ્રક્રિયા ગઈકાલથી શરૂ થઈ છે. શરૂઆતમાં લોકો એવું સમજતા હતા કે, તમામ રાશનકાર્ડ ધારકોને વિનામુલ્યે રાશનનો જથ્થો આપવામાં આવનાર છે. જેથી ગેરસમજણ ઉભી થઈ હતી. હકીકતમાં જે રાશનકાર્ડ ધારકોને નિયમીત પણે રાશનનો જથ્થો મળે છે તેઓને જ આ મહિને વિનામુલ્યે રાશન મળવાનું છે. જો કે, આ ગેરસમજણ દૂર થતા રાશન વિતરણની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલવા લાગી હતી. જિલ્લામાં કુલ વિતરણ કરવા પાત્ર રાશનકાર્ડની સંખ્યા ૨,૬૫,૫૮૩ છે. જેમાંથી પ્રથમ દિવસે જ ૮૯૨૯૨ રાશનકાર્ડ ઉપર રાશનનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો હતો. આ કામગીરી બરાબર રીતે ચાલે તે માટે પુરવઠા અધિકારી પૂજા વાવડા, ડે.કલેકટર ધાધલ તેમજ ચીફ સપ્લાય ઈન્સ. હરસુખ પરસાણીયા સહિતના ફિલ્ડમાં ઉતર્યા હતા.
રાજયમાં ૯ લાખ કુટુંબોને રાશનનું વિતરણ કરાયુંં : જયેશ રાદડીયા
કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉનના પગલે રાજય સરકારે સંવેદનશીલ નિર્ણય કરી રાજયનાં અંત્યોદય અને પી.એચ.એચ.ના ૬૫.૪૦ લાખ કુટુંબોમાટે ફૂડ બાસ્કેટ યોજના જાહેર કરી છે જેમાં લગભગ સવા ત્રણ કરોડલાભાર્થીઓને આવરી લેવામાં આવશે. આ યોજના અન્વયે અંત્યોદયના ૮.૦૭ લાખ કુટુંબોને કુટુંબદીઠ ૨૫ કીગ્રા ઘઉં, ૧૦ કિગ્રા ચોખા, ૧ કિગ્રા દાળ, ૧ કીગ્રા ખાંડ તથા ૧ કિગ્રા મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે.
અગ્રતા ધરાવતા પી.એચ.એચ. આશરે ૫૭.૩૩ લાખ કુટુંબોને વ્યકિતદીઠ ૩.૫ કિગ્રા ઘઉં, ૧.૫ કિગ્રા. ચોખા, ૧ કિગ્રા દાળ, ૧ કિગ્રા ખાંડ તથા ૧ કિગ્રા મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે.
અન્ન બ્રહ્મ યોજના હેઠળ અત્યંત ગરીબ એવા કુટુંબવિહોણા અને નિરાધાર રોજમદાર, મજૂરો, માઈગ્રેડેટ લોકોને મામલતદાર દ્વારા અધિકૃત કરી વ્યકિતદીઠ ૩.૫ કિગ્રા ઘઉં, ૧.૫ કિ.ગ્રા ચોખા, ૧ કિગ્રા દાળ, ૧ કિગ્રા ખાંડ તથા ૧ કિગ્રા મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે.
આજે ૧ લી એપ્રીલના રોજ રાજયની ૧૭૦૦૦ જેટલી વ્યાજબી ભાવની દુકાનો મારફતે ઉકત યોજના અન્વયે એકજ દિવસમાં આશરે ૯ લાખ જેટલા કુટુંબોને અનાજ, દાળ, ખાંડ તથા મીઠાનું વિતરણ કરવામાં આવ્યું. રાજયનાં પુરવઠા તંત્ર દ્વારા કોરોના વાઈરસ સામે તકેદારીના ભાગરૂપે દુકાનોમાં વિતરણ માટે યોગ્ય આયોજન કરવામાં આવેલ જેમાં લાભાર્થીઓ વચ્ચે સુરક્ષીત અંતર જળવાઈ રહે તે માટે ૨૫-૨૫ લાભાર્થીઓને બોલાવવામાં આવેલ હતા. દુકાન પર યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકારી કર્મચારી તથા કાયદો અને વ્યવસ્થા માટે સૂરક્ષાકર્મીની વ્યવસ્થા કરવામાં આવેલ. આમ, આજના દિવસે રાજયનાં પુરવઠાતંત્રએ સુચારૂ રીતે કામગીરી કરી ૯ લાખ જેટલા કુટુંબોને અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે. તેમ અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું છે.
મેટોડામાં ૯૬ વર્ષના વૃદ્ધાએ પ્રાંતના હસ્તે મેળવ્યું રાશન
મેટોડા ખાતે ગઈકાલે ૯૬ વર્ષના વૃદ્ધાને પ્રાંત અધિકારી સરયુ જનકાર દ્વારા વિનામુલ્યે રાશનનો જથ્થો આપવામાં આવ્યો હતો. આ વેળાએ વૃદ્ધાની આંખ હરખથી છલકાઈ હતી. વૃદ્ધાએ તંત્રને આશિર્વાદ પણ આપ્યા હતા.