ગુજરાતના પારંપરિક નાટ્ય ભવાઇના ૩૬૦ જેટલા જુનામાં જુના વેશ કવિ અસાઇત ઠાકરની કલમે લખાયા હતા
“ધ શો મસ્ટ ગો ઓન: ૫૮મો રંગભૂમી દિવસ
વિસરતી જતી નાટયકલાના રંગીન સંસ્મરણોને વાગોળવા તેમજ કલાને પુન:જીવીત કરવાની દિશામાં મનોમંથન કરવાનો પર્વ એટલે ૨૭મી માર્ચ આજરોજ વિશ્વ રંગભૂમી દિવસ છે. આજે મનોરંજનના સાધનોમાં ટેલીવીઝન, નેટફલીકસ, અને ડિજિટલ મીડીયાનું ચલણ અને વલણ વધતા રંગભૂમી સાથે વણાયેલી ભવાઈ કલા, એકાંકી નાટકો અને રંગમંચ ઉપર ભજવાતા નાટકો કયાક નવી પેઢીના મતે વિસરાય ગયા હશે. પરંતુ દાયકાઓ પૂર્વ ભવાઈ કલાનો સૂવર્ણ યુગ હતો, જયારે ગામના ચોરે થતી ભવાઈઓ જાણે ઉત્સવ મંડાયો હોય એમ લોકો નાત -ભાત ભૂલી નાટકોના સહારે જાણે આનંદના વરસાદમાં ભીંજાયા તો હોય તેમ તરબોળ થઈ જતા હોય છે. લોક નાટકોને જીવંત રાખવા નાટક રંગ મંડળીએ પણ પ્રાણ રેડી દીધા.
૧૯મી સદીમાં જયારે ગુજરાતની રંગભૂમિને વ્યાવસાયીકરણ તરફ લઈ જવાયું ત્યારે સૌ પ્રથમ તેને ભજવવા માટે સ્ક્રિપ્ટની જ‚ર પડી, લેખકો સ્ક્રિપ્ટ તૈયાર કરાવ્યા બાદ અભિનેતાઓ પાસે રિહર્સલ કરાવે છે. આમ સમયની સાથે રંગભૂમિને જયારે લોકો સ્ટેજ તરીકે પણ ઓળખતા થયા ત્યાર સુધીમાં તેમાં કેટલીક આધુનીક ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને સ્ટેજ અને ઓડિયોરીયમની બાદ પ્રોસીનિયમ આર્ક અને પડદાએ સ્થાન લીધું.
૨૪ કલાકો સુધી સ્ટેજને જીવવાથી એક નાટકનું સર્જન થાય છે: ભરત યાજ્ઞિક
ભરત યાજ્ઞિકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે ૫૮મો વિશ્વ રંગભૂમી દિવસ ઉજવાઈ રહ્યો છે. પરંતુ ગુજરાતી થીયેટરનો ઈતિહાસતો તેનાથી પણ જૂનો છે. ગુજરાતી રંગભૂમીને ૧૬૫ વર્ષ થયા. જૂની રંગભૂમીમાં ઐતિહાસીક પૌરાણિક અને સેકસપિયરના નાટકો પણ ભજવાયા છે. પરંતુ વિદેશમાંથી પ્રસિધ્ધ પામેલા નવી રંગભૂમીના નાટકોમાંથી પણ અનુવાદીત નાટકો રજૂ થતા થયા પરંતુ નવી રંગભૂમી સંગીત વિહોણી રહી આજે ગુજરાતી થીયેટર બે ભાગમાં વહેચાયું છે. જેમાં અકે તરફ વ્યાવસાયીકરણ છે તો બીજી તરફ પ્રયોગશીલ રંગભૂમી છે.
રંગભૂમી અભિનેતાનું જીવન છે. કહેવાય છે કે જીવન એવી રીતે જીવો જાણે નાટક કરતા હોય, અને નાટક કરો તો એવી રીતે કરો જાણે જીવન જીવતા હોય.માટે અભિનેતાઓ પોતાના લોહી પાણી એક કરી પ્રસ્તુતીને રજૂ કરે છે. પરંતુ નાટય એ સાધના છે. હાલના સમયના એમેટોર થીયેટરના અભિનેતાઓ માત્ર શોખ પૂરતા સ્ટેજ કરતા હોય પરંતુ સ્ટેજને ૨૪ કલાક જીવવું પડે છે. ત્યારે એક નાટકનું સર્જન થાય છે. આજનો નિર્માતા પોતાની સ્ટોરીને અલગ રીતે રજૂ કરતા શિખી ગયો છે. પરંતુ તેને સ્વીકારવાની કે સમજવાની લોકોની માનસીકતામાં ફેરફારો આવ્યા નથી. અમારી પોતાની નાટય એકેડેમી માટે પ્રેક્ષક વર્ગ ઉભો કરવામાં ૨૫-૩૦ વર્ષ લાગ્યા છે. જેઓ નાટકોની વાટ જોઈને બેઠા હોય કે આ વર્ષે કયું નાટક રજૂ થશે.
ફરી લાઈવ ડ્રામાનો સુવર્ણકાળ આવશે: મનીષ પારેખ
મનીષ પારેખે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૩૨ વર્ષથી રંગભૂમીથી સંકલાયેલ છે. ૧૬ વર્ષની વયે સૌ પ્રથમ નાટક એ જનગણના ફરીશ્તા એવા સ્વામી વિવેકાનંદ ઉપર આધારીત હતુ. ત્યારબાદ ડ્રામામાં નાટય શાસ્ત્રનીડિગ્રી મેળવી. આ ઉપરાંત ફિલ્મો ટી.વી. સીરીયલોમાં પણ કામ કર્યું છે જે રીતે લોકો ડિજિટલ તરફ વળ્યા છે. પરંતુ તેનાથી પણ કંટાળી લોકો લાઈવ ડ્રામા તરફ વળે તેવા સુવર્ણકાળની શ‚આત થશે. અભિનેતાઓ એકજ જીવનમાં અનેક પાત્રો દ્વારા જીવન જીવી શકે છે.
જો સ્ટેજ વિશ છે તો ખોલ પડદો મારે નિલકંઠ થવું છે: પ્રિત ગોસ્વામી
પ્રિત ગોસ્વામીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૯ વર્ષની ઉમ્રમાં પ્રથમ નાટકમાં ભાગ લીધો હતો. ત્યારથી જ રંગભૂમી સાથે જોડાયો છું આમતો અભિનય એટલે કોઈનો પાત્ર ભજવવું પરંતુ સાચા અર્થમાં જયારે આપણે એકટીંગ કરવાનું બંધ કરીએ ત્યારે જ સાચુ અભિનય નીકળે છે. નાટય એટલે પર કાયા પ્રવેશ છે. જો સ્ટેજ એક વિશ છે, તો ખોલ પડદો મારે નિલકંઠ થવું છે. એમ દિલીપ રાવલે લખ્યું છે કે પંખીના ગળામાં ચીરો પડે તો લોહી સાથે ટહુકો પડે એમ જો જીવનમાં પણ કયારેય એવું બને કે રોલ બાકી હોય ને પડદો પડે. દરેક વ્યકિત જીવનમાં કોઈને કોઈ કિરદાર ભજવે છે. સેલ્સમેન પણ પોતાની વસ્તુઓ વહેચવા અભિનય તો કરે જ છે. એમ દરેક જીવનમાં પોત પોતાનો રોલ નિભાવવો પડે છે.
જીવનના સંસ્કરણનો પડછાયો એટલે રંગભૂમી: કૌશિક સિંઘવ
૭૪ વર્ષની ઉમ્રનો પોણો ભાગ રંગભૂમીને સર્મપિત કરનારા કૌશિક સિંઘવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજનો સમયની સાથે પરિવર્તનો આવ્યા છે. એક સમયે ભવાઈ જ સર્વેસર્વા હતી. આજે આપણે જે નાટકો, ફિલ્મો, ટીવી સીરીયલો જોઈએ છીએ તેનો મૂળ સ્ત્રોત ભવાઈ છે. આજે મારે નાટક ભજવવું હોય તો પ્લેબેક સીંગરો, ડ્રેસને તમામ સુવિધાઓ મળે પરંતુ ભવાઈ ભજવનાર પોતે જ ગાય છે. અભિનય કરે અને નૃત્ય પણ કરે છે.
આજની પેઢીને સાયગલના ગીતો પસંદ ન પડે પરંતુ જે તે સમયે તેનો અલગ જ જમાનો હતો. એમ નાટકોમાં પણ અનેક ફેરફારોનું કારણ જમાનાની તાસીર આધારીત હોય છે. રંગભૂમીનો સામાન્ય અર્થ એક જમીનથી થોડો ઉંચો સ્તર જેમાં તમામ કળાઓ, પર્ફોમીંગ આર્ટસ ભજવાતું હોય છે. પરંતુ તેને અલગ રીતે મુલવવામા આવે તો જીવનમાં જે કંઈ પણ બનાવો બને છે. તેનો તખ્તો નાટય સ્વરૂપે પાડનાર માધ્યમ એટલે રંગભૂમી.