કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ દેશભરનાં ડેવલપર એસોસિએશનો સાથે વી.સી.ની યોજેલી બેઠકમાં વ્યકત કર્યો નિર્ધાર
કોરોના વાયરસના સંક્રમણ અને તેને રોકવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા લોકડાઉનના પગલે સમગ્ર દેશ થંભી જવા પામ્યો છે. જેના કારણે દેશનું અર્થતંત્ર પણ લકવાગ્રસ્ત બની જવા પામ્યું છે. લોકડાઉન ખૂલે ત્યારે આ સ્થિતિમાંથી ઝડપભેર બહાર આવવા અને અર્થતંત્રમાં સુધારો લાવવા કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયે યુધ્ધના ધોરણે રોજનો ૬૦ કીમી હાઈવેનું નિર્માણ કરવાનો નિર્ધાર રાખ્યો છે. આ નિર્ધાર કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કેડાઈ ડેવલપર એસોસીએશનના સભ્યોને સંબોધતા વ્યકત કર્યો હતો.
ગડકરીએ વિડિયો કોન્ફરન્સ મારફતે દેશભરનાં ડેવલપરોને સંબોધતા જણાવ્યું હતુ કે હાલમાં ખરાબ સ્થિતિમાં પહોચી ગયેલા અર્થતંત્રને ઉત્તેજન આપવા દેશમાં માળખાકીય સુવિધાઓ વધારવી પડશે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણ પહેલા મેં દરરોજ ૩૦ કીમી હાઈવે બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. અને તેમાં સફળતા પણ મળી હતી. હાલની સ્થિતિમાં મે દરરોજનો ૬૦ કીમી હાઈવે યુધ્ધના ધોરણે બનાવવાનો નિર્ધાર રાખ્યો છે. આ નિર્ધારના કારણે રોડ પ્રોજેકટમાં વિકાસ બે થી ત્રણ ગણો ઝડપી બનશે જેનાથી ભવિષ્યમાં અર્થતંત્રને ભારે મદદ મળશે ગડકરીએ આ નિર્ધાર કેન્દ્ર સરકારના લોકડાઉન બાદના આયોજનો અંગે પુછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં વ્યકત કર્યો હતો.
ગત નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા ૩,૯૭૯ કીમીનો નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે. જે એક વર્ષમાં સૌથી વધારે કીમી નેશનલ હાઈવે બન્યાની સિધ્ધિ સમાન છે. તે પહેલાના વર્ષમાં નેશનલ હાઈવે ઓથોરીટીએ ૩,૩૮૦ કીમી નેશનલ હાઈવેનું નિર્માણ કર્યું હતુ. તેમ જણાવીને ગડકરીએ ઉમેર્યું હતુ કે માળખાકીય વિકાસ થવાના કારણે રોજગારનું નિર્માણ થવાના સાથે અર્થતંત્રને વેગ પણ મળે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારે ભારતમાલા પરિયોજના હેઠળ દેશભરમાં ૬૫ હજાર કીમી નેશનલહાઈવે બનાવવાની યોજના બનાવી છે. જેના પ્રથમ તબકકામાં સરકારે પાંચ વર્ષમાં રૂા.૫.૩૫ લાખ કરોડના ખર્ચે ૩૪૮૦૦ કીમી નેશનલ હાઈવેના નિર્માણ કાર્યને મંજૂરી આપી છે.